અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં ૪૦૦ પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને વિભાગોનું નામકરણ કરેલું છે. જેમ કે, પર્વતીય પાર્શ્ર્વભૂમિવાળાં પદો ‘કરિજિ’; ગોપજીવનની પાર્શ્ર્વભૂમિવાળાં પદો ‘મુલ્લૈ’; નદીતટપ્રદેશની ભૂમિકાવાળાં ‘મરુતમ્’ અને સમુદ્રતટપ્રદેશની ભૂમિકાનાં ‘નેય્તલ’ કહેવાય છે. પ્રત્યેક પ્રકારનાં પદોમાં ભાવનિરૂપણનું પણ વૈશિષ્ટ્ય હોય છે. ‘કુરુચિ’માં પ્રણયીઓના સંયોગનું, ‘પલૈ’માં વિરહવેદનાનું, ‘મુલ્લૈ’માં પ્રિયજનની પ્રતીક્ષા કરતી નાયિકાના મનોભાવનું, ‘નેય્તલ’માં હતાશાનું અને ‘મરુતમ્’માં રીસ કે ચીડનું નિરૂપણ હોય છે. દિવસના પ્રહરો કે ઋતુ અનુસાર પ્રકૃતિનાં બદલાતાં રૂપો અને નયનાભિરામ શ્યોની સાથે પ્રકૃતિની વચ્ચે રહેતા માનવોની વિવિધ જીવનરીતિઓ તથા મનોવૃત્તિઓનું રુચિર ચિત્રણ પણ આ પદોમાં થયેલું છે. તેમાં તમિળ સભ્યતા અને આચારવિચારનું વિસ્તૃત વર્ણન છે. કેટલાંક પદોમાં દ્રવિડી લગ્નવિધિનું પણ વિગતપ્રચુર વર્ણન છે. તત્કાલીન રાજ્યશાસન, સામંતો વગેરેની માહિતી પણ આ પદોમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે, જે તમિળ સમાજનો ઇતિહાસ લખનારને ઉપયોગી થાય તેવી છે.
કે. એ. જમના