અંતરીક્ષમાં વસાહત : અંતરીક્ષમાં માનવ-વસાહત ઊભી કરવા અંગેની યોજના અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીના વિજ્ઞાની જિરાર્ડ ઓ’નીલે સૌપ્રથમ રજૂ કરી હતી. આ યોજનાનો મૂળભૂત વિચાર એ હતો કે પૃથ્વીની સીમિત નૈસર્ગિક સંપત્તિ પર મહદ્અંશે આધાર રાખ્યા સિવાય અંતરીક્ષમાં નિરંતર મળતી સૌર ઊર્જા અને ચંદ્રની ધરતીમાંથી મળતાં દ્રવ્યોનો ઉપયોગ કરીને જ એક સ્વાવલંબી ઔદ્યોગિક વસાહત અંતરીક્ષમાં ઊભી કરી શકાય.

ચંદ્રની ધરતીના પથ્થરોનું રાસાયણિક પરીક્ષણ કરતાં જાણવા મળ્યું છે કે એમાં લગભગ 40 % ઑક્સિજન છે, જ્યારે બાકીની ધાતુ છે, જેમાં મુખ્યત્વે સિલિકોન, લોખંડ, કૅલ્શિયમ, ટાઇટેનિયમ, ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમનો સમાવેશ થાય છે. ખાસ અગત્યની બાબત એ છે કે પૃથ્વીમાંથી મળતા ટાઇટેનિયમ કરતાં ચંદ્રની ધરતીમાં લગભગ બેગણું ટાઇટેનિયમ અસ્તિત્વ ધરાવે છે.

અંતરીક્ષ વસાહત તૈયાર કરવામાં મુખ્યત્વે ઍલ્યુમિનિયમ અને કાચ વાપરવામાં આવનાર છે. આ વસાહત ચંદ્રની ભ્રમણકક્ષામાં L-5 નામે ઓળખાતા બિંદુ પર ઊભી કરવામાં આવશે. ચંદ્રની ભ્રમણકક્ષામાં આ સ્થાન ચંદ્ર અને પૃથ્વીથી સરખા અંતરે આવેલું છે, જ્યાં સૂર્યની ગરમી અને પ્રકાશ નિરંતર મળતાં રહેશે. આધુનિક રૉકેટ ટૅકનૉલૉજી અને ‘સ્પેસ-શટલ’નો ઉપયોગ કરીને જ આ વસાહત તૈયાર કરી શકાશે. અત્રે એક અગત્યની બાબત નોંધવી જોઈએ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ પૃથ્વીના પ્રમાણમાં ઘણું ઓછું છે. વળી, ચંદ્ર ઉપર વાતાવરણનું અસ્તિત્વ બિલકુલ નથી. આથી, ચંદ્ર ઉપરથી જરૂરી બધું દ્રવ્ય અંતરીક્ષમાં લઈ જવા માટે ઘણા ઓછા બળની જરૂર પડશે. આની સરખામણીમાં એટલા જ વજનનું દ્રવ્ય જો પૃથ્વી પરથી અંતરીક્ષમાં લઈ જવું હોય તો લગભગ વીસગણા બળની જરૂર પડે.

1990ના દસકામાં અંતરીક્ષયાનો દ્વારા જાણવા મળ્યું છે કે ચંદ્રના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના વિસ્તારોમાં લાખો ટન થીજેલા બરફનું અસ્તિત્વ છે. આ બરફના પાણીમાંથી હાઇડ્રોજન અને ઑક્સિજન મેળવીને ચંદ્ર પરની વસાહતમાં તેનો ઉપયોગ કરી શકાશે તથા અંતરીક્ષના અન્ય સ્થાન પરની વસાહત ઊભી કરવા માટે હાઇડ્રોજન અને ઑક્સિજનનો રૉકેટના બળતણ તરીકે ઉપયોગ કરી શકાશે.

