અખબારી સંગઠનો : તટસ્થ અને સ્વતંત્ર સમાચાર અને તેને લગતી સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ. સમાચાર એ અખબારનો આત્મા છે. અખબાર પોતાના ખબરપત્રીઓ અને વૃત્તાંતનિવેદકો પાસેથી સમાચારો મેળવે છે; પરંતુ દેશ-વિદેશોના સમાચારો માટે તે સમાચાર-સંસ્થાઓ પર આધાર રાખે છે. લોકશાહી એ લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન હોવાથી એની સુર્દઢતા અને સંગીનતા માટે સમાજનાં વિવિધ પાસાંને પૂરતા પ્રમાણમાં આવરી લેતી તટસ્થ અને સ્વતંત્ર સમાચાર-સંસ્થાઓ સમાચાર પૂરા પાડે એ આવશ્યક છે. દેશની મુખ્ય સમાચાર-સંસ્થાઓની વિગતો નીચે મુજબ છે :

હિંદમાં રૉઈટર્સનું હિત ધરાવતા પ્રતિનિધિએ 1866માં મુંબઈમાં સમાચાર-સંસ્થાનાં બીજ રોપ્યાં. 1878માં ઍંગ્લો-અફઘાન યુદ્ધ ફાટી નીકળતાં હિંદ વિશે વધુ જાણવાનો રસ જાગ્યો. 1885માં રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના સાથે દેશમાં રાષ્ટ્રીય જાગૃતિનો આરંભ થયો. 1910માં કેશવચંદ્ર રૉયે એસોસિયેટેડ પ્રેસ ઇન્ડિયા નામની પ્રથમ સમાચાર-સંસ્થાની સ્થાપના કરી. 1919માં એ.પી.આઈ. સમાચાર-સંસ્થા રૉઈટર્સને હસ્તક ગઈ. 1927માં એસ. સદાનંદે ફ્રી પ્રેસ ઇન્ડિયા નામની બીજી સમાચાર-સંસ્થા શરૂ કરી. 1935માં નાણાકીય મુશ્કેલીને કારણે એ સમાચાર-સંસ્થા બંધ પડી. 1933માં યુનાઇટેડ પ્રેસ ઑવ્ ઇન્ડિયા શરૂ થઈ અને તે પણ 1958માં બંધ પડી. 1937માં ભારતમાં ટેલિપ્રિન્ટર દાખલ થતાં સમાચારોની આપ-લેમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું.

દેશ સ્વતંત્ર થતાં વિવિધ ભાષાનાં દૈનિકોનો ઝડપથી વિકાસ અને વિસ્તાર થયો છે. સ્વતંત્રતા પ્રાપ્ત થતાં રૉઈટર્સની એ.પી.આઈ. સમાચાર-સંસ્થાનો વહીવટ ભારતીય સમાચાર-સંસ્થાને સોંપાયો. 1947ના ઑગસ્ટમાં પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા નામની કંપની રજિસ્ટર કરવામાં આવી. 1949ના ફેબ્રુઆરીની 1લીથી એની કામગીરીનો આરંભ થયો. નહિ-નફાના ધોરણે એ કામ કરે છે. ભારતમાં નિયમિત પ્રસિદ્ધ થતાં અને એની સેવા લેતાં અખબારો જ એના શૅરહોલ્ડરો છે. એમને ડિવિડન્ડ અપાતું નથી. એના બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ‘‘કોઈ પણ સમયે એનો અંકુશ કોઈ પણ હિતો, જૂથ કે વર્ગને હસ્તક જવા દેવામાં આવશે નહિ.’’

