અઘેડો (મોટો અઘેડો)

January, 2001

અઘેડો (મોટો અઘેડો) : દ્વિદળી વર્ગના ઍમેરેન્થેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Achyranthes aspera L. (ઠ્ઠદ્વ. अपामार्ग; હિં. लटजीरा; चीरचीरा; મ. અઘાડા; ગુ. અઘેડો) છે.

રુવાંટીવાળો એકવર્ષાયુ, 30થી 120 સેમી. ઊંચો જંગલી છોડ. ચાર ખૂણાવાળું ચોરસ પ્રકાંડ. પર્ણો અંડાકાર, પરસ્પર સન્મુખ. પુષ્પો આછાં લીલાં કે સફેદ, પુષ્પદંડ ઉપર નીચે વળેલાં. શૂકી (spike) 60 સેમી. લાંબી. નિપત્રો કંટકીય, ફલન બાદ સખત ચોટેલાં. પંચાવયવી, બારે માસ આવતાં પુષ્પો. બીજાશય એક અને એક જ અંડક ધરાવે.

ઉપરની સહિત તેની ત્રણ પ્રજાતિઓ ગુજરાતમાં મળે છે, જલીય છોડ તે A. aquatica R.Br. અને વેલિયો છોડ તે A. porphyristichya HK.

દર વર્ષે ઊગતું આ નીંદણ છે. ખાસ કરીને તે ચોમાસામાં વધુ જોવા મળે છે. તેને મધ્યમ ભેજગ્રાહી કાળી અને ગોરાડુ જમીન વધુ માફક આવે છે. પાક વગરની પડતર જમીનમાં પણ તે જોવા મળે છે. તેનાં બીજ સંપર્કમાં આવતાં પદાર્થને ચોટી જતાં હોવાથી તેનો ફેલાવો સરળતાથી થઈ શકે છે.

અઘેડો (મોટો)

આયુર્વેદની દૃષ્ટિએ ઘણી જ ઉપકારક વનસ્પતિ. આ આખો છોડ અને તેનાં બીજ ઔષધિના કામમાં આવે છે. તેના સો ભાર વજન દ્રવ્યના પાનમાં કાર્બોનેટ ઑવ્ પૉટાશ ક્ષાર 21.50%, લાકડામાં 38.01 % અને મૂળમાં 28.58 % છે. તે સર્વોપયોગી છોડ દાહ, પથરી, વિષમજ્વર વગેરે અનેક રોગોમાં વપરાય છે.

શોભન વસાણી