અચળ પ્રમાણનો નિયમ

January, 2001

અચળ પ્રમાણનો નિયમ (law of definite proportion) : રાસાયણિક સંયોજનનો એક નિયમ. ‘એક જ રાસાયણિક સંયોજનના બધા શુદ્ધ નમૂનાઓમાં એક જ પ્રકારનાં રાસાયણિક તત્ત્વો એક જ વજન પ્રમાણમાં જોડાયેલાં હોય છે. દા.ત., સિલ્વર ક્લોરાઇડને વિવિધ રીતે બનાવીએ તોપણ સિલ્વરનું વજન : ક્લોરિનનું વજન હંમેશાં 107.868 : 35.453 હોય છે. પ્રાઉસ્ટે 1797માં આયર્ન ઑક્સાઇડના અભ્યાસ ઉપરથી આ નિયમ તારવ્યો હતો.

સમસ્થાનિકો(isotopes)ની શોધ પછી અચળ પ્રમાણના નિયમની યથાર્થતા મૂળ અર્થમાં જળવાતી નથી. દા.ત., સીસાના બે સમસ્થાનિકો Pb-206 અને Pb-208માંથી બનેલો લેડ ક્લોરાઇડ, લેડ અને ક્લોરિનના વજનનો ગુણોત્તર એકસરખો દર્શાવી નહિ શકે. આવી જ રીતે બિનપ્રમાણીય (non-stoichiometric) સંયોજનોની બાબતમાં પણ આ નિયમ મૂળ રૂપમાં પળાતો નથી.

ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