અત્યારે પી. ટી. આઈ. એ દેશની મુખ્ય સમાચારસંસ્થા છે. દેશનાં બધાં રાજ્યોમાં ટેલિપ્રિન્ટર્સ દ્વારા એ સમાચાર પૂરા પાડે છે. વિદેશોના સમાચાર માટે એ. રૉઈટર્સ અને એ. એફ. પી. સાથે સમાચારોની આપલેની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત તટસ્થ દેશોના સમાચારોના ‘પુલ’ સાથે એણે ગોઠવણ કરેલી છે. દુનિયાના અનેક દેશોમાં એના કાયમી અગર તો ખંડસમયના વૃતાંત નિવેદકો છે. આ દેશોમાં પાકિસ્તાન, અમેરિકા, રશિયા, ઇરાન વગેરેનો સમાવેશ થાય છે. સેટેલાઇટ દ્વારા સમાચાર મેળવવાની એની વ્યવસ્થા છે. પી. ટી. આઈ.એ ‘કમ્પ્યૂટરાઈઝડ ટ્રાન્સમિશનની વ્યવસ્થા’ કરી છે.

‘એસોસીએટ પ્રેસ’ સાથે એના સમાચારો અને તસવીરો મેળવવા માટે ખાસ કરાર કર્યા છે. અત્યારે પી. ટી. આઈ.ની સર્વિસ બ્રિટન, અમેરિકા, અખાતી દેશો, શ્રીલંકા, નેપાળ અને જર્મનીમાં અપાય છે. સેટેલાઇટ બ્રોડકાસ્ટીંગને કારણે પશ્ચિમ એશિયા તેમજ અગ્નિ એશિયાના દેશોમાં તે પોતાની સર્વિસ પૂરી પાડવા માંગે છે.

પી. ટી. આઈ. ટૂંક સમયમાં ‘conscan’ શરૂ કરવા માંગે છે. એ સેવાથી દેશ તેમજ વિદેશોના શેરો, ચીજવસ્તુઓ તેમજ વિદેશી હૂંડિયામણ અંગેની માહિતી સ્ક્રીન પર પૂરી પાડશે. બહુરાષ્ટ્રીય એજન્સીઓની જેમ આ માહિતી પૂરી પાડવાની તેની નેમ છે. આ ઉપરાંત એની નવી સેટેલાઈટ સિસ્ટમની પરદેશમાં તેમજ ભારતના ગમે તેટલા દૂરના વિસ્તારોમાં પણ એના ગ્રાહકોને અત્યંત ઝડપથી સીધી અનેકવિધ સેવાઓ પૂરી પાડી શકશે.

અત્યારે એની ‘ભાષા સેવા’ હિંદી સર્વિસ હિંદી અખબારોને સમાચારો પૂરા પાડે છે. પરંતુ દેશની અન્ય ભાષાઓ ખાસ કરીને ગુજરાતી, મલયાળમ તેમજ તેલુગુ ભાષાઓમાં સમાચાર સર્વિસ શરૂ કરવા માંગે છે. વિદેશની સાધનસંપન્ન અને અદ્યતન ટૅકનોલૉજી સાથેની સમાચારસંસ્થાઓના પડકારને પહોંચી વળવા પી.ટી.આઈ. નવી મૂલ્ય-આધારિત (Value aided) સેવાઓ પણ શરૂ કરવા માંગે છે.

