અચલાયતન (1911) : રવીન્દ્રનાથ ટાગોરનું નાટક. પરંપરાવાદી, રૂઢિચુસ્ત સમાજની જડતા પર પ્રહાર કરતું તે વ્યંગનાટક છે. એની કથા મૌલિક છે; પણ એનું તત્ત્વ, સમય અને વાતાવરણ આશ્ચર્યકારક રીતે વાસ્તવિક તેમજ ઐતિહાસિક છે. ઈ. સ.ની પ્રથમ શતાબ્દીના અંતિમ સૈકાઓમાં અને દ્વિતીય શતાબ્દીના આરંભમાં મહાયાન બૌદ્ધપંથનો વજ્રયાન અને મંત્રયાન સાધનાઓ રૂપે ખાસ વિકાસ થયો હતો. અનેક બૌદ્ધ વિહારો અસ્તિત્વમાં આવ્યા હતા, જેમાં ધર્મદર્શનનું ભક્તિપૂત અધ્યયન થતું. તેમ છતાં ગુહ્યસાધના અને કઠોર તપ દ્વારા પ્રાપ્ત થતી અલૌકિક શક્તિમાં લોકોને શ્રદ્ધા હતી. એ શક્તિને જ આધ્યાત્મિક વિકાસનું અંતિમ લક્ષ્ય માનવામાં આવતું. ઇતિહાસકારો કહે છે તેમ, આને પરિણામે અકર્મણ્યતા આવી, અસહાયતાની ભાવના જન્મી, દેશ પતનને માર્ગે ધકેલાયો. એ પરિસ્થિતિનું કાલ્પનિક છતાં વાસ્તવિક લેખાય એવું ચિત્ર ‘અચલાયતન’માં રજૂ થયું છે અને એ દશામાંથી શી રીતે ઊગરી જવાય તે પણ સૂચવ્યું છે. નાટક રવીન્દ્રનાથનો બૌદ્ધદર્શનનો ઊંડો અભ્યાસ સૂચવે છે. તેમણે હસતાં હસતાં ગંભીર વાત કહી દીધી છે. રવીન્દ્રનાથનું તે એક ઉચ્ચ પ્રકારનું પ્રહસન લેખાય છે અને અનેક વાર વિવિધ ભારતીય ભાષાઓમાં ભજવાઈ ચૂક્યું છે.

ચન્દ્રકાન્ત મહેતા