અંગ્રેજી ભાષા

યુરોપ ખંડની પશ્ચિમે ઇંગ્લૅન્ડ દ્વીપ પર વસતા લોકોની ભાષા. આ દ્વીપવાસીઓમાં અંગ્રેજી ભાષા બોલનારાઓની સંખ્યા આશરે 6 કરોડની છે. ઇંગ્લૅન્ડ સિવાય અન્ય રાષ્ટ્રોમાં આ ભાષા બોલાય છે, જેમની સંખ્યા અંદાજે નીચે પ્રમાણે છે :

યુ.એસ. 17 કરોડ
કૅનેડા 1.5 કરોડ
ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ 1 કરોડ
આફ્રિકા 2૦ લાખ

આ સિવાય ઇંગ્લૅન્ડ અને યુ.એસ.ના વર્ચસ્ હેઠળ આવી ગયેલા હવાઈ, અલાસ્કા, ફિલિપાઇન્સ, બ્રિટિશ હૉન્ડુરાસ, બર્મુડા, બહામા, જમૈકા, મલાયા, હૉંગકૉંગ, જિબ્રાલ્ટર, માલ્ટા, સાયપ્રસ ઇત્યાદિ પ્રદેશોમાં વસનારા ઘણા લોકો પણ આ ભાષા બોલે છે. આમ જેમની માતૃભાષા અંગ્રેજી છે એવાની સંખ્યા બધી મળીને આશરે 25 કરોડની થાય. જો ભારત, પાકિસ્તાન, સ્પેન, પૉર્ટુગલ, શ્રીલંકા, બર્મા ઇત્યાદિ દેશોમાં શિક્ષણ દ્વારા જેઓ આ ભાષા શીખ્યા છે અને એનો ઉપયોગ કરે છે એ બધાની ગણના કરવામાં આવે તો અંગ્રેજી ભાષા બોલનારાઓની સંખ્યા 6૦ કરોડ પર પહોંચી જાય. (ભારતમાં 1961ની વસ્તીગણતરી પ્રમાણે જેમની માતૃભાષા અંગ્રેજી છે એમની સંખ્યા 2,23,781 છે અને અંગ્રેજી જેમની ઉપભાષા છે તેમની સંખ્યા 1,૦6,5૦3 છે.)

માતૃભાષાના દૃષ્ટિકોણથી વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધુ ભાષકો ધરાવતી ભાષા તરીકે ચીની(5૦ કરોડ)નો નંબર પ્રથમ આવે; જ્યારે અંગ્રેજી (25 કરોડ) બીજા ક્રમે આવે. વિશ્વમાં જેમની માતૃભાષા અંગ્રેજી છે તેવા અને જેમની ઉપભાષા અંગ્રેજી છે તેવા બધા ભાષકોનો સરવાળો માંડીએ તો અંગ્રેજી ભાષાનું સ્થાન પ્રથમ આવે. અંગ્રેજી ભાષાને આ માટે આંતરરાષ્ટ્રીય ભાષાનો દરજ્જો મળેલો છે. વિશ્વમાં ગ્રંથપ્રકાશન અને નિયતકાલિક લેખન સૌથી વધુ આ ભાષામાં  થાય છે.

અંગ્રેજી મૂળ ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની જર્માનિક ભાષા છે. જર્માનિક ભાષાસમૂહના ઉત્તર જર્માનિક, પૂર્વ જર્માનિક અને પશ્ચિમ જર્માનિક એવા બોલીભેદો હતા. એમાં અંગ્રેજી મૂલત: પશ્ચિમ જર્માનિક બોલી હતી. એ બોલીના બે પ્રકારો : સાગરકિનારા નજીકના પ્રદેશમાંની બોલી જેને ‘લો જર્માનિક’ (એટલે કે નિમ્ન પ્રદેશની બોલી) અને બીજી ‘હાઈ જર્માનિક’. અંગ્રેજી ભાષા ‘લો જર્માનિક’  બોલીઓમાંની એક હતી. અને એની નજીકની સરખામણી પામે તેવી બીજી બોલીઓ ફિજિયન, ડચ અને ફ્લેમિશ હતી.

