અક્ક મહાદેવી (સર્વજનપ્રિય મહાદેવી)

January, 2001

અક્ક મહાદેવી (સર્વજનપ્રિય મહાદેવી) (જ. આશરે 1130; ઊડુતડિ, જિ. શિવમોગ્ગા કર્ણાટક; અ. 1160 શ્રીશૈલમ્) : મધ્યકાળની સુપ્રસિદ્ધ કન્નડ કવયિત્રી. નાનપણથી શ્રીશૈલના મલ્લિકાર્જુનને પોતાનો પતિ ગણેલો. એક માન્યતા અનુસાર ત્યાંના રાજા કૌશિક સાથે તેનાં લગ્ન થયેલાં, પણ થોડા વખતમાં જ તેનો સંબંધ તોડીને તે મલ્લિકાર્જુનની શોધમાં નીકળી પડેલી. છેવટે શ્રીશૈલના કદલીવનમાં ઇષ્ટદેવના સ્વરૂપમાં વિલીન થઈ ગયેલી. મહાદેવીએ ઘણાં કીર્તનો લખેલાં છે, જે ઉચ્ચ કોટિનાં ભાવગીતો તરીકે કન્નડ સાહિત્યમાં સુવિદિત છે. મીરાંની જેમ મહાદેવીનાં વિરહગીતો પણ હૃદયસ્પર્શી છે. એકબીજાના ભાવાનુવાદ હોય એટલું બંને વચ્ચે સામ્ય છે; દા. ત., મહાદેવીના એક કીર્તનની પંક્તિ ‘નોંદ નોબ નોયદવસ્તે વલ્લરુ’ છે, જેનો અર્થ ‘દર્દી હોય તે જ દર્દની પીડા જાણે’ થાય, તે મીરાંની ‘ઘાયલકી ગત ઘાયલ જાને’ની ખૂબ નજીક છે. કીર્તન ઉપરાંત તેણે ‘યોગાંગ ત્રિવિધ’ નામના ગ્રંથની રચના કરેલી છે, જેમાં યોગસાધના વિશે માર્ગદર્શન છે. અલ્લમપ્રભુ અને બસવેશ્વર જેવા સમકાલીન સંતોએ આ સંત કવયિત્રીની પ્રશંસા કરેલી છે.

એચ. એસ. પાર્વતી