પી.ટી.આઈ.એ સમાચારો ઉપરાંત બીજી અનેક સેવાઓનો આરંભ કર્યો છે. દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચારપ્રસંગોની તસવીરો પૂરી પાડવા એણે ફોટો-સર્વિસ શરૂ કરી છે. ટપાલ દ્વારા કંપનીઓ અને એના અભ્યાસ અંગેની એની આર્થિક (economics) સેવા પખવાડિક છે. બીજી વાણિજ્યસેવાઓ (commerce services) પણ છે. કેળવણીવિષયક તેમજ અન્ય સંસ્થાઓ માટે એની વિજ્ઞાનસેવા (science service) ચાલે છે. કલા, રમત-ગમત, ફિલ્મ વગેરે વિવિધ વિષયો અંગે એ અઠવાડિક ‘ફીચર સર્વિસ’ પૂરી પાડે છે. બૅંકોને વિદેશી હૂંડિયામણના છેલ્લા વિનિમય-દર પ્રાપ્ત થાય એ માટે એની એક ખાસ ‘રૉઈટર મૉનિટર સર્વિસ’ ચાલે છે. આ ઉપરાંત દેશની વિવિધ ઘટનાઓ અંગે માગવામાં આવે તો તે અંગેના લેખો પણ પૂરા પાડે છે. ખાસ કરીને શેરોના સ્થાનિક અને અન્ય શહેરોમાં ચાલતા ભાવો અંગે અમદાવાદ, દિલ્હી, કૉલકાતા, ચેન્નઈ અને મુંબઈ એ પાંચ શહેરોને કમ્પ્યૂટરથી સાંકળવામાં આવ્યાં છે. આ શહેરોનાં શેરબજારોમાં બે ઇલેક્ટ્રૉનિક બૉર્ડ પર શેરોના ભાવ રજૂ કરાય છે. પંચતારક હોટેલો, વિમાની મથકો અને રેલવે-સ્ટેશનો પર એની ‘ન્યૂઝ સ્કૅન સર્વિસ’ ચાલે છે. એમાં મહત્ત્વની ઘટનાઓ સો જેટલા શબ્દોમાં રજૂ કરાય છે. આમ, પી.ટી.આઈ. સમાચાર-સંસ્થાએ એના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર વિસ્તાર કર્યો છે.

બીજી મહત્ત્વની સમાચાર-સંસ્થા યુનાઇટેડ ન્યૂઝ ઑવ્ ઇન્ડિયા છે. 1958માં પચીસ વર્ષ ચાલ્યા બાદ એ બંધ પડી હતી. 1952–54માં પ્રેસ કમિશને એના અહેવાલમાં ઓછામાં ઓછી બે સમાચાર-સંસ્થા પર ભાર મૂક્યો હતો. આથી દેશનાં આઠેક મોટાં અંગ્રેજી દૈનિકોએ યુ.એેન.આઈ. સમાચાર-સંસ્થાને પુનર્જીવિત કરવાનો નિર્ણય કર્યો. 1961માં એની ગ્રાહકસંખ્યા માત્ર 13ની હતી. પછીથી એનો ઝડપથી વિકાસ અને વિસ્તાર થયો. આજે દેશમાં એની 81 જેટલી ઑફિસો છે અને 850 જેટલા ગ્રાહકો છે. વિદેશોમાં એની ચાર ઑફિસો છે. 1983માં એણે, ખાસ કરીને ઉત્તર ભારતમાં, હિંદી અખબારો માટે હિંદીમાં ‘વાર્તાસેવા’ શરૂ કરી હતી. ગુજરાતમાં પણ આ ‘વાર્તાસેવા’ના 20 ગ્રાહકો છે. આખા દેશમાં એના 310 ગ્રાહકો છે સમાચારો ઉપરાંત આ સમાચાર-સંસ્થા વિવિધ ઘટનાઓ અને વિષયો અંગેની ‘બૅકગ્રાઉન્ડ સર્વિસ’, તેમજ આર્થિક અને કૃષિ-વિષયક સર્વિસ ચલાવે છે. આ ઉપરાંત બૅંકો, શેરબજારો અને આર્થિક ઘટનાઓ અંગે વિત્તકીય સેવાઓ (financial services) ચલાવે છે. વિદેશોના સમાચારો માટે વિદેશોની પાંચ સમાચાર-સંસ્થાઓ સાથે તે સમાચારોની આપ-લે કરે છે અને લગભગ 19 જેટલા દેશોમાં એના વૃત્તાંતનિવેદકો છે. વિદેશોને ભારતના સમાચારો પૂરા પાડવાની એની વ્યવસ્થા પણ છે. આ ઉપરાંત વિવિધ દેશોના રેડિયો પરથી સમાચાર મેળવવા એની પાસે ‘રેડિયો મૉનિટરિંગ’ એકમ છે.

