અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું નિરૂપણ આવે છે. પુરમ્ સાહિત્યમાં યુદ્ધ, રાજકારણ, શાસકોનાં ચરિત્ર વગેરે બિનઅંગત વિષયોનું નિરૂપણ હોય છે. અકમ્ સાહિત્યના છ ગ્રંથો ઉપલબ્ધ છે : (1) નટ્રિણે : એમાં 175 કવિઓનાં પ્રણયગીતો છે. (2) કુરુન્તોગૈ : એમાં ઓછામાં ઓછી ચાર અને વધારેમાં વધારે આઠ પંક્તિઓવાળાં 204 પ્રણયકાવ્યો છે. (3) અકનાનૂરુ : એમાં 400 પ્રણયકાવ્યો છે. કાવ્યસંગ્રહોનાં નામમાં ‘અકમ્’ (પ્રણય) શબ્દનો પ્રયોગ થયેલો છે. (4) કલિત્તોગૈ : એમાં કલિ નામક છંદમાં બહુધા સંવાદ રૂપે રચાયેલાં 150 ગીતો છે. (5) નેડુનલવાડૈ : એમાં નક્કીરરનાં પ્રેમગીતો છે. (6) મુલ્લૈપાટ્ટુ : રચયિતા નમ્મૂદનાર. એમાં એક પાણ્ડિય રાજાની પ્રણયની વિધવિધ અવસ્થાઓનું વર્ણન છે.

કે. એ. જમના