અગ્રભૂમિ (foreland) : જળ, ભૂમિ કે પર્વતીય વિસ્તારમાં ધસી ગયેલી ભૂમિજિહ્વા. ‘અગ્રભૂમિ’ પ્રવર્તનના જુદા જુદા પાંચ પ્રકાર જોવા મળે છે.

  1. સમુદ્રની અંદર સુધી ધસી ગયેલી ઊંચી ભૂશિર; ભૂમિનો પૃથક્ રીતે સમુદ્ર તરફ આગળ વધી પ્રવેશેલો ભાગ. આ પ્રકારનું ભૂમિસ્વરૂપ આકાર લે તે માટેના પ્રારંભિક તબક્કામાં સમુદ્રજળપ્રવિષ્ટ ભૂમિની ત્રણ બાજુઓ પર સમુદ્ર-મોજાંનો ધસારાનો સતત મારો થતો રહેતો હોય, જેમાં કિનારાના ભૂમિભાગો ઊર્ધ્વદિશામાં તૂટતા જઈને છેવટે ઊંચી ભેખડ જેવો આકાર તૈયાર થાય છે. આ રીતે સમુદ્રમાં ઊંચી ભૂમિ-જિહ્વા ધસી ગયેલી દેખાતી હોય એવા ભૂમિસ્વરૂપને અગ્રભૂમિ કહેવાય.
  2. જટિલ ગેડવાળી પર્વતરચનાઓને ત્રણ વિભાગમાં જુદી પાડી શકાય છે : (અ) કોઈ પણ પ્રકારની અસરોથી મુક્ત એવો ગેડીકરણરહિત ખડકસ્તરોનો બનેલો ર્દઢ વિભાગ; (આ) ગેડીકરણની અસરોવાળો ખડકવિભાગ અને (ઇ) જેમાં ગેડીકરણ ઓછું થતું જઈ કે વિલુપ્ત થઈ જઈ સ્તરભંગમાં ફેરવાઈ જતું હોય એવો ખડકસ્તર વિભાગ : હારમાળાની એક બાજુ કે જ્યાં અતિગેડરચના એક તરફ ઢળેલી હોય એવા વિભાગને પણ અગ્રભૂમિ કહેવાય, જે ગેડીકરણવાળો વિભાગ હોય કે વિલુપ્ત પામતો જતો ગેડવિભાગ પણ હોય.
  3. ખંડીય સમતળ સપાટપ્રદેશ(platform)ના ભૂમિસ્વરૂપવાળો સ્થિર કે અવિચલિત ખંડપ્રદેશ જો છીછરા જળમાં પ્રવેશેલો હોય તો તેને પણ અગ્રભૂમિ તરીકે ઓળખાવાય.
  4. દાબનાં બળ સક્રિય થતાં ભૂસંનતિમય કણજમાવટનો વિસ્તાર પ્રતિકારક્ષમતાવાળા ખંડભૂમિભાગને ખસેડે ત્યારે રચાતા જિહ્વાગ્રભાગને પણ અગ્રભૂમિ કહેવાય.
  5. સંરચનાત્મક દૃષ્ટિએ અતિધસારો પામેલી ખડકસ્તરશ્રેણીનો અગ્રભાગ પણ અગ્રભૂમિ કહેવાય.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ

ગિરીશભાઈ પંડ્યા