અખાડાપ્રવૃત્તિ

January, 2001

અખાડાપ્રવૃત્તિ : અખાડો એટલે કુસ્તી માટેનું ક્રીડાંગણ અને વિશાળ અર્થમાં વિચારીએ તો કુસ્તીને કેન્દ્રમાં રાખી તેને ઉપયુક્ત એવી દંડબેઠક, મગદળ, વજન ઊંચકવું, મલખમ, લાઠી, લેજીમ વગેરે કસરતો અને તેની તાલીમની સગવડો ધરાવતું ક્રીડાસ્થાન. મલ્લયુદ્ધ અથવા કુસ્તી એ પ્રાચીન કાળથી ઊતરી આવેલી ભારતની રાષ્ટ્રીય રમત છે. દેશી રાજ્યોમાં કુસ્તીબાજો(મલ્લો યા પહેલવાનો)ને આશ્રય આપવામાં આવતો અને શ્રીમંતો તરફથી પણ તેમને સારું ઉત્તેજન મળતું. એટલું જ નહિ પણ રાજકુટુંબની વ્યક્તિઓ તથા શ્રીમંત અને સંસ્કારી ગણાતા લોકો પણ અખાડાઓમાં જઈ પોતાના શરીરને કસી, કુસ્તીની કળામાં પારંગત બનવામાં ગૌરવ અનુભવતા.

મુઘલોના શાસનકાળમાં અને ખાસ કરીને 17મી સદીમાં ઔરંગઝેબના ધર્માંધ શાસન સામે શીખો, જાટો, રજપૂતો, મરાઠાઓ વગેરે બિનમુસ્લિમ પ્રજાએ બળવો કર્યો અને અખાડામાં લોકસંસ્થાઓ તરીકે પરિવર્તન પામીને દાંડ-પટ્ટા, તલવાર, ભાલા, જમૈયા વગેરે સૈન્યોપયોગી (martial) પ્રવૃત્તિઓનો પણ તેમાં ઉમેરો થયો. સમર્થ સ્વામી રામદાસે વ્યાયામના ઉપાસ્ય દેવ હનુમાનજીની ઉપાસનાને મહારાષ્ટ્રમાં રૂઢ કરી ગામેગામ અખાડાઓ સ્થાપ્યા તથા દેશી રમતો ઉપરાંત સૂર્યનમસ્કાર, દંડબેઠક, મલખમ, કુસ્તી, લેજીમ, ગદા ફેરવવી, અસિયુદ્ધ, વજન ઊંચકવું, લાઠીયુદ્ધ, દાંડ-પટ્ટા વગેરે કસરતોનો પ્રચાર કર્યો. આ અખાડાપ્રવૃત્તિને પરિણામે હિંદુ ધર્મની રક્ષા કાજે લોકશક્તિ જાગ્રત થઈ અને શિવાજી તથા તે પછીના મરાઠા શાસકોએ ધર્માંધ મુઘલશાસનનો સફળતાપૂર્વક સામનો કર્યો. પરાધીન પ્રજાએ પોતાના યુવાનોનાં શરીર અખાડાઓમાં દેશી વ્યાયામપ્રવૃત્તિથી કસી પર-રાજ્યની ધૂંસરી ફેંકી દેવાની શક્તિ તથા તમન્ના પેદા કરવાની વ્યવસ્થિત હિલચાલ આદરી. દેશભક્તિ કે ધર્મભક્તિ જેવા ઉચ્ચ ઉદ્દેશ સાથે વ્યવસ્થિત સ્વરૂપે ચાલતા આ અખાડાઓ સમય જતાં વ્યાયામશાળા કે કસરતશાળાઓમાં પરિવર્તન પામ્યા અને બ્રિટિશ શાસનકાળ દરમિયાન અનેકવિધ દેશી રમતો અને કસરતોની તાલીમ આપતાં લોકકેન્દ્રો બની રહ્યાં.

અઢારમી અને ઓગણીસમી સદીમાં અંગ્રેજોએ પ્રથમ મુઘલોની અને પછી મરાઠી સત્તાને કાવાદાવાથી તોડી નાખી ભારતમાં પોતાનો પગદંડો જમાવ્યો. પોતાના દેશની સંસ્કૃતિ કરતાં પાશ્ચાત્ય દેશોનાં ધોરણો આદર્શરૂપ અને અનુકરણીય છે, અને આપણાં નકામાં અને ત્યાજ્ય છે, તેવી લઘુતાની ગ્રંથિ અંગ્રેજોએ શરૂ કરેલી શિક્ષણપદ્ધતિની અસર નીચે આવેલા યુવાનોના મનમાં બંધાવા લાગી. પરિણામે ક્રિકેટ, ટેનિસ, ફૂટબૉલ જેવી પાશ્ચાત્ય રમત ઉત્તરોત્તર ખૂબ લોકપ્રિય બનતી ચાલી અને દેશી રમતો તથા વ્યાયામ પ્રત્યે ભણેલાઓના મનમાં તુચ્છકારની લાગણી પેદા થવા પામી. વળી અખાડાઓમાં પ્રવર્તતા ઉસ્તાદી તત્ત્વના કારણે દૂષિત થતા વાતાવરણે પણ આવી લઘુતાગ્રંથિ વિકસાવવામાં મદદ કરી.

