અગ્નિરોધન

January, 2001

અગ્નિરોધન (fire-proofing) : દહનશીલ પદાર્થના દહનના વેગને ઘટાડી શકે તેવી પ્રવિધિ. આગ માટે બળતણ, ઑક્સિજન અને ગરમી – આગત્રિકોણ – જરૂરી છે. આ ત્રિપુટીમાંથી એકને દૂર કરતાં આગ બુઝાઈ જાય છે. આધુનિક સંશોધને આમાં ચોથું પરિબળ – મુક્ત મૂલકો (free radicals) – ઉમેર્યું છે. આગ સતત ચાલુ રહેવાનું કારણ મુક્ત મૂલક શૃંખલાપ્રક્રિયા (chain reaction) છે.

સામાન્ય ઘરવપરાશની ચીજો કાગળ, પૂઠાં, કાપડ, કાષ્ઠ અને વિવિધ પ્રકારના પ્લાસ્ટિક કે કાર્બનિક પદાર્થો હોય છે. ગરમીની અસર આ પદાર્થો ઉપર થાય જ નહિ તેવી પ્રવિધિ અશક્ય ગણાય. આ પદાર્થોને, જ્વાલા ન પકડે તેવા અથવા આગ બુઝાયા પછી ભારેલા અગ્નિ જેવું કશું ન રહે તેવા બનાવવા એ જ ઉપાય છે. આથી આ કાર્યો માટે વપરાતા પદાર્થોને જ્વાલારોધકો (flame retardants) પણ કહે છે. સેલ્યુલોઝયુક્ત પદાર્થોમાં દહન માટેનો જરૂરી ઑક્સિજન તેના બંધારણમાં રહેલો હોય છે, જ્યારે પૉલિઇથિલીન, પૉલિપ્રોપિલીન અને પૉલિવાઇનિલ ક્લોરાઇડ જેવા પદાર્થો દહન માટે હવાના ઑક્સિજન ઉપર આધાર રાખે છે. આ ભિન્નતાને કારણે જ્વાલારોધકો પણ આ બે પ્રકારના પદાર્થો માટે અલગ અલગ હોય છે. ઑક્સિજનયુક્ત પદાર્થો માટે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફૉસ્ફેટ, એમોનિયમ સલ્ફામેટ, બૉરૅક્સ, બૉરિક ઍસિડ વગેરે વપરાય છે. આલ્કેલાઇન પદાર્થો જ્વાલાને રોકે છે. જ્યારે એસિડિક પદાર્થો આગનું કારણ દૂર થતાં સળગતા પદાર્થોને તુરત જ બુઝાવી દે છે, અને રાખ ચડેલા અંગારા જેવું કશું રહેતું નથી. આ રસાયણોથી જ્વલનશીલ વાયુ ઓછા પ્રમાણમાં પેદા થાય છે, અને તેનાથી વરાળ વધુ ઉત્પન્ન થતાં કોલસો વધુ બને છે. કાર્બન મોનૉક્સાઇડ વધુ પ્રમાણમાં બનતાં બળતા પદાર્થોનું તાપમાન ઘટી જાય છે. વળી બૉરૅક્સ જેવાં રસાયણો પીગળીને બળતા પદાર્થો ઉપર અસ્તર રૂપે પ્રસરીને તેને મળતો ઑક્સિજનનો પુરવઠો કાપી નાખે છે. આને લીધે પદાર્થોમાં અંગારા રૂપે અગ્નિ રહેતો નથી. આવા પદાર્થોનો ઉપયોગ કરતી વખતે તે ધોવાઈ ન જાય, પદાર્થોનાં રૂપરંગમાં અને મજબૂતાઈમાં ફેરફાર ન થાય તે બાબતો ઉપર ધ્યાન અપાય છે. ઑક્સિજનયુક્ત પદાર્થો માટે બ્રોમીનવાળાં સંયોજનો તથા ઍન્ટિમની ઑક્સાઇડ ઉપયોગી છે. આગ લાગે ત્યારે આ પદાર્થો વચ્ચે પ્રક્રિયા થતાં ભારે બાષ્પનું વાદળ સળગતા પદાર્થોને ઢાંકી દે છે, જેથી તેમાં જ્વાલાના નિર્માણમાં ખલેલ પહોંચે છે અને સળગતા પદાર્થને ઑક્સિજન નહિ મળતાં તે બુઝાઈ જાય છે. બ્રોમીનયુક્ત પદાર્થો શૃંખલાપ્રક્રિયા પણ અટકાવે છે.

આગ લાગે ત્યારે જ્વાલારોધકોને લીધે ઝેરી વાયુઓ પેદા થવાથી આગ બુઝાવવાના કાર્યમાં ખલેલ ન પહોંચે તે અગ્નિશમન કરનારા જુએ છે. વળી કાપડ વગેરે માટે વાપરવામાં આવેલા પદાર્થો સામાન્ય વપરાશ વખતે ત્વચા ઉપર માઠી અસર ન કરે અને બીજી રીતે વિષાલુ (toxic) ન હોય તેની પણ તકેદારી રખાય છે.

પ્રવીણસાગર સત્યપંથી