અકીક (agate) : વિવિધ રંગપટ અને અર્ધપારદર્શકતા ધરાવતું સિલિકા (SiO2) વર્ગના ચાલ્સીડોની પ્રકારનું, કુદરતમાં મળી આવતું, અર્ધકીમતી ખનિજ. એ ક્વાર્ટ્ઝનો ખનિજપ્રકાર છે. તેના ભૌતિક ગુણધર્મો ક્વાર્ટ્ઝને મળતા આવે છે. તેનો વક્રીભવનાંક 1.535 અને 1.539, કઠિનતા આંક 6.5થી 7 અને વિશિષ્ટ ઘનતા 2.6 છે. સિસિલીમાં એકેટ (agate) નદીમાંથી તે સર્વપ્રથમ મળેલું હોવાથી તેનું નામ અકીક પડેલું છે.

મુખ્યત્વે તે અમેરિકા, ભારત, અરબસ્તાન, સેકસની, બવેરીઆ, સ્કોટલૅન્ડ, જર્મની, બ્રાઝિલ અને ઉરુગ્વેમાંથી મળી આવે છે. ગુજરાતમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં રતનપુર ઉપરાંત રાજપીપળા, અંકલેશ્વર, અમલઝાર, દામલાઈ, ધલકુવા, મુલજીપુર, માધવપુર; ભાવનગર જિલ્લામાં લાખણકા; રાજકોટ જિલ્લામાં બુદકોટડા અને કચ્છ જિલ્લામાં આડેસર, અંતરજાળ, ભાભીઆ, ભુવર, ચંદ્રાણી, કેડા, ખેંગારપુર, મરડકબેટ વગેરે સ્થાનોમાંથી અકીક મળી આવે છે. મધ્યપ્રદેશમાં નર્મદા નદીના પટમાં ખાસ કરીને જબલપુરમાં ભેડાઘાટ પાસે; ઉત્તરપ્રદેશમાં બાંદા જિલ્લામાં; કર્ણાટકના બેલ્લારી જિલ્લાના સંદુર તાલુકાના થિમ્માપાયાગઢ પાસે પણ અકીક મળે છે.

તે લાવાથી બનેલા બદામાકાર સંરચનાવાળા પ્રસ્ફુટિત જ્વાળામુખીજન્ય ખડકોમાં કોટરપૂરણી સ્વરૂપે, ક્યાંક જળકૃત પ્રકારના કણજન્ય ખડકોમાં નાનામોટા ગોળાશ્મ (pebble) સ્વરૂપે મળી આવે છે. રતનપુર ગામ પાસેની ટેકરીઓમાં અકીકનો જથ્થો તૃતીય જીવયુગના અકીકયુક્ત ગોળાશ્મ ખડક સ્વરૂપે વિપુલ પ્રમાણમાં મળે છે. અકીકમાં જોવા મળતા પરસ્પર ભળી જતા કે અલગ અલગ જાડા-પાતળા કે સૂક્ષ્મ રેખાશ્રેણીવાળા રંગીન પટાની ઉત્પત્તિ માટે વિવિધ સિદ્ધાંતો સૂચવવામાં આવેલ છે, વધુ સ્વીકૃત સિદ્ધાંત આ પ્રમાણે છે : લાવાના ઠંડા પડવાના સમયગાળા દરમિયાન, પરંતુ ઘનીભવન અગાઉ વરાળ અને અન્ય બાષ્પો પરપોટા રૂપે એકત્રિત થતાં રહે છે, પરપોટા ધીમે ધીમે ઊંચે ચઢતા જાય છે, કેટલાક પરપોટા લાવાની ઉપલી સપાટી સુધી પહોંચે છે, પરંતુ કેટલાક લાવાની ઘનીભવનક્રિયામાં જકડાઈ જતાં, ક્રમશ: ઠરી જઈ કોટરસ્વરૂપ લે છે; લાવાના ખડકમાં ઘનીભવન થઈ ગયાના ઘણા સમય બાદ, આલ્કલી અને સિલિકાયુક્ત પાણી સ્થાયી થયેલા પરપોટાનાં સ્થાનોમાં પ્રવેશે છે અને કોટરોમાં પ્રસરે છે. સમય જતાં આ દ્રાવણ સિલિકા જેલ રૂપે જામે છે. કોટરની આજુબાજુના લોહયુક્ત ઘટકો પર સિલિકા સાથેનું આલ્કલી અસર કરે છે, જેને પરિણામે લોહક્ષારો બને છે, જે સિલિકા જેલમાં પ્રસરણ પામે છે. તેનાથી આયર્ન હાઇડ્રોક્સાઇડના નિયમિત પટા રચાતા જાય છે. છેવટે ક્રમે ક્રમે તેમાંથી જલક્ષય થતો રહી સઘળું દ્રવ્ય સખત થતું જાય છે. આમ મોટાભાગનું સિલિકા સ્ફટિકીકરણ પામી ક્વાર્ટ્ઝ કે ચર્ટમાં રૂપાંતરિત થાય છે. આ રીતે અકીકમાં રંગપટ તૈયાર થાય છે. સ્ફટિકીકરણની વિધિ દરમિયાન મૂળ રંગપટ યથાવત્ રહે છે.