ઈ. સ. 55થી લગભગ 41૦ સુધી ઇંગ્લૅન્ડ રોમન સામ્રાજ્યનો એક ભાગ હતું. એ વખતે રાજ્યવ્યવહારની ભાષા લૅટિન હતી; પરંતુ ઇંગ્લૅન્ડ દ્વીપ પરના મૂળ રહેવાસીઓની ભાષા કેલ્ટિક હતી. તે વખતના કેલ્ટિક અને લૅટિન ભાષાઓમાંના કેટલાક શબ્દો આજના ઇંગ્લૅન્ડનાં સ્થળનામોમાં મળી આવે છે. (દા.ત., લંડન, કૅમ્બ્રિજ, વિન્ચેસ્ટર).

ઈ. સ. 45૦ના અરસામાં યુરોપના પશ્ચિમ કિનારે શ્લેશ્વિગ, હોલસ્ટાઇનઅને જટ્લૅન્ડ વિસ્તારમાં વસનારા આંગ્લ, સૅક્સન અને જ્યૂટ – આ જર્માનિક લોકોએ ઇંગ્લૅન્ડ પર સ્વામિત્વ મેળવ્યું. જે પ્રમાણે આ વસાહતીઓમાંના લોકો ઇંગ્લૅન્ડમાં વસ્યા તે પ્રમાણે તે વખતની ભાષામાં નીચે પ્રમાણેના બોલીભેદો થયા :

ઉત્તરમાં : નૉર્દાબ્રિયન બોલી
દક્ષિણમાં : વેસ્ટ સૅક્સન બોલી
મધ્ય વિસ્તારમાં : મર્સિયન બોલી
અગ્નિ ખૂણામાં : કૅન્ટિશ બોલી

આ બોલીઓનું લેખિત સ્વરૂપ ઈ. સ. 7૦૦ની આસપાસના સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે.

ઈ. સ. 7૦૦થી 1૦૦૦ સુધીના સમયગાળામાં વિસ્તરેલી આ બોલીઓમાંની સામાન્ય ભાષાને ‘પ્રાચીન અંગ્રેજી’ (Old English) એવું નામ આપવામાં આવ્યું છે. પ્રાચીન અંગ્રેજીમાંનું સૌથી વધારે લેખન ‘વેસ્ટ સૅક્સન’ બોલીમાં થયેલું મળે છે. એનું કારણ એ છે કે એ વખતના ત્યાંના રાજા આલ્ફ્રેડ ધ ગ્રેટે સાહિત્યસર્જનને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. તેના સામ્રાજ્યની રાજધાની પણ વિન્ચેસ્ટર હતી અને વિન્ચેસ્ટર વેસ્ટ સૅક્સન બોલીપ્રદેશમાં આવેલું હતું.

જૂના અંગ્રેજીની ધ્વનિવ્યવસ્થા નીચે પ્રમાણે હતી :

વ્યંજનો

જૂની અંગ્રેજી રોમન લિપિમાં લખાતી હતી,

પરંતુ રોમન લિપિમાં જે ધ્વનિઓના અક્ષરો મળતા ન હતા તેમને માટે કેટલાક અક્ષરો રુનિક (Runic) અને ગૉથિક (Gothic) લિપિમાંથી લેવાયા હતા. એ અક્ષરો નીચે પ્રમાણે હતા :

ભાષાના લેખન અને ઉચ્ચારમાં હમેશાં તફાવત રહેવાનો. અભ્યાસીઓ ઉચ્ચારરૂઢિઓ લેખનના સાધનથી જાણી શકે. જૂની અંગ્રેજીમાં લેખન-ઉચ્ચારણની રૂઢિઓ નીચે પ્રમાણે હતી :

(1) c અક્ષર i, e અને  સ્વરોની પહેલાં આવે તો તેનો ઉચ્ચાર ચ્; અન્યત્ર એનો ઉચ્ચાર ક્ થતો.

