અંત:સ્ફુરણાવાદ

January, 2001

અંત:સ્ફુરણાવાદ : કોઈ પણ વિધાન, વિભાવના કે વસ્તુના અનુમાન વગરનું અવ્યવહિત (immediate) આકલન તે માનસપ્રત્યક્ષ (intuition) શબ્દથી પણ ઓળખવામાં આવે છે. જ્ઞાનનો જે પ્રકાર અનુભવ કે તર્કબુદ્ધિથી સ્વતંત્ર છે તેને અંત:સ્ફુરણાત્મક જ્ઞાન તરીકે સમજવામાં આવે છે. ‘ઇન્ટ્યૂઇશન’ શબ્દ બિનઅનુમાનજન્ય (noninferential) જ્ઞાન માટે તેમજ તેવું જ્ઞાન મેળવવા માટેની મનની સહજ-શક્તિને માટે એમ બંનેને માટે પ્રયોજાય છે. જુદા જુદા પાશ્ચાત્ય ફિલસૂફોએ ‘ઇન્ટ્યૂઇશન’ શબ્દ જુદા જુદા સંદર્ભોમાં પ્રયોજ્યો છે. તે જોતાં સમજાશે કે જેમના તત્ત્વવિચારતંત્રમાં અંત:સ્ફુરણાને મહત્વનું સ્થાન છે તેવા ફિલસૂફો પણ તેના સ્વરૂપ વિશે સર્વસંમતિ સાધી શક્યા નથી. સ્પિનોઝા, બર્ગસૉ અને કાન્ટ અંત:સ્ફુરણાત્મક જ્ઞાનને જુદી જુદી રીતે સમજાવે છે. સ્પિનોઝામાં તેને સમગ્ર પ્રકૃતિના એકત્વના સંદર્ભમાં, કાન્ટમાં તેને સંવેદનોના શુદ્ધ રૂપના સંદર્ભમાં તો બર્ગસૉમાં તેને કાળપ્રવાહના અનુભવના સંદર્ભમાં સમજવામાં આવ્યું છે. હુસેર્લે અનુભવાતા વિષયના, અનુભવાતા વિષય તરીકેના અભ્યાસમાં સત્વો(essences)ના માનસપ્રત્યક્ષને ‘ઇન્ટ્યૂઇશન’ શબ્દથી ઓળખાવ્યું છે.

અંત:સ્ફુરણા એટલે તર્કની કોઈ પ્રક્રિયા વિના મળતી તત્કાળ સમજ અથવા તર્કની કોઈ પ્રક્રિયા વિના સત્ય કે હકીકતનું થતું સીધું પ્રત્યક્ષીકરણ. તેને ‘અત્યંત સંવેદનશીલ અને ત્વરિત અંતઃદૃષ્ટિ પણ ગણવામાં આવે છે. આ વિવિધ અર્થોનો સમાન સૂર એ છે કે તેમાં પરોક્ષ એવી તર્કની કોઈ પ્રક્રિયાનો સમાવેશ થતો નથી. ગાણિતિક, સૌંદર્યાત્મક, નૈતિક વગેરે બાબતની અંત:સ્ફુરણા જે તે વિષયમાં વ્યક્તિની આવી અંતઃદૃષ્ટિની ક્ષમતા ગણાય છે. સામાન્ય ઇન્દ્રિયજન્ય અનુભવથી સર્વોચ્ચ કક્ષાની અંત:સ્ફુરણાની ભિન્નતા દર્શાવવા ભારતીય ચિંતકોએ તેને અપરોક્ષાનુભૂતિ કહી છે. આત્મા પોતે બ્રહ્મ છે એવી અનુભૂતિ (બૃહદારણ્યકોપનિષદ 1 : 4.10) કે ‘તત્વમસિ’ની અનુભૂતિ (છાંદોગ્યોપનિષદ 4 : 8.7) આવી અંત:સ્ફુરણા છે. અંત:સ્ફુરણાને જ્યારે એક સિદ્ધાંત કે ધોરણ તરીકે નીતિશાસ્ત્રમાં અને અંતિમ સતતત્વને જાણવા અને પામવાની પદ્ધતિ કે સાધન તરીકે સમજવામાં આવે ત્યારે તે અંત:સ્ફુરણાવાદ (intuitionism) તરીકે ઓળખાય છે.

