અખરોટ : દ્વિદળી વર્ગમાં આવેલ જગ્લૅન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Juglans regia Linn. (સં. अक्षोट, હિં. अखरोट, બં. આખરોટ, અં. વૉલ્નટ) છે. આર્યભિષક્માં આચાર્ય પદેજીએ અખરોટનું શાસ્ત્રીય નામ Aleurites triloba L. syn. A. moluccana (L.) Wild આપેલ છે. પરંતુ તે Juglansથી સાવ જુદી જ વનસ્પતિ છે. ઉપરાંત તે Aleuritesનું કુળ પણ Euphorbiaceae છે અને તેને અંગ્રેજીમાં Bengal walnut કહે છે. આર્થર ક્રોનક્વીસ્ટે બંને વચ્ચે આંતરિક અને બાહ્ય સામ્ય હોવાથી જગ્લૅન્ડેસીને આંબાના કુળ એનાકાર્ડિએસીની વંશજ માની છે.

આકારની દૃષ્ટિએ અખરોટની 75 જાતો નોંધાયેલી છે. તેમાંની કેટલીક જાતો નીચે પ્રમાણે છે :

  1. ઇંગ્લિશ અખરોટ : Juglans regia L. તેનું વૃક્ષ 21 મીટર ઊંચું હોય છે. તે દક્ષિણ-પૂર્વ યુરોપ અને પશ્ચિમ એશિયામાં પુષ્કળ થાય છે.
  2. કાળું અખરોટ : Juglans nigra. તેનું વૃક્ષ મજબૂત અને દેખાવડું તથા તેની ઊંચાઈ 45 મીટર હોય છે. તે વિશેષત: અમેરિકામાં થાય છે.
  3. બટર નટ : Juglans cinerea. તેનું વૃક્ષ 18 મીટર ઊંચું હોય છે. તે અમેરિકા તથા કૅનેડામાં મળે છે.

અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, ઇટાલી, ફ્રાન્સ અને રૂમાનિયામાં તેમજ એશિયામાં ચીન, ભારતમાં કાશ્મીર (4,000 હેક્ટરમાં), પંજાબ, હિમાચલ પ્રદેશ તથા ઉત્તર પ્રદેશના પર્વતાળ ભાગોમાં તેનું વાવેતર થાય છે. આસામની ટેકરીઓ પર અને હિમાલયના 1250થી 2200 મીટરની ઊંચાઈના પટ્ટા ઉપર પણ તેનું વાવેતર થાય છે.

સંયુક્ત, એકાંતરે લાગેલાં 7થી 24 પર્ણિકાઓ ધરાવતાં પીંછાકાર પર્ણો. જૂની ડાળીઓ પર ઉદ્ભવતાં લાંબાં શાખાવિહીન મંજરી(catkin) પ્રકારનાં નરફૂલો. એકાકી, નવી ફૂટતી ડાળીઓ પર બેસતાં માદા ફૂલો. ક્વચિત જ નાની શૂકિકા (spikelet) બનાવે છે. પરાગરજ પવનથી માદા પુષ્પોનાં બોરિયાં પર પડે છે, પરંતુ ખજૂરની જેમ કૃત્રિમ રીતે પરપરાગનયન (cross-pollination) કરવું આવશ્યક બને છે. તેમાં નરપુષ્પોની ડાળી લઈ માદાપુષ્પો પર વીંઝવામાં આવે છે. પરિણામ ચોક્કસ અને ફળદાયી હોવાથી હિમાલયના પ્રદેશોમાં આ પરપરાગનયનની પ્રથા પ્રચલિત છે.

બીજ પણ અંકુરણની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત પ્રકાંડ ઉપરોપણ (grafting) અને કલિકાના ઉપરોપણ(budding)થી સારો ઉતાર મેળવાય છે.

અખરોટનાં વિશાળ એકલિંગી રુવાંટીવાળાં વૃક્ષો હોય છે. ભૂખરી ઊભી તિરાડો ધરાવતી છાલથી તે રક્ષાયેલાં હોય છે. આ 30થી 40 મીટર ઊંચું ખુશબોદાર ફળાઉ વૃક્ષ પતનશીલ પર્ણપાતી (deciduous) જંગલોનું એક સામાન્ય ઘટક છે. અખરોટનાં કાષ્ઠફળ(nut)માં રહેલા દ્વિદળી ગર્ભ(ભ્રૂણ, મીંજ)ને એક ધરી હોય છે. તે બંને બાજુએ એક એક બીજપત્ર ધરાવે છે. મીંજ ઉપરનાં અંત: ફલાવરણો કઠણ અને ખાંચાઓ ધરાવતાં હોવાથી બીજપત્ર તેના પોલાણમાં અંદર પેસતાં વિવિધ આકારો ધારણ કરે છે. આથી બીજપત્ર મગજ જેવું લાગે છે.

અખરોટનું વૃક્ષ ઠંડા પ્રદેશનું હોવા છતાં હિમથી તેના નાના છોડને નુકસાન થાય છે. તેને 750 મિમી.થી વધુ વરસાદ જરૂરી છે. ફળદ્રૂપ 2.5થી 3 મીટર ઊંડાઈવાળી રેતાળ જમીન તેને વધુ માફક આવે છે. મોટે ભાગે બીજથી વાવેતર થતું હોઈ સારી જાતો અસ્તિત્વમાં નથી. સામાન્ય રીતે અખરોટના વૃક્ષને ખાતર નાખવામાં આવતું નથી. તેથી તે દર ત્રીજે વર્ષે ફળે છે. ઉત્પાદન જાળવી રાખવા નાઇટ્રોજન તથા ફૉસ્ફરસયુક્ત રાસાયણિક ખાતરો નાખવાં જરૂરી હોય છે. સપ્ટેમ્બર–ઑક્ટોબરમાં વૃક્ષ ફળે છે. ફળના રંગનો ઉઠાવ લાવવા તેને સોડા તથા કૅલ્શિયમ ક્લોરાઇડના મંદ દ્રાવણમાં ઝબોળીને સૂકવવામાં આવે છે. એક વૃક્ષ સરેરાશ 80થી 100 કિગ્રા. ફળનું ઉત્પાદન આપે છે. 1977માં વિશ્વનું અખરોટનું ઉત્પાદન આશરે 9 લાખ ટન હતું. અખરોટનાં મીંજ સૂકા મેવા તરીકે ખવાય છે. તેમાં પ્રોટીન 14%, તેલ 64%, કાર્બોહાઇડ્રેટ 16% તેમજ વિટામિન A, B1, B2, B6, C, નિકોટિનિક ઍસિડ, પૅન્ટોથેનિક ઍસિડ તેમજ કૅલ્શિયમ, ફૉસ્ફરસ, પોટૅશિયમ વગેરે તત્ત્વો પણ હોય છે. અખરોટનું લાકડું ફર્નિચર, કોતરકામ અને બંદૂકના કુંદા બનાવવામાં વપરાય છે. મીંજનું તેલ મીઠાઈ બનાવવામાં વપરાય છે.

જ. પુ. ભટ્ટ

મ. દી. વસાવડા

સરોજા કોલાપ્પન