અડોની : આંધ્રપ્રદેશમાં હૈદરાબાદથી નૈર્ઋત્યે 225 કિમી. દૂર મુંબઈ–મદ્રાસ રેલમાર્ગ પર કુર્નૂલ જિલ્લામાં આવેલું શહેર. વસ્તી : 1,35,718 (1991). અડોની વિજયનગરના મધ્યયુગીન હિંદુ સામ્રાજ્યનો ગઢ ગણાતું. પછીથી 1792માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ટીપુ સુલતાન વચ્ચે યુદ્ધ થયું ત્યાં સુધી મુસ્લિમ શાસકોએ તેના પર અંકુશ જમાવ્યો હતો. પછી તે હૈદરાબાદના નિઝામને સોંપી દેવાયું. 1680માં બંધાયેલી સુંદર જામા મસ્જિદ અડોનીનું મુખ્ય આકર્ષણ છે. સુતરાઉ કાપડ- ઉદ્યોગ અને ગાલીચાઉદ્યોગ આ શહેરમાં મોટા પ્રમાણમાં વિકસેલા છે.

હેમન્તકુમાર શાહ