અગ્લાઇઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી  કુળની એક પ્રજાતિ. તે ક્ષુપ અથવા નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. તેનું વિતરણ ઇંડો-મલેશિયન પ્રદેશ, ચીન, ઉષ્ણકટિબંધીય ઑસ્ટ્રેલિયા અને પૅસિફિક દ્વીપોમાં થયેલું છે. ભારતમાં તેની 23 જેટલી જાતિઓ થાય છે. તેના સહ-સભ્યો લીમડો, રોહીડો, તુન, મહોગની છે. આ પ્રજાતિની જાણીતી કેટલીક જાતિઓમાં Aglaia argentea Blume; A. edulis A. Gray.; A. elaeagnoidea (A. Juss). Benth.; A. odorata Lour.; A. odoratissima Blumeનો સમાવેશ થાય છે.

તેનું પ્રકાંડ રુવાંટી જેવાં શલ્કી પત્રોથી (રોમ) છવાયેલું હોવાથી કથ્થઈ કે તપખીરિયું દેખાય. પર્ણો એકાંતરિત. દરેક પર્ણ પરની 57 પર્ણિકાઓ સામસામી. ‘કક્ષસ્થ ઝૂમખામાં પંચાવયવી પીળાં નાનાં પુષ્પો જાન્યુઆરીમાં આવે છે. નલિકાને આરે થતાં પુંકેસરો મુખ્યત્વે 5 અને ક્વચિત્ 4 કે 10 પણ હોય. ફળ રસાળ (બદરી પ્રકારનાં), બફ રંગનાં ફલાવરણ અને બીજ માંસલ, લિંબોળી જેવાં મધુર સ્વાદનાં, શક્તિવર્ધક અને ઠંડાં.

આ કુળનાં વૃક્ષોની આંતરછાલનો અર્ક જીવાણુનાશક છે. ગુજરાતમાં ઈડર અને વીરેશ્વર પાસે અને દક્ષિણ ભારતમાં કોંકણ, મલબાર, ત્રાવણકોર ને તીનીવેલી સુધી મળે. તેનું કાષ્ઠ ઇમારતી લાકડું આપે છે. આ વનસ્પતિ ધીરે ધીરે દુષ્પ્રાપ્ય થતી જાય છે.

મુકુંદ દેવશંકર ભટ્ટ

સરોજા કોલાપ્પન