(2) g અક્ષર i, e અને æ સ્વરોની પહેલાં આવે તો તેનો ઉચ્ચાર  ચ્; અન્યત્ર ગ્ અથવા ક્વચિત્ ઘ્ (સંઘર્ષી).

(3)   અને ð એ અક્ષરો અઘોષ ધ્વનિઓની વચ્ચે આવે તો તેમનો ઉચ્ચાર ð, અન્યત્ર θ.

(4) f અને s એ અક્ષરો અઘોષ ધ્વનિઓની વચમાં આવે તો તેમનો ઉચ્ચાર અનુક્રમે v અને z; અન્યત્ર f અને s.

(5) scનો ઉચ્ચાર શ્, cgનો જ્, અને yનો ઉચ્ચાર ગોળાકાર હોઠ કરીને ઉચ્ચારાયેલા i જેવો.

(6) n પછી g (કંઠ્ય) આવે તો nનો ઉચ્ચાર ઙ્.

(7) પાર્શ્વ સ્વરોની પહેલાં અથવા તે પછી આવનારા hનો ઉચ્ચાર સંઘર્ષી æ ખ જેવો.

(8) જે સ્વરો ઉપર આડી રેખા દોરવામાં આવી છે તે દીર્ઘસ્વરો છે. યુગ્મ વ્યંજન દીર્ઘ વ્યંજન હોય છે.

જૂની અંગ્રેજીમાં પદ્યની જેમ ગદ્ય પણ ઘણું લખાયેલું મળી આવે છે. મુખ્યત: ઐતિહાસિક ઘટનાઓનું લેખન કરી આપવા માટે તે વખતે રાજદરબારમાં લહિયાઓ હતા. તેમણે લખી રાખેલા ઐતિહાસિક દસ્તાવેજો ‘ક્રૉનિકલ્સ’ નામથી પરિચિત છે. માલ્ડન નામના સ્થળે થયેલા એક યુદ્ધના વર્ણન પર એક કાવ્ય છે. એ યુદ્ધ ઈ. સ. 991માં થયું – એ વરસની ‘ક્રૉનિકલ્સ’માંની નોંધ આ પ્રમાણે છે :

[941 : અહીંયાં (આ વરસમાં) ઇપસિચ્ ગામ લૂંટાઈ ગયું; અને ત્યારબાદ થોડાક સમયમાં જ મેલડ્યૂન પાસે સરદાર બ્હિટનોધ યુદ્ધમાં માર્યો ગયો.]

જૂની અંગ્રેજીનું વ્યાકરણ આધુનિક અંગ્રેજીના વ્યાકરણ કરતાં ઘણું જુદું પડે છે. ત્રણ લિંગનાં નામ હતાં. આ લિંગ કુદરતી ન હતાં. તે વ્યાકરણરૂપોથી નિશ્ચિત થયેલાં હતાં. દા.ત., Stān(પથ્થર) શબ્દ પુંલ્લિગં હતો; duru (ઘર) સ્ત્રીલિંગ હતો અને wuf (સ્ત્રી) નપુંસકલિંગ હતો. વચનો બે હતાં : એકવચન અને બહુવચન. વિભક્તિઓ ચાર હતી : પ્રથમા, દ્વિતીયા, ચતુર્થી અને ષષ્ઠી. દ્વિતીયા, ચતુર્થી ષષ્ઠી વિભક્તિઓમાં જે નામોના પ્રત્યયોમાં n લગાડવામાં આવતો એ નામો દુર્બળ (weak) વર્ગનાં અને બાકીનાં સબળ (strong) વર્ગનાં હતાં. તેમનાં રૂપો નીચે પ્રમાણે હતાં :

