અગખાણ (1950) : પંજાબી વાર્તાસંગ્રહ. પંજાબીના જાણીતા લેખક કર્તારસિંહ દુગ્ગલના આ સંગ્રહની લગભગ બધી વાર્તાઓ ભારતવિભાજનને કારણે જે ભયાનક તથા કરુણ પરિસ્થિતિ સર્જાઈ તેની પાર્શ્વભૂમિમાં લખાઈ છે. એમાંની વાર્તાઓમાં રાવળપિંડીના હત્યાકાંડથી માંડીને મહાત્મા ગાંધીજીની હત્યા સુધીની ઘટનાઓની ગૂંથણી કરી છે. એમની વાર્તાઓમાં, એમણે ઉદારદૃષ્ટિ રાખી છે અને શીખ, હિંદુ, મુસ્લિમ વર્ગનું સમભાવપૂર્વક નિરૂપણ કર્યું છે. સાથે સાથે યથાર્થ ચિત્રણ પણ છે. માનવ કેવો નૃશંસ બની શકે છે, તે એમણે ત્રણે કોમોનાં પાત્રો દ્વારા આલેખ્યું છે. પંજાબીમાં ભારતવિભાજનને લઈને જે સાહિત્ય રચાયું તેમાં વાર્તાસાહિત્યમાં ‘અગખાણ’નું સ્થાન મોખરે છે.

ગુરુબક્ષસિંહ