અકિલા : ગુજરાતનાં સાંજનાં દૈનિકોમાં સૌથી વધુ (63,000 નકલ) ફેલાવો ધરાવતું અને રાજકોટથી પ્રસિદ્ધ થતું દૈનિક. 15 ઑગસ્ટ 1978થી પ્રારંભ. તે અગાઉ ‘અકિલા’ બે વર્ષ પખવાડિક રૂપે શિક્ષણજગતના સમાચારો પ્રગટ કરતું હતું. મોરબી હોનારત બાદ તરત જ દૈનિકના કદનાં બે પાનાંથી શરૂઆત થયેલી. હાલ રોજનાં 12 પૃષ્ઠ અને શનિવારે 20 પૃષ્ઠ હોય છે. કિંમત રૂ. 1.5 છે. છેલ્લાં અઢી વર્ષથી ‘અકિલા’ ઇન્ટરનેટ (www. akiladaily.com) પર મુકાયેલું પહેલું સાંધ્ય દૈનિક છે અને ઇન્ટરનેટ પર શ્રાવ્ય સમાચાર આપતું દેશનું પ્રથમ દૈનિક છે. તંત્રી : અજિતકુમાર ગુણવંતરાય ગણાત્રા, મૅનેજિંગ તંત્રી : કિરીટભાઈ ગુણવંતરાય ગણાત્રા. સૌરાષ્ટ્ર-કચ્છનાં ચારસો જેટલાં શહેરો-ગામડાંમાં તેનો ફેલાવો છે.

પ્રીતિ શાહ