દુર્બળ વર્ગ

(nama) (પું.) નામ sunne (સ્ત્રી.) સૂર્ય
એ.વ. બ.વ. એ.વ. બ.વ.
પ્ર. nama-a nam-an sunn-e sunn-an
દ્વિ. nam-an nam-an sunn-an sunn-an
ચ. nam-an nam-an sunn-an sunn-am
ષ. nam-an nam-ena sunn-an sunn-ena
eage (ન.) આંખ
એ.વ. બ.વ.
પ્ર. ēag-e ēag-an
દ્વિ. ēag-e ēag-an
ચ. ēag-an ēag-am
ષ. ēag-an ēag-ena

સબળ વર્ગ

 stan (પું.) પથ્થર giefy (સ્ત્રી.) બક્ષિસ
એ.વ. બ.વ. એ.વ. બ.વ.
પ્ર. stān stān-as gief-u gief,-a-e
દ્વિ. stān stān-as gief-le gief-a,–e
ચ. stān-e stān-um gief-e gief-um
ષ. stān-es stān-a gief-e gief-a,–enu
hus (ન.) ઘર
એ.વ. બ.વ.
પ્ર. hūs hūs
દ્વિ. hūs hūs
ચ. hūs-e hūs-um
ષ. hūs-es hūs-a

વિશેષણોનાં લિંગ, વચન અને વિભક્તિ જે નામોની સાથે એ હોય છે તે પ્રમાણે હોય છે. તફાવત એટલો જ કે વિશેષણોને સબળ અને દુર્બળ બંને વર્ગના પ્રત્યયો લાગે છે. પુંલ્લિંગ અને સ્ત્રીલિંગ એકવચનના સબળ વર્ગના પ્રત્યયોમાં તૃતીયા વિભક્તિ માટે વિશેષણોને સ્વતંત્ર પ્રત્યયો હતા. સ્ત્રીલિંગ અને બહુવચનમાં તૃતીયા વિભક્તિ માટે વિભક્તિના પ્રત્યયો યોજાય છે; દા.ત.,

CWIC (વિ.) સજીવ

         એ. વ.

પું. સ્ત્રી. ન.
પ્ર. Cwic cwic-a cwic
દ્વિ. cwic-ne cwic-e
તૃ. cwic-e cwic-ne cwic-e
ચ. cwic-am cwic-um
ષ. cwic-es cwic-es

બ.વ.

પું. સ્ત્રી. ન.
cwic-e cwic-a cwic-a
” e
cwic-am cwic-am cwic-am
cwic-ra cwic-ra cwic-ra

તુલનાદર્શક વિશેષણોના -તર, -તમ. પ્રત્યયો માટે -ra અને est પ્રત્યયો લગાડવામાં આવે છે; દા.ત.,  lēof(પ્રિય), lēofra, lēofest. કેટલાંક અનિયમિત રૂપો પણ મળે છે; દા.ત., micel (ઘણાં) -māra, mӕst.

સર્વનામોનાં રૂપો વિવિધ હતાં; પ્રથમ અને દ્વિતીય પુરુષ સર્વનામોનાં દ્વિવચનનાં રૂપો પણ હતાં. દા.ત., wit (અમે બે) અને git (તમે બે). સર્વનામોનાં ચાર જુદાં જુદાં રૂપો હતાં; પરંતુ આજની અંગ્રેજીની જેમ my/mineના ભેદ ન હતા.

ક્રિયાપદોના બે વર્ગ હતા. નિયમિત ક્રિયાપદોનો ભૂતકાળ કરવા માટે (-d, -ede, -ode, -de) એવા પ્રત્યયો લાગતા. અનિયમિત ક્રિયાપદોનાં રૂપો એમનાં મૂળ સ્વરૂપોને વિશિષ્ટ પ્રકારે બદલીને કરાતાં. તેમના સ્વરોમાં કરવામાં આવતાં ધ્વનિપરિવર્તનો આજના અંગ્રેજીમાં પણ યથાવત્ ટકી રહ્યાં છે; દા.ત., sing-sang, hide-hid ઇત્યાદિ.

