અગાધ નિક્ષેપ

2001-01-02 02:10:00

અગાધ નિક્ષેપ (abyssal deposits) : સમુદ્રની અમુક ઊંડાઈએ બનતો નિક્ષેપ. પૃથ્વીની સપાટીનાં વિવિધ સ્થાનો પર થતી પ્રાકૃતિક બળોની વિવિધ ક્રિયાઓને પરિણામે તૈયાર થતો નાનામોટા કણકદનો બનેલો શિલાચૂર્ણનો જથ્થો જુદા જુદા વાહકો દ્વારા આખરે સમુદ્ર કે મહાસાગર જળમાં જમા થાય છે. તેમાં વનસ્પતિજપ્રાણીજ અવશેષો પણ ભળે છે. સમુદ્ર કે મહાસાગરની જુદી જુદી ઊંડાઈનાં સ્થાનો મુજબ આ નિક્ષેપોને નીચે મુજબ વર્ગીકૃત કરેલા છે.

  1. તીરસ્થ નિક્ષેપ (littoral deposits) : સમુદ્રજળની ગુરુતમલઘુતમ ભરતીના વચગાળાના કિનારાના ક્ષેત્ર(littoral zone)માં થતી જમાવટથી રચાતા નિક્ષેપોને તીરસ્થ નિક્ષેપ કહે છે, જેમાં રેતીનું પ્રમાણ વિશેષ હોય છે.
  2. છીછરા જળના નિક્ષેપ (neritic deposits) : ખંડીય છાજલી પર તેમજ દરિયાઈ ટાપુઓની આજુબાજુના એટલી જ ઊંડાઈના ક્ષેત્ર(neritic zone)માં રચાતા નિક્ષેપો છીછરા જળના નિક્ષેપ કહેવાય છે, જેમાં રેતી, માટી અને પ્રાણીજવનસ્પતિજ અવશેષો ભળેલા હોય છે.
  3. ઊંડા જળના નિક્ષેપ (bathyal deposits) : ખંડીય છાજલી કરતાં વધુ ઊંડાઈ(2,000 ફેધમ અથવા 4,000 મીટર)ના ક્ષેત્ર(bathyal zone)માં તૈયાર થતા નિક્ષેપો ઊંડા જળના નિક્ષેપ તરીકે ઓળખાય છે, જેમાં લાલ માટી અને પ્રાણીજ ઊઝ હોય છે. આ ક્ષેત્રની નીચેની સીમાએ પાણીનું તાપમાન 400 સે. હોય છે.
  4. અગાધ નિક્ષેપ (abyssal deposits) : 4,000 મીટરથી વધુ એટલે કે અગાધ ઊંડાઈવાળાં સ્થાનો(abyssal zone)માં થતી નિક્ષેપક્રિયા દ્વારા બનતા ચૉકલેટરંગી માટી (red clay or lutite) અને મોટાભાગના અગાધ સમુદ્રીય ઊઝવાળા નિક્ષેપોનો સમાવેશ આ પ્રકારમાં કરવામાં આવેલો છે. તેમાં પ્રાણીજ અવશેષોનું પ્રમાણ વિશેષ હોય છે. આ ક્ષેત્રની ઉપરની સપાટીના પાણીનું તાપમાન 40 સે. હોય છે. આ ક્ષેત્ર સમુદ્રનો 75% ભાગ અને પૃથ્વીના ક્ષેત્રફળનો 50% ભાગ રોકે છે. આ ક્ષેત્ર બીજાં ક્ષેત્રોની સરખામણીમાં શાંત ક્ષેત્ર ગણાય છે.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