અજપાજપ : જેમાં કોઈ પણ પ્રકારનાં સ્થૂળ સાધન જેવાં કે, નામોચ્ચારણ, માળા ફેરવવી, વેઢા ગણવા વગેરેનો પ્રયોગ કરવાનો ન હોય તેવા જપ. સિદ્ધ સાહિત્યમાં આની વિશેષ ચર્ચા મળે છે. નાથપંથમાં રાતદિવસમાં જતા-આવતા 21,600 શ્વાસના આવાગમનને અજપાજપ કહ્યા છે. આમાં હઠયોગીઓ અનુસાર જમણા શ્વાસને ‘ઓહમ્’ અને ડાબાને ‘સોહમ્’ કહ્યો છે. વસ્તુતઃ ઇડા, પિંગળા અને સુષુમ્ણા નાડીમાં આ જપ રાતદિવસ વહ્યા કરે છે. કબીરે આવતા-જતા શ્વાસ દ્વારા થતા જપને અજપાજપ કહ્યા છે. એમણે આ ક્રિયાને ‘નિઃઅક્ષરનું ધ્યાન’ કહેલ છે. – ‘નિહ અક્ષર જાપ તહં જાપૈ, ઉઠત ધૂન સુન્નસે આપૈ.’

પ્રવીણચંદ્ર પરીખ