ક્રિયાપદોના સપ્ત ગણ હતા. આજના અંગ્રેજીમાં મળતા drive, choose, bear, give, shake અને fall એ પ્રાચીન અંગ્રેજીના પ્રથમથી સપ્ત ગણોનાં ક્રિયાપદો અનુક્રમ પ્રમાણે હતાં. નિયમિત ક્રિયાપદો ફક્ત ત્રણ ગણનાં હતાં. fremman (કરવું), lufian (પ્રેમ કરવો) અને secyan (બોલવું)  આ ક્રિયાપદો અનુક્રમે પ્રથમ અને દ્વિતીય તેમજ તૃતીય ગણોનાં હતાં. ઉપરાંત witan (જાણવું), āgan(નજીક હોવું) અને wesan (હોવું) ઇત્યાદિ સહાયકારી ક્રિયાપદો પણ હતાં. તેમનાં વર્તમાનકાળનાં તેમજ ભૂતકાળનાં રૂપો વિવિધ અને અનિયમિત હતાં. તેમનું એક વૈશિષ્ટ્ય એ હતું કે નકારાત્મક ne સાથે સંધિ થઈને તેમનાં સંક્ષિપ્ત રૂપો થતાં; દા.ત., ne + wāt = nūt, ne + āh = nāh છે.

ભવિષ્યકાળ માટે ક્રિયાપદોનાં સ્વતંત્ર રૂપો ન હતાં. ભવિષ્યકાળ દર્શાવવા માટે વર્તમાનકાળનાં રૂપો સાથે will – ઇચ્છાદર્શક અને shall – આગ્રહદર્શક ઉપક્રિયાપદ વપરાતાં.

પ્રાચીન અંગ્રેજીમાં એક શબ્દમાંથી બીજા શબ્દો બનાવવાની ઘણી પ્રયોગક્ષમતા હતી. એ માટે મુખ્યત: બે પ્રકારો હતા : એક, ઉપસર્ગ અનુસર્ગની સહાયથી; દા.ત., standan (ઊભા રહેવું) ઉપરથી forstandan (રક્ષણ કરવું), strang (સશક્ત) ઉપરથી strength (શક્તિ) ઇત્યાદિ. બીજો પ્રકાર સમાસ કરવાથી; દા.ત., man – dӕd (કુકર્મ) ӕfen – glōmung (સાંધ્ય-પ્રકાશ) ઇત્યાદિ.

પ્રાચીન અંગ્રેજી વાક્યરચનામાં કારક રચના ઘણી મળી આવે છે. દા.ત., of (સુધી), ymbe (વાળીને) જેવા શબ્દો પછી આવતાં નામો દ્વિતીયા વિભક્તિમાં હોય છે. ӕfter (પછી) fū tan (ખરી જ) એ શબ્દો પછી આવનાર નામો ચતુર્થીમાં હોય છે. પ્રશ્નાર્થક રચનામાં ક્રિયાપદનું સ્થાન નામ અથવા સર્વનામની પૂર્વે હોય છે; દા.ત., Hwȳ stand gedle ? (why stand you idle ?) નકારાત્મક વાક્યોમાં નકારદર્શક ne સ્વતંત્ર અને સંધિપ્રવણ શબ્દોની પહેલાં મળી આવે છે; દા.ત., hie ne nūmon nūnne ele — એ વાક્યમાં ત્રણ વાર neનો પ્રયોગ છે, જેનું શબ્દશ: આધુનિક અંગ્રેજી આ પ્રમાણે થાય : They not not-took not-any oil એટલે ‘તેમણે તેલ લીધું નથી.’