નીતિશાસ્ત્રમાં અંત:સ્ફુરણાવાદ : કોઈ નૈતિક વિષયને તર્કની પ્રક્રિયા વિના સમજી શકતી જન્મજાત એવી અંત:સ્ફુરણાના શક્ય વિષયોને અનુલક્ષીને ત્રણ પ્રકારો છે : (1) ‘વિશિષ્ટ કાર્યની યથાર્થતા-અયથાર્થતા માત્ર અંત:સ્ફુરણા જ પારખી શકે’ એવા સિદ્ધાંતને વિશિષ્ટ અંત:સ્ફુરણાવાદ કહેવાય છે. (2) ‘અમુક વર્ગ કે પ્રકારનાં સામાન્ય કાર્યોની યથાર્થતા-અયથાર્થતા માત્ર અંત:સ્ફુરણા જ પારખી શકે’ એવા સિદ્ધાંતને સામાન્ય અંત:સ્ફુરણાવાદ અને (3) ‘કાર્યોની યથાર્થતાનો નિર્ણય કરતા નૈતિક નિયમને માત્ર અંત:સ્ફુરણા જ પારખી શકે’ એવા સિદ્ધાંતને સાર્વત્રિક અંત:સ્ફુરણાવાદ કહેવાય છે. આ અંત:સ્ફુરણા (1) અવિશ્લેષ્ય છે અને (2) વિશ્લેષ્ય છે એવા બે સિદ્ધાંતો પ્રચલિત છે. વળી (1) કાર્યનું પરિણામ કાર્યની યથાર્થતા-અયથાર્થતાને અસર કરતું નથી અને (2) કાર્ય તેમજ તેના અપેક્ષિત પરિણામની ભાવનાને કાર્યના મૂલ્ય માટે લક્ષમાં લેવી જોઈએ એવા બે મતો પ્રવર્તે છે.

ઉપર્યુક્ત ત્રણેય પ્રકારની અંત:સ્ફુરણા દ્વારા કેટલાક કિસ્સાઓમાં કાર્યની યથાર્થતા-અયથાર્થતા પારખી શકાય છે; પરંતુ દરેક વિશિષ્ટ કાર્ય, દરેક સામાન્ય કાર્ય અને દરેક નૈતિક નિયમની યથાર્થતા-અયથાર્થતા તેવી રીતે પારખી શકાય નહિ. અપૂરતા અનુભવ અને જ્ઞાનને કારણે અંત:સ્ફુરણામાં કેટલીક વાર ભૂલો થવા સંભવ છે; દા.ત., તજ્જ્ઞની દૃષ્ટિએ અપૂર્ણ અને અણઘડ કૃતિ સામાન્ય માનવીને સુંદર લાગે તેવું બને છે. કેટલીક પરિસ્થિતિમાં કયું કાર્ય યથાર્થ છે તે વિશે સંશય ઉત્પન્ન થાય છે; દા.ત., સદગુણ સાથે સુખ સંલગ્ન હોવું જોઈએ એ બધા લોકો કે ચિંતકો માટે સ્વયંસિદ્ધ સત્ય હોતું નથી. સામાન્ય સંયોગોમાં મહદ્અંશે અંત:સ્ફુરણાના આદેશો ઉપયોગી થતા હોવા છતાં અસામાન્ય સંયોગોમાં ઉપયોગી બનતા નથી; દા.ત., સત્ય બોલવું તે અને બીજાનો જીવ બચાવવો એ બંને હંમેશ યથાર્થ છે; પરંતુ કોઈનો જીવ બચાવવા જૂઠું બોલવું કે નહિ તે અંગે અંત:સ્ફુરણા સ્પષ્ટ માર્ગદર્શન આપી શકતી નથી. આમ અંત:સ્ફુરણાઓ વચ્ચે કેટલીક વાર વિરોધાભાસ થતો હોય છે.

ઘણી વાર જેને અંત:સ્ફુરણા માનવામાં આવે છે તે નૈતિક અનુભવની સ્વયંસંચાલિત પ્રતિક્રિયાનું પરિણામ હોય છે. આમ છતાં તર્કની પ્રક્રિયા અને સામાન્ય અનુભવથી કેટલેક અંશે સ્વતંત્ર એવી અંત:સ્ફુરણાની પ્રક્રિયા તો થાય જ છે. આવી અંત:સ્ફુરણાનાં સ્વરૂપોનાં દૃષ્ટાંતો છે : (1) વિશિષ્ટ સંયોગોના સંબંધમાં એક વિશિષ્ટ કાર્યની નૈતિક યોગ્યતા અંગેની સમજ કે હૈયાઉકલતને કોઈ સંબંધમાં વિશ્લેષિત કરી શકાય નહિ. (2) અમુક પ્રકારનાં સામાન્ય કાર્યોના કિસ્સામાં તે પ્રકૃતિના નિયમો અનુસાર છે કે નહિ તે અંત:સ્ફુરણાથી જાણી શકાય છે. (3) કેટલાક નૈતિક ખ્યાલ, વિશેષ કરીને કશુંક ફરજરૂપ હોવાની ભાવના માત્ર વિશિષ્ટ દૃષ્ટાંતોના બાહ્ય નિરીક્ષણ પરથી નહિ, પરંતુ અંત:સ્ફુરણાથી પ્રાપ્ત થાય છે.