અકીકની વિવિધ જાતો તેના પટાના રંગ તેમજ આકારની લાક્ષણિકતાઓ પરથી ઓળખવામાં આવે છે. શ્વેત પટા સાથે વારાફરતી કાળા, કથ્થાઈ કે લાલ રંગના પટાવાળા અકીકનો ઓનીક્સ તરીકે, ઓનીક્સ જેવા જ પરંતુ રંગના થોડા ફેરફારવાળા અકીકનો સાર્ડોનિક્સ તરીકે, વલય સ્વરૂપે તૈયાર થયેલા રંગપટવાળા અકીકનો વલય અકીક (rign agate) અથવા ચક્ષુ-અકીક (eye-agate) તરીકે, વાંકીચૂકી રચનાવાળા અકીકનો કિલ્લેબંધી (fortification agate) અને લીલા રંગનું દ્રવ્ય જેમાં રેસા રૂપે ગોઠવાયેલું હોય અને વૃક્ષસમ રચના દેખાતી હોય એવા અકીકનો શેવાળ અકીક (moss agate) તરીકે ઓળખે છે.

Agate

પૉલિશ કરેલ અકીકમાના પટાઓ

સૌ. "Agate" by Hgrobe | CC BY 2.0

અકીક ઉદ્યોગ : વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના અકીકમાં, કૃત્રિમ રીતે રંગપટ ઉત્પન્ન કરવામાં આવે છે. આ માટે ખનિજની સછિદ્રતા અને અભેદ્યતાનો ઉપયોગ થાય છે. ઘેરો કથ્થાઈ કે કાળો રંગ ઉત્પન્ન કરવા માટે અકીકને કેટલાક સપ્તાહ સુધી ખાંડ કે મધના દ્રાવણમાં બોળી રાખીને સલ્ફ્યુરિક ઍસિડમાં પસાર કરવામાં આવે છે. કાર્બનીકરણ(carbonisation)થી અકીકનો સછિદ્ર ભાગ કથ્થાઈ કે કાળો રંગ પકડે છે, જ્યારે અભેદ્ય ભાગ શ્વેત રહે છે. આમ આછો-ઘેરો રંગપટ તૈયાર થાય છે. ફેરિક ઑક્સાઇડ દ્વારા લાલ, ક્રોમિયમ કે નિકલ દ્વારા લીલો અને હાઇડ્રોક્લોરિક ઍસિડ દ્વારા પીળો રંગ મેળવી શકાય છે. ભૂમિમાંથી અકીકના પથ્થરોને કાઢીને સૂર્યનો તડકો આપીને ભઠ્ઠીમાં આછા તાપે ગરમ કરવામાં આવે છે. કાર્નેલિયન (લાલ ગુલાબીથી લાલ કથ્થાઈ), પ્લાઝમા (લીલો), બ્લડસ્ટોન (લીલામાં રક્તરંગી છાંટણાંવાળો), મોચા સ્ટોન (વૃક્ષસમ રચનાવાળો) ઑનીક્સ, સાર્ડોનિક્સ જેવી અકીકની વિવિધ જાતો આને માટે ઉપયોગમાં લેવાય છે. અકીકને જુદી જુદી દિશામાં કાપવાથી વિવિધ રંગપટના આકારવાળા દેખાવો ઉપસાવી શકાય છે. અકીકને તોડીને  ટુકડાઓને ક્રમવાર ઘસીને ચળકાટવાળો ઓપ (polish) આપવામાં આવે છે. મણકાને વીંધવા માટે હીરાજડેલ શારડી વપરાય છે.

ખંભાતનો અકીક ઘસવાનો ઉદ્યોગ કુટિર ઉદ્યોગની જેમ ચાલે છે. આ કામમાં અકીકની રજ ઊડવાને કારણે કારીગરોને સિલિકોસીસ નામનું ફેફસાંનું દર્દ થવાની શક્યતા રહે છે. વીંટીઓ, માળા, હાર, એરિંગ, કફલિંક અને ટાઇપિન જેવાં આભૂષણો, ગૃહસુશોભન માટેની ચીજવસ્તુઓ, છીંકણીની ડબ્બીઓ, છત્રીના હાથા, કાગળ કાપવાની છરીઓ, રાસાયણિક તુલા (balance) માટે ગોઠવાતી ત્રિકોણ પટ્ટીઓ (knife edges), ખલદસ્તા, બ્રોચ, મહોર, સોનીકામ માટેની ઓપણી, પેપરવેઇટ, પેનસ્ટૅન્ડ વગેરે તેમજ જરૂરિયાત મુજબના અન્ય આકારો રૂપે અકીકની વસ્તુઓ બનાવવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