અચલપુર : મહારાષ્ટ્રમાં નાગપુરથી ઈશાને અમરાવતી જિલ્લામાં આવેલું શહેર. તે 210 16´ ઉત્તર અક્ષાંશ અને 770 31´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી આશરે 1.12 લાખ કરતાં વધુ. મધ્યયુગમાં નવમીથી બારમી સદી સુધી તે જૈન સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું હતું. અચલપુરમાંથી સાતમી સદીનું એક તામ્રપત્ર પણ મળી આવ્યું છે. આચાર્ય હેમચંદ્રસૂરિએ તેમના વ્યાકરણમાં અચલપુરનો ઉલ્લેખ કર્યો છે. જૈન વિદ્વાન ધનપાલે તેમનો વિખ્યાત ગ્રંથ ‘ધમ્મપરિક્ખા’ અહીં લખ્યો હતો. અચલપુરમાં અરિકેસરી નામે એક જૈન રાજા થયો હોવાનો ઉલ્લેખ આચાર્ય જયસિંહસૂરિએ નવમી સદીમાં તેમની ‘ધર્મોપદેશમાલા’માં કર્યો છે.

હેમન્તકુમાર શાહ