તત્વમીમાંસામાં અંત:સ્ફુરણાવાદ : પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં અનુભવવાદ, બુદ્ધિવાદ, વાસ્તવવાદ, પ્રત્યક્ષવાદ જેવી અને ભારતીય તત્વજ્ઞાનમાં ચાર્વાક જેવી પદ્ધતિઓ ઇન્દ્રિયજન્ય અનુભવ, તર્ક કે એ બંનેને જ્ઞાનપ્રાપ્તિના મુખ્ય સ્રોત કે સાધન ગણતી હોવાથી તેમાં પદ્ધતિ કે સિદ્ધાંત તરીકે અંત:સ્ફુરણાના મહત્વને વિશેષ અવકાશ ન હોય એ સ્વાભાવિક છે. ભારતીય ચિંતકોએ અંત:સ્ફુરિત અનુભૂતિને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે તેમ માનવામાં આવે છે. જોકે કેટલાક વિદ્વાનો માને છે કે અપરોક્ષાનુભવની કે અવ્યવહિત અંત:સ્ફુરણાની જે કેન્દ્રિતતા ઓગણીસમી અને વીસમી સદીના નવ્ય ભારતીય ચિંતકોમાં જોવા મળે છે તેવી અનુભવકેન્દ્રિતતા મૂળ ભારતીય દર્શનપરંપરામાં જોવા મળતી નથી. લૌકિક જ્ઞાન માટે પ્રત્યક્ષ, અનુમાન વગેરે પ્રમાણોને તેમજ લોકોત્તર કે પારમાર્થિક સત્તાના જ્ઞાન માટે શબ્દપ્રમાણ(શ્રુતિજ્ઞાન)ને ભારતીય પરંપરામાં માનવામાં આવે છે. જ્ઞાનનાં મહત્ત્વનાં પ્રમાણો કે સાધનોની ચર્ચાવિચારણામાં પ્રત્યક્ષ, અનુમાન, શબ્દપ્રમાણ આદિ જ મુખ્ય છે; અનુભવ કે સાક્ષાત્કાર નહિ. ખાસ તો વેદોના અપૌરુષેયત્વને તેમજ જ્ઞાનના સ્વત:પ્રામાણ્યને માનનાર દર્શનોમાં તો કોઈ આ કે તે વ્યક્તિના સાધારણ કે અસાધારણ અનુભવોથી પારમાર્થિક સતને સ્થાપી શકાય છે કે તેનું સમર્થન થઈ શકે છે તેવો કોઈ અભિગમ મહત્વનો રહેતો નથી. અપરોક્ષાનુભૂતિ કે સાક્ષાત્કાર કદાચ સાધકનું અંતિમ લક્ષ્ય હોઈ શકે, પણ જ્ઞાનના એક સર્વસામાન્ય સાધન તરીકે આવા અનુભવનો કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. વિલહેલ્મ હાલ્બફાસ નામના જર્મન ચિંતકે, 1982માં ‘ઇન્ડિયા ઍન્ડ યુરોપ’ નામના ગ્રંથમાં, ભારતીય ચિંતનમાં અનુભવવિચાર અંગે વધુ વિગતે ચર્ચા કરી છે અને તેમાં તેમણે ઉપર્યુક્ત બાબતોની રજૂઆત કરી છે.

આ ઉપરાંત ‘અંત:સ્ફુરણા’ શબ્દ પાશ્ચાત્ય અને ભારતીય તત્વજ્ઞાનમાં એકસરખા અર્થમાં પ્રયોજાયો છે તે કહેવું પણ મુશ્કેલ છે. પશ્ચિમની પરંપરામાં પણ તે એકસરખા અર્થમાં પ્રયોજાયો નથી. ખાસ કરીને અંત:સ્ફુરણા દ્વારા જેને વિશેનું જ્ઞાન મળતું હોવાનું કહેવાય છે તે વિષયો અંગે જ મતભેદ પ્રવર્તે છે.

પાશ્ચાત્ય તત્વચિંતકોએ અંત:સ્ફુરણાનું અસ્તિત્વ સ્વ-અસ્તિત્વની ચેતનાના, નૈતિક નિર્ણયના કે જ્ઞાનના એક સામાન્ય સ્રોતના સંદર્ભમાં લીધું છે. સ્પિનોઝાએ (1632-1677) અને બર્ગસાઁએ (1859-1941) પોતાની તાત્વિક પદ્ધતિમાં અંત:સ્ફુરણાને સર્વોચ્ચ કક્ષાના જ્ઞાન તરીકે મહત્વ આપ્યું છે. વળી બર્ગસાઁએ અને ભારતીય ચિંતક શ્રી મહર્ષિ અરવિંદે (1872-1950) તો અંત:સ્ફુરણાની સવિગત સમજૂતી પણ આપી છે.