દેશની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં સમાચારો પૂરા પાડવા માટે એસ. એસ. આપ્ટેએ 1948માં એક ખાનગી લિમિટેડ કંપની ઊભી કરીને પ્રથમ બહુભાષી સમાચાર-સંસ્થા શરૂ કરી હતી. એનો ઉદ્દેશ દેશની વિકાસયાત્રામાં ભાગીદાર થવા આમજનતાને શિક્ષણ આપવાનો તેમજ રાષ્ટ્રીય એકતા સાધવાનો હતો. દેવનાગરી લિપિમાં તાર દ્વારા સ્થાનિક અખબારોને સમાચારો પૂરા પાડવાની એની નેમ હતી. દેવનાગરી લિપિમાં ટેલિપ્રિન્ટર શરૂ થતાં આ કાર્ય સરળ બન્યું. 1957માં ‘હિંદુસ્તાન સમાચાર’ નામની આ સમાચાર-સંસ્થા સહકારી મંડળીમાં ફેરવાઈ. પરિણામે એ સરકાર તેમજ મોટાં અખબારોના અંકુશથી મુક્ત રહી છે. આજે સોળ રાજ્યોમાં એની કચેરીઓ છે. એની વિશેષતા એ છે કે એ દેવનાગરી લિપિમાં હિંદી, ગુજરાતી, મરાઠી, પંજાબી, ઉર્દૂ, બંગાળી, ઊડિયા, આસામી, તેલુગુ, મલયાળમ વગેરે ભાષાઓમાં સમાચારો પૂરા પાડે છે.

1966ના ઑક્ટોબરની 2જીએ ‘સમાચાર-ભારતી’ નામની બીજી સમાચાર-સંસ્થા અસ્તિત્વમાં આવી. 1967થી એની કામગીરીનો આરંભ થયો. 1970માં બિહાર, ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકની સરકારોએ એના 50 ટકા ઉપરાંત શેરો લેતાં એ લગભગ સરકારી સમાચાર-સંસ્થા બની. જયપ્રકાશ નારાયણ વર્ષો સુધી એના ચૅરમૅન હતા. એ પણ દેશની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં સમાચાર પૂરા પાડતી હતી. પરંતુ નાણાકીય રીતે ખોટમાં જતાં એ બંધ પડી છે.

ભારત સરકારે અન્ય નાની નાની જે સમાચાર-સંસ્થાઓને માન્યતા આપી છે તેમનાં નામો આ પ્રમાણે છે : (1) ઇન્ફા, (2) ઇન્ડિયા પ્રેસ એજન્સી, (3) ન્યૂઝ ઍન્ડ ફીચર એજન્સી, (4) પૉટ એનાલિસિસ ઍન્ડ ન્યૂઝ સર્વિસ, (5) પ્રેસએશિયા ઇન્ટરનૅશનલ, (6) પબ્લિકેશન સિન્ડિકેટ, (7) ટેલિવિઝન ન્યૂઝ ફીચર્સ, (8) યુનિવાર્તા ન્યૂઝ એજન્સી, (9) યુગવાર્તા ફીચર સર્વિસ, (10) એશિયન ફિલ્મ્સ, (11) ફોટોગ્રાફિક ન્યૂઝ સર્વિસ, (12) સેન્ટ્રલ ન્યૂઝ સર્વિસ, (13) ડૉથન્યૂઝ ઇન્ડિયા, (14) ફોરીન ન્યૂઝ ફીચર્સ. આ ઉપરાંત ગુજરાત સરકાર નાનાં અખબારો માટે ‘સેવા’ સર્વિસ પણ ચલાવે છે.

