અઝહર (વિશ્વવિદ્યાપીઠ) (જામ-એ-અઝહર)

January, 2001

અઝહર (વિશ્વવિદ્યાપીઠ) (જામ-એ-અઝહર) : કેરોની મસ્જિદ અને વિશ્વવિદ્યાલય. ફાતિમી વંશે ઇજિપ્ત ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે કેરો શહેરને પાટનગર બનાવ્યું. જોહરુલ કાતિબ સક્લબીએ, ઈ. સ. 971માં મસ્જિદનો પાયો નાખ્યો અને બે વર્ષ પછી મસ્જિદ તૈયાર થઈ ગઈ. તે પછીના રાજાઓએ તેમાં વધારો કર્યો.

કેરોની મસ્જિદમાં એક મદરેસાની સ્થાપના કરવામાં આવી. સમય જતાં તે વિદ્યાપીઠ ધાર્મિક અને સાંસારિક શિક્ષણ માટેનું મોટું કેન્દ્ર બની ગઈ, અને ‘જામ-એ-અઝહર’ના નામથી પ્રસિદ્ધ થઈ. ત્યાં દૂરદૂરના દેશવિદેશથી વિદ્યાર્થીઓ આવતા. આજે પણ અર્ધા ઉપરાંત વિદ્યાર્થીઓ ત્યાં રહીને અભ્યાસ કરે છે. આરંભમાં ત્યાં માત્ર ધાર્મિક શિક્ષણ આપવાનો પ્રબંધ હતો. ઈ. સ. 1930માં પ્રાથમિક, માધ્યમિક, સ્નાતક અને અનુસ્નાતક વર્ગો શરૂ કરવામાં આવ્યા અને દુન્યવી શિક્ષણને મસ્જિદમાંથી બહાર લાવી કૉલેજોને સોંપવામાં આવ્યું. અઝહર વિશ્વવિદ્યાપીઠમાં આજે માત્ર ધાર્મિક શિક્ષણનું જ કેન્દ્ર મસ્જિદથી સંકળાયેલું છે. ઇતર શિક્ષણ વિશ્વવિદ્યાલય દ્વારા અપાય છે.

મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