અંતરંગ : પાણિનીય વ્યાકરણની પરિભાષાનો એક શબ્દ. સામાન્ય અર્થ ‘નજીકનું કે અંદરનું અંગ’. પાણિનીય વ્યાકરણનાં સૂત્રો પાંચ સ્વરૂપે કાર્ય સાધે છે. તેમાં પછીનું સૂત્રસ્વરૂપ આગલા સૂત્રસ્વરૂપ કરતાં બળવાન હોય છે, તેથી જ્યારે પરસ્પર બે સૂત્રોનો વિરોધ ઊભો થાય ત્યારે તે તે સૂત્રના સ્વરૂપનો ખ્યાલ રાખીને કાર્ય સાધવામાં આવે છે. (1) પૂર્વસૂત્ર, તેના કરતાં પરસૂત્ર બળવાન એમ પાણિનિને પોતાને અભિપ્રેત છે, પણ પાછળથી ઉદભવેલામાં (2) પરસૂત્ર કરતાં નિત્યસૂત્ર બળવાન, (૩) નિત્યસૂત્ર જો બહિરંગ હોય તો તેના કરતાં અંતરંગસૂત્ર બળવાન અને (4) અંતરંગસૂત્ર કરતાં અપવાદસૂત્ર બળવાન મનાય છે. અંતરંગસૂત્ર બહિરંગસૂત્રના કરતાં ઓછી અપેક્ષાઓ (શરતો) રાખે છે.

જયદેવ જાની