અગરતલા : ભારતના ત્રિપુરા રાજ્યનું પાટનગર અને સૌથી મોટું શહેર.આ શહેર હાઓરા નદીને કિનારે વસેલું છે.

ભૌગોલિક સ્થાન અને આબોહવા : 23 50´ ઉ. અ. અને 91 23´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની પૂર્વે આશરે 2 કિમી. દૂર બાંગ્લાદેશની સીમા આવેલી છે. આ શરેહની ઉત્તરે ડુંગરાળ હારમાળા આવેલી છે. અહીંની આબોહવા ઉપઉષ્ણકટિબંધીય ભેજવાળી છે. શિયાળાની સૂકી-ઠંડી ઋતુ દરમિયાન વરસાદ અનુભવાતો નથી. પરંતુ બાકીના સમયગાળામાં વરસાદ પડતો રહે છે. અહીંનું સરેરાશ તાપમાન આશરે 25 સે. રહે છે. ચોમાસાની ઋતુ દરમિયાન હાઓરા નદીમાં અવારનવાર પૂર આવતું હોય છે. ઉનાળો પ્રમાણમાં ગરમ રહે છે.

અર્થતંત્ર–પરિવહન–પ્રવાસન : મોટા ભાગની વસ્તી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકળાયેલી હોય છે. સ્થાનિક વેપાર સાથે મર્યાદિત લોકો રોકાયેલા જોવા મળે છે.

આ શહેર પાકા રસ્તા, રેલમાર્ગ અને હવાઈ માર્ગ દ્વારા ભારતનાં અન્ય શહેરો સાથે સંકળાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 જે અગરતલા અને અસમને સાંકળે છે. આ જ માર્ગ ત્રિપુરાની જીવનરેખા (lifeline) તરીકે જાણીતો બન્યો છે. NH44, NH44A માર્ગ જે અગરતલાને સિલ્ચર (317 કિમી.), ગૌહતી (599 કિમી.), શિલોંગ (499 કિમી.) અને ઐઝવાલ (443 કિમી.) સાથે જોડે છે. બાંગ્લાદેશના ઢાકા (150 કિમી.) શહેર સાથે બસસેવાનો પ્રારંભ થયો છે. આ ધોરી માર્ગો લીલોતરીસભર નાની ટેકરીઓ બારામુરા, અથરમુરા, લોંગથારાઈના વિસ્તારમાંથી પસાર થાય છે. અગરતલામાં સિટીબસ સેવાનો લાભ મળે છે. આ સિવાય સાઇકલરિક્ષા, ઑટો- રિક્ષા પણ ઉપલબ્ધ છે.

અગરતલામાં 2008થી રેલમાર્ગનો પ્રારંભ થયો છે. અગરતલા રેલવેસ્ટેશન ડુકલી ખાતે આવેલું છે. આ રેલમાર્ગને કારણે ભારતનાં અન્ય રેલવેસ્ટેશનો સાથે અગરતલા સંકળાયેલ છે. આ રેલવેસ્ટેશન અગરતલા શહેરથી આશરે 6 કિમી. દૂર આવેલું છે. અગરતલાથી ધર્માનગર અને સિલ્ચર સુધીનો રેલમાર્ગ કાર્યરત છે. અગરતલાથી દિલ્હી, કૉલકાતા, ગૌહતી અને દિબ્રુગઢને સાંકળતો રેલમાર્ગ તૈયાર થઈ રહ્યો છે.

અગરતલામાં ઉજયન્તા મહેલ જે ત્રિપુરાના રાજાનો છે, જ્યાં આજે વિધાનસભા બેસે છે. ઉજયન્તા મ્યુઝિયમ, અગરતલાનું જગન્નાથ મંદિર, હેરિટેજ પાર્ક, વિવેક  ઉદ્યાન, નહેરુ પાર્ક, આલ્બર્ટ એક્કા પાર્ક ત્રિપુરા રાજ્યનું મ્યુઝિયમ, હવેલી મ્યુઝિયમ વગેરે જોવાલાયક છે.

વસ્તી : ભારતની વસ્તીગણતરી (2014) મુજબ અગરતલાની વસ્તી 5,22,603 જેટલી છે. મોટે ભાગે અહીં શિક્ષણનું પ્રમાણ આશરે 86% જેટલું છે. નોબેલ ઇનામ મેળવનાર રવીન્દ્રનાથ ટાગોરે આ શહેરની મુલાકાત લીધી હતી. તેમનું જાણીતું પુસ્તક ‘રાજમાલા’ જેમાં અગરતલાની ઐતિહાસિક બાબતોને સાંકળેલી છે.

ઐતિહાસિક માહિતી : ઈ. સ. પૂર્વે પરંપરાગત માન્યતાને  આધારે અગરતલાના જાણીતા રાજાઓમાં ચિત્રાર્થ, ડ્રીકપટી, ધર્મપહા અને લોકનાથ જીવનધર્મ હતા. ભૂતકાળમાં ત્રિપુરા ઉપર અનેક હિન્દુ રાજાઓનું આધિપત્ય હતું. રાજા દ્રુહા (Druha) જે ત્રિપુરાના છેલ્લા ગાદીપતિ હતા. ત્રિપુરા મોગલોના સામ્રાજ્ય હેઠળ પણ હતું. 1808માં ત્રિપુરા બ્રિટિશરોના હસ્તક આવ્યું હતું. તે સમયે અગરતલા ‘હિલ ટીપ્પેરા’ રાજ્યનું પાટનગર હતું. મહારાજા બીર ચંદ્ર માનીક્ય (1862 –1896)ના સમયમાં અગરતલામાં મ્યુનિસિપાલિટી રચાઈ હતી. તે વખતે  અગરતલાનો વિસ્તાર 8 ચો. કિમી. જેટલો હતો અને વસ્તી 875 હતી.

નીતિન કોઠારી

હેમન્તકુમાર શાહ