1975માં કેન્દ્ર સરકારે કટોકટી જાહેર કરી. કેન્દ્ર સરકારે ચારેય સમાચાર-સંસ્થાઓને એક જ સમાચાર-સંસ્થામાં ફેરવી નાખવાનો નિર્ણય કર્યો. 1976ના ફેબ્રુઆરીની 1લીથી ‘સમાચાર’ સંસ્થા અસ્તિત્વમાં આવી. કટોકટી દરમ્યાન ‘સમાચાર’ સંસ્થા તરફથી સરકાર તરફી સમાચારો વહેતા થયા. પરિણામે ‘સમાચાર’ સંસ્થાએ એની વિશ્વસનીયતા અને સ્વતંત્રતા ગુમાવી. સમાચારોમાં રાજકીય ડખલ થવા માંડી. સમાચારો નિર્ભેળ રહેવાને બદલે વિકૃત થવા માંડ્યા.

ત્યારબાદ જનતા પક્ષની સરકાર સત્તા પર આવતાં એણે ‘સમાચાર’ સંસ્થાના માળખાની તપાસને માટે કુલદીપ નાયર સમિતિ 1977ના એપ્રિલમાં નિયુક્ત કરી. આ સમિતિએ ‘સમાચાર’ સંસ્થાનું વિસર્જન કરી ‘વાર્તા’ અને ‘સંદેશ’ એ સમાચાર-સંસ્થાઓ રચવાની ભલામણ કરી અને વિદેશોના સમાચાર માટે ‘ન્યૂઝ ઇન્ડિયા’ની રચના કરવા સૂચવ્યું. ‘સંદેશ’ અંગ્રેજીમાં સમાચારો પૂરા પાડે અને ‘વાર્તા’ અંગ્રેજી ઉપરાંત દેશની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં સમાચારો પૂરા પાડે. પરંતુ 1978માં ‘સમાચાર’ સંસ્થાનું વિભાજન થઈને અગાઉની ચારેય સમાચાર-સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે.

વિદેશોના સમાચારો અગાઉ પશ્ચિમની સમાચાર-સંસ્થાઓ એમની દૃષ્ટિથી રજૂ કરતી હતી. આથી ભારત તેમજ અન્ય તટસ્થ દેશોમાં એમના ર્દષ્ટિકોણથી સમાચારો રજૂ કરવાની આવશ્યકતા જણાઈ. 1975ના જાન્યુઆરીમાં યુગોસ્લાવિયાની સમાચાર-સંસ્થા ‘તાન્જુગે’ અન્ય તટસ્થ દેશોની કેટલીક સમાચાર-સંસ્થાઓ સાથે સ્વૈચ્છિક ધોરણે સમાચારોની આપ-લેની વ્યવસ્થા કરી. 1975ના ઑગસ્ટમાં લીમામાં તટસ્થ દેશોના વિદેશમંત્રીઓએ એ દેશોની આ વ્યવસ્થા વિસ્તારવાનો નિર્ણય કર્યો. 1976ના જુલાઈમાં નવી દિલ્હીમાં 62 તટસ્થ દેશોના માહિતીખાતાના મંત્રીઓ અને સમાચાર-સંસ્થાઓના પ્રતિનિધિઓનું સંમેલન મળ્યું. તેમાં 51 પત્રકારોએ પણ હાજરી આપી હતી. એમાં તટસ્થ દેશોની સમાચાર-સંસ્થાઓના સમાચારોનું એક ‘પુલ’ રચવાનો નિર્ણય કરાયો. તેમાં ભારતે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત દુનિયાના કેટલાક મોટા દેશોની સમાચાર-સંસ્થાઓનાં નામ આ પ્રમાણે છે : ફ્રાન્સની એ.એફ.પી., અમેરિકાની એ.પી. અને યુ.પી.આઈ., બ્રિટનની રૉઈટર્સ, રશિયાની તાસ અને નૉવોસ્તી, યુગોસ્લાવિયાની તાન્જુગ, જાપાનની કિયોડો અને જીજી, પાકિસ્તાનની એ.પી.પી. અને પી.પી.આઈ., ચીનની ન્યૂ ચાઇના, બાંગ્લા દેશની બી.એન.એ. વગેરે.

બળવંતરાય શાહ