અખંડ આનંદ

January, 2001

અખંડ આનંદ : ગુજરાતી માસિક પત્ર. જનતાને સસ્તા મૂલ્યે ઉત્તમ વાચન પૂરું પાડવાની ભિક્ષુ અખંડાનંદજીની ભાવનાને અનુસરીને એમની પુણ્યસ્મૃતિમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટે નવેમ્બર, 1947માં શરૂ કરેલું. એમાં ભારતીય સંસ્કૃતિનાં ઊંચાં નૈતિક ને આધ્યાત્મિક મૂલ્યોનો આદર કરતી, જીવનમાંગલ્યની ભાવનાને ઉપસાવતી, સાત્ત્વિક ને રસપ્રદ વાચનસામગ્રી નિબંધ, વાર્તા, કાવ્ય, પ્રસંગકથા, ચરિત્ર, અનુભૂત પ્રસંગો, ચિત્રો–તસવીરો એમ વિવિધ રૂપે આપવાનો પ્રયત્ન હોય છે. તંત્રી : મોહનલાલ મહેતા (સોપાન), નવેમ્બર 1947થી ડિસેમ્બર 1956; ત્રિભુવનદાસ ક. ઠક્કર, જાન્યુઆરી 1957થી ડિસેમ્બર 1986; રમણલાલ માણેકલાલ ભટ્ટ, જાન્યુઆરી 1987થી. આ પછી બંધ પડેલું, તે માર્ચ 1991થી પુન: પ્રસિદ્ધ થવા માંડ્યું. પ્રકાશ ન. શાહ નવા સંપાદક નિમાયા. 1 જાન્યુઆરી, 1999થી દિલાવરસિંહ જાડેજાના અધ્યક્ષપદે સંપાદનસમિતિ કામ કરતી થઈ. આગવી લોકપ્રિયતા ધરાવનાર આ માસિકનાં કાળજીપૂર્વક જતન, ઘડતર અને વિકાસમાં મનુ સૂબેદાર અને એચ. એમ. પટેલનો ફાળો અમૂલ્ય છે.

ર. મા. ભટ્ટ