વીસમી સદીના આરંભકાળમાં જ્યારે અખાડાઓની આવી પરિસ્થિતિ હતી ત્યારે લોકોમાં સ્વરાજ માટેની સભાનતા વિકસવી શરૂ થઈ હતી તથા પરતંત્રતા સાલવા લાગી હતી. વીસમી સદીના પહેલા દાયકામાં તો રાષ્ટ્રભાવનાએ જાગૃતિ આણી અને મૃતપ્રાય: બનેલી અખાડાની (વ્યાયામ) પ્રવૃત્તિને સજીવન થવાની પ્રેરણા મળી. લોકમાન્ય ટિળકના ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે’ એ મંત્રે સંજીવનીનું કાર્ય કર્યું અને ભારતમાં ઠેરઠેર વ્યાયામશાળાઓ સ્થપાઈ. વ્યાયામમંડળો શરૂ થયાં, જે પૈકી હનુમાન વ્યાયામપ્રસારક મંડળ, અમરાવતી; મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળ, પુણે; ગુજરાત વ્યાયામપ્રચારક મંડળ, અમદાવાદ, કાઠિયાવાડ વ્યાયામપ્રચારક મંડળ, ભાવનગર; જુમ્મા દાદા વ્યાયામશાળા, વડોદરા; નારાયણ ગુરુની તાલીમશાળા, વડોદરા; વસંત વ્યાયામશાળા, અમદાવાદ વગેરે અનેક સંસ્થાઓએ રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ ભારતીય વ્યાયામ અને રમતગમતોના પ્રચારની દિશામાં નોંધપાત્ર ફાળો આપ્યો, એેટલું જ નહિ પણ વ્યાયામ પાછળના આદર્શ તરીકે ‘શરીર સેવા માટે, રાષ્ટ્ર માટે, જીવનના ઉચ્ચતમ ધ્યેય માટે’, એ મુદ્રાલેખ પ્રચલિત કર્યો. અરવિંદ આશ્રમ, પોંડિચેરી(પુદુચેરી)માં શરીરને આત્માના મંદિર તરીકે લેખીને વ્યાયામપ્રવૃત્તિને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં અખાડાપ્રવૃત્તિના પ્રવર્તકો તરીકે વડોદરામાં માણિકરાવજી, દત્તાત્રેય મુજુમદાર તથા પુરાણી બંધુબેલડી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી, સૌરાષ્ટ્રમાં પૃથ્વીસિંહ આઝાદ, બહાઉદ્દીન શેખ તથા છોટુભાઈ માંકડ વગેરેનો અગ્રગણ્ય ફાળો છે.

ગુજરાતમાં તથા ભારતના અન્ય પ્રદેશોમાં અખાડાપ્રવૃત્તિ વિકસાવવા પાછળ મુખ્ય ઉદ્દેશ દેશાભિમાનવાળા સશક્ત અને ચારિત્ર્યશીલ યુવાનોનું ઘડતર કરી, દેશને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવી સ્વરાજ મેળવવાનો હતો અને પુરાણી બંધુઓએ શ્રી અરવિંદની પ્રેરણાથી 1909માં વડોદરામાં શરૂ કરેલી અખાડાપ્રવૃત્તિએ સમગ્ર ગુજરાતમાં પ્રસાર પામી અનેક મરજીવા યુવાનોનું ઘડતર કર્યું, જેમણે મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈની દોરવણી નીચે સ્વાતંત્ર્યની લડતોમાં અને 1942ની ચળવળ વખતે મહત્ત્વનો ફાળો આપ્યો છે. ભારત સ્વતંત્ર થયા પછી નવીન પરિસ્થિતિને કારણે તેનું કેળવણીના એક અંગરૂપ શારીરિક શિક્ષણસંસ્થાઓ તથા રમતકેન્દ્રોમાં રૂપાંતર થવા પામ્યું છે.

ચિનુભાઈ શાહ