સ્પિનોઝાના મતે જ્ઞાનનાં ચાર સ્વરૂપોનો ક્રમ છે : (1) બીજા પાસેથી સાંભળેલું જ્ઞાન; દા.ત., વ્યક્તિને પોતાની જન્મતારીખની જાણ; (2) કોઈ પ્રાયોગિક ચકાસણી વિનાનું નીચા સ્તરનું માત્ર અનુભવમૂલક જ્ઞાન; (3) આથી આગળ જતું તર્ક દ્વારા પ્રાપ્ત થતું વૈજ્ઞાનિક જ્ઞાન, જેમાં નિયમોનો સમાવેશ થાય છે. (4) જ્ઞાનની સર્વોચ્ચ કક્ષાનું અંત:સ્ફુરણાનું જ્ઞાન. તેમાં આંતરિક રીતે સંબંધિત સમગ્ર વિશ્વ એક સ્વ-આધારિત પદ્ધતિ તરીકે વ્યક્ત થાય છે. ઈશ્વર અને પ્રકૃતિની પ્રક્રિયાઓ બંને એક છે એવો સ્પિનોઝાના તત્વજ્ઞાનનો પાયાનો વિચાર છે.

બર્ગસાઁ અંત:સ્ફુરણાને ‘સહાનુભૂતિ’ કહે છે અને તેના દ્વારા અવિભાજિત સમગ્ર સત્તત્વનાં સ્વરૂપ અને હાર્દમાં પ્રવેશીને જે અનિવર્ચનીય છે તેને ગ્રહણ કરી શકાય છે એમ તેમણે કહેલું છે. આમ તેમના મતે અંત:સ્ફુરણા એક સંપર્ક, એક ચેતનાનું વિસ્તરણ છે. એવી અંત:સ્ફુરણા દ્વારા જે પ્રાપ્ત થાય છે તેનું વ્યવહારુ સર્જક હેતુઓ માટે વિભાજન, સંયોજન, વિશ્લેષણ અને સંશ્લેષણનું કાર્ય બુદ્ધિ કરે છે.

મહર્ષિ અરવિંદ જ્ઞાનના ચતુર્વિધ ક્રમમાં અંત:સ્ફુરણા જ્ઞાતા-જ્ઞેયને ક્રમશ: અલગ કરતા જ્ઞાનમાં પરિવર્તન પામે છે તે દર્શાવે છે; (1) જ્ઞાતા-જ્ઞેયના સંપૂર્ણ તાદાત્મ્ય દ્વારા અપરોક્ષાનુભૂતિનું જ્ઞાન; (2) અંશત: અપૂર્ણ તાદાત્મ્ય છતાં જ્ઞેય સાથેના સીધા અને ગાઢ સંપર્ક દ્વારા થતું જ્ઞાન; (3) સીધા સંપર્ક દ્વારા છતાં જ્ઞેયથી અલગ એવું જ્ઞાન; (4) પરોક્ષ સંપર્ક દ્વારા જ્ઞેયથી તદ્દન અલગ એવું જ્ઞાન.

અંત:સ્ફુરણાની શક્તિ ચતુર્વિધ છે : (1) સત્ય-શોધને પ્રગટ કરતી શક્તિ, (2) સત્ય-શ્રવણ કે પ્રેરણાની શક્તિ, (3) તાત્પર્યને તત્કાળ ગ્રહણ કરતી સત્ય-સ્પર્શની શક્તિ અને (4) સત્યના સત્ય સાથેના ચોક્કસ અને વ્યવસ્થિત સંબંધ અંગેની સાચી અને સહજ વિવેકની શક્તિ. આમ મહર્ષિ અરવિંદના મતે અંત:સ્ફુરણા પોતાની ઉચ્ચતર પ્રક્રિયા દ્વારા તર્ક અને તાર્કિક બુદ્ધિનાં બધાં કાર્યો પણ કરી શકે છે.

મહર્ષિ અરવિંદે સામાન્ય મનસથી અતિમનસના તબક્કાઓમાં ઊર્ધ્વગમનની ઉચ્ચ કક્ષાઓ હાંસલ કરતી અંત:સ્ફુરણાના વિકાસની કક્ષાઓ દર્શાવી છે. સામાન્ય મનસથી આગળની આ કક્ષાઓ છે ઉચ્ચતર મનસ્, પ્રકાશમય મનસ્, અંત:સ્ફુરણા, અધિમનસ્ અને અતિમનસ્. અતિમનસ્ કક્ષાએ સંપૂર્ણ તાદાત્મ્ય દ્વારા અપરોક્ષાનુભૂતિનું સર્વોચ્ચ જ્ઞાન એટલે કે દર્શન થાય છે.

મૂ. કા. ભટ્ટ