અગ્રવાલ, શ્રીમન્નારાયણ

January, 2001

અગ્રવાલ, શ્રીમન્નારાયણ (જ. 17 જુલાઈ 1912, ઇટાવા; અ. 3 જાન્યુઆરી 1978, ગ્વાલિયર) : રાજકીય નેતા અને ગાંધીવિચારના અર્થશાસ્ત્રી. તેઓ અર્થશાસ્ત્ર અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા હતા. વર્ધામાં ઘણો સમય ગાંધીજી સાથે કાર્ય કર્યા બાદ 1942માં ‘ભારત છોડો’ની લડતમાં જોડાયેલા. તેમણે વર્ધામાં સક્સેરિયા કૉલેજની સ્થાપના કરેલી અને તે કૉલેજના આચાર્ય તરીકે સેવા આપેલી. નાગપુર યુનિવર્સિટીના કૉમર્સ વિદ્યાશાખાના વડા તરીકે પણ કામ કર્યું હતું. 1958થી 1964 દરમિયાન ભારતીય આયોજન પંચના સભ્ય અને ત્યારબાદ નેપાળમાં ભારતના એલચી તરીકે રહ્યા હતા. 1967થી 1973 દરમિયાન તેઓ ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા.

શ્રીમન્નારાયણ અગ્રવાલ

જ્ઞાતિવિહીન સમાજરચનાના તેઓ હિમાયતી હોઈ તેમણે પોતાની ‘અગ્રવાલ’ અટક ત્યજી દીધી હતી.

શ્રીમન્નારાયણે અનેક પુસ્તકો લખેલાં છે, જેમાં મુખ્ય આ પ્રમાણે છે : (1) ગાંધીવાદી અર્થશાસ્ત્રની સંગતતા, (2) બિન માંગે મોતી મિલે (લલિત નિબંધોં કા સંકલન), (3) વિનોબા કે સાથ સાત દિન, (4) Principles of Gandhian Planning, (5) Those Ten Months–President’s Rule in Gujarat, (6) India and Nepal — An exercise in open diplomacy.

હેમન્તકુમાર શાહ