પ્રથમ વસાહત 10,000 માણસો રહી શકે તેવી એક મોટા ચક્ર જેવા આકારની હશે. તેમાં વસનારા લોકો માટે અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરવા માટે ચંદ્રની ધરતીનો ઑક્સિજન અને હાઇડ્રોજન વાપરવામાં આવશે, જ્યારે કાર્બન અને નાઇટ્રોજન પૃથ્વી પરથી લાવવામાં આવશે. આ વસાહતમાં યોગ્ય પ્રમાણમાં ગુરુત્વાકર્ષણબળ ઉત્પન્ન કરવા માટે આખા ચક્રને ધીમો ચાક આપીને ઘુમાવવામાં આવશે. ઍલ્યુમિનિયમ અને કાચ વડે બનેલી આ વસાહતમાં પૃથ્વીના સમુદ્રતલ પરના વાતાવરણ જેવું જ વાતાવરણ રાખવામાં આવશે. ચક્રની ધરી હંમેશાં સૂર્યની દિશામાં રાખવામાં આવશે અને વસાહતની અંદર પૃથ્વી પર છે તેવી નૈસર્ગિક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવશે; એમાં વનસ્પતિ, લીલી હરિયાળી, વૃક્ષો, પશુ, પંખી તેમજ સપાટ મેદાનો, ખીણ, ટેકરી, ઝરણાં તથા સરોવરો પણ હશે. દરેક નિવાસસ્થાનમાં અગાશી હશે, જેથી સૂર્યપ્રકાશનો પૂરતો ઉપયોગ થઈ શકે. આખી વસાહતમાં રહેઠાણ, કૃષિ અને ઉદ્યોગો માટે અલગ અલગ ભાગ હશે, જ્યાં સૂર્ય-પ્રકાશ, તાપમાન, હવામાન અને ગુરુત્વાકર્ષણબળનું ઇષ્ટતમ પ્રમાણ જાળવવામાં આવશે. કૃષિસંબંધિત ખાસ અગત્યની બાબત એ છે કે અંતરીક્ષની વસાહતમાં દરેક પાક માટે દિવસની લંબાઈ, સૂર્ય-પ્રકાશ તથા ઋતુ-ચક્રનું નિયમન કરી શકાશે. આ ઉપરાંત ત્યાં કોઈ પણ પ્રકારની જીવાત નહિ હોય એટલે ખેતીવાડી અત્યંત કાર્યક્ષમ બની શકશે અને ધાર્યા પ્રમાણે દરેક પાકનો ઉતાર લઈ શકાશે, જેથી પાક નિષ્ફળ જવાની શક્યતા લગભગ નહિવત્ હશે. વસાહતમાં લગભગ 111 એકરમાં ખેતી કરવામાં આવશે, જેથી 10,000 લોકો માટે પૂરતો ખોરાક મળી શકે. કચરાના નિકાલ માટે પણ એક કાર્યક્ષમ તંત્ર રાખવામાં આવશે, જેની મદદથી કચરામાંથી ખાતર અને શુદ્ધ પાણી મેળવી શકાશે. આખી વસાહતની અંદર અત્યંત શુદ્ધ હવા મળશે. બીજા શબ્દોમાં કહીએ તો અંતરીક્ષ-વસાહતમાં પૃથ્વી પરના કોઈ પણ શહેરની હવા કરતાં વધારે શુદ્ધ હવા મળી શકશે.

વસાહતની અંદર પ્રદૂષણ ઉત્પન્ન ન કરે તેવા નાના ઉદ્યોગો જ રાખવામાં આવશે, જ્યારે પ્રદૂષણ ઉત્પન્ન કરે તેવા મોટા ઉદ્યોગો અંતરીક્ષમાં અન્ય સ્થાન ઉપર રાખવામાં આવશે, જ્યાં શૂન્ય ગુરુત્વાકર્ષણનો લાભ લઈ શકાય તથા પ્રદૂષણનો નિકાલ અંતરીક્ષમાં જ કરી શકાય.

પરંતપ પાઠક