ઉપર આપેલાં પ્રાચીન અંગ્રેજીનાં વપરાશમાંનાં વાક્યો જે લૂંટની વિગતો દર્શાવે છે તે ઇંગ્લૅન્ડ ઉપર ડૅન લોકોએ કરેલા હલ્લાને લગતી વિગતો દર્શાવે છે. ડેનિશોએ એ હલ્લા આશરે ઈ. સ. 793થી શરૂ કર્યા હતા. રાજા આલ્ફ્રેડે તેમને બહુ બહાદુરીથી હઠાવી કાઢ્યા હતા. પરંતુ, આલ્ફ્રેડના અવસાન બાદ, એટલે કે ઈ. સ. 9૦૦ પછી, ફરીથી ડેનિશોએ પોતાના હલ્લા શરૂ કર્યા હતા. એમાં ઇંગ્લૅન્ડની શક્તિ એટલી બધી ક્ષીણ થઈ ગયેલી કે ફ્રાન્સની ઉત્તરમાં નૉર્મંડી નામના પ્રદેશના એક સરદાર વિલિયમે ઇંગ્લૅન્ડ ઉપર ઈ. સ. 1066માં હલ્લો કરીને તેને સર કરી લીધું હતું.

ફ્રેન્ચભાષી વિલિયમ ઇંગ્લૅન્ડનો રાજા થયો. એ ઘટનાથી ઇંગ્લૅન્ડમાં નવો યુગ શરૂ થયો. ફ્રેન્ચ સંસ્કૃતિ અને ભાષાની અસર અંગ્રેજી જનતા પર થઈ અને તેને કારણે તેમની ભાષા અને તેમનું જીવન ઝડપથી બદલાઈ ગયાં. ઈ. સ. 11૦૦થી ઈ. સ. 15૦૦ સુધીના સમયગાળામાં બદલાઈ ગયેલા આ અંગ્રેજી ભાષાના સ્વરૂપને મધ્યયુગીન  અંગ્રેજી (middle English) એવું નામ આપવામાં આવ્યું છે.

મધ્યયુગીન અંગ્રેજીમાં નીચે પ્રમાણેના બોલીભેદો હતા :

ઉત્તરમાં : નૉર્ધર્ન બોલી

દક્ષિણમાં : સધર્ન બોલી

મધ્યમાં : પૂર્વ તરફ, ઈસ્ટ મિડ્લૅન્ડ બોલી

પશ્ચિમ તરફ, વેસ્ટ મિડ્લૅન્ડ બોલી

અગ્નિ ખૂણામાં : કૅન્ટિશ બોલી

આ યુગમાં ઈસ્ટ મિડ્લૅન્ડ બોલીપ્રદેશોમાંનું લંડન રાજધાની બન્યું. એ નગરને અને એના નજીકના પ્રદેશને રાજકીય, સાંસ્કૃતિક, વ્યાપારી અને શૈક્ષણિક મહત્વ મળ્યું. એને લીધે ઈસ્ટ મિડ્લૅન્ડ બોલીને સર્વમાન્ય સ્વરૂપ પ્રાપ્ત થયું. આજની અંગ્રેજી આ ઈસ્ટ મિડ્લૅન્ડ વિસ્તારની બોલીમાંથી ઊતરી આવેલી છે.

મધ્યયુગીન અંગ્રેજીની ધ્વનિ-વ્યવસ્થા ફ્રેન્ચ ભાષાની અસરને કારણે કેવી બદલાઈ ગઈ એનો અભ્યાસ કરવો તે અત્યંત અઘરું કાર્ય છે; કેમ કે, પ્રાચીન અંગ્રેજીના જમાના કરતાં આ નવા યુગમાંનું જીવન વધારે ગતિશીલ બન્યું હતું અને એમાં બોલીભેદો અને બાહ્ય બોલીઓનું મિશ્રણ એટલી ગતિથી થયું હતું કે એનો વિશ્લેષણાત્મક અભ્યાસ કરવો મુશ્કેલ છે. બીજું કારણ એ પણ છે કે અભ્યાસ કરવા માટે લેખસામગ્રી ઉપર આધાર રાખવો પડે. એમ કરવામાં પણ કેટલીક મુશ્કેલીઓ છે. એમાંની એક તે એ જમાનાની લેખનપદ્ધતિમાં અંગ્રેજી જોડણી ઉચ્ચારાનુસારી હોવાથી એક જ શબ્દનાં એટલાં બધાં વિવિધ લેખસ્વરૂપો મળે છે કે તેનો તે વખતે ખરેખર ઉચ્ચાર કેવો હતો એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે; દા.ત., she શબ્દ. આધુનિક અંગ્રેજીનું આ સર્વનામ તે વખતના લેખનમાં she, sche, scho, scheo, che, shee, sheo, ssche, sse, sso ઇત્યાદિ પ્રકારે મળે છે. એક જ પ્રદેશમાંના લેખનમાં જ નહિ, પરંતુ એક જ લેખકના લેખનમાં પણ આવા ઘણાબધા ભેદો મળે છે. એમ હોવાથી ભાષાવિજ્ઞાનીને માટે ઉચ્ચારોની નિશ્ચિતતાની ખોજ નિષ્ફળ નીવડે છે.

લેખનની એ વિવિધતામાં બોલીભેદો સાથે લેખક કેટલો ભણેલો છે અથવા એની માતૃભાષા કઈ છે (ફ્રેન્ચ કે અંગ્રેજી) એ પણ ખોળવું પડે; દા.ત., ફ્રેન્ચમાં ‘ઊ’ એ દીર્ઘ સ્વરનું આલેખન ou જેવું હતું. ફ્રેન્ચભાષી લેખક અંગ્રેજી લખવા લાગ્યા ત્યારે hūs, fūr જેવા પ્રાચીન અંગ્રેજીના શબ્દો hous, bourની જેમ લખાયેલા જોવા મળે છે. જો લેખનની આ રૂઢિ ધ્યાનમાં ન આવે તો કોઈ એવું વિધાન કરે કે પ્રાચીન અંગ્રેજીના ūનું ધ્વનિપરિવર્તન ou થયું, તો એ વિધાન ભૂલભરેલું ગણાય. u, v, w, m, n જેવા અક્ષરો લખતી વખતે તત્કાલીન લહિયાઓ જે લેખણી વાપરતા તેની સહાયથી ઊભી લીટી દોરી શકતા, પરંતુ લીટીને વળાંક આપી શકતા ન હતા. એને લીધે એક એવી મુશ્કેલી આવી પડી કે u અને m એવા બે અક્ષરો નજીક આવે તો તે લખવા માટે પાંચ ઊભી લીટીઓ દોરતા. એ લીટી પરથી um લખ્યું છે કે mu લખ્યું છે એ જાણવું મુશ્કેલ હતું. આવો ગોટાળો નિવારવા તે જમાનામાં એક નવી રૂઢિ આવી તે એ કે એવા લેખનપ્રકારમાં uના બદલે ૦ (શૂન્યદર્શક) દર્શાવવામાં આવ્યો એટલે cumen (આવવું) જેવો શબ્દ comen એવી રીતે લખવામાં આવ્યો. આ કેવળ લેખનભેદ છે, ઉચ્ચારણભેદ નથી એ ધ્યાનમાં રાખવું ઘટે.

ફ્રેન્ચભાષી લહિયાઓના કારણે મધ્યકાલીન અંગ્રેજીના લેખનમાં પ્રાચીન જેવા અક્ષરો લુપ્ત થઈને k, q, v, w, z, ૩ જેવા નવા અક્ષરો દાખલ થયા અને th, sh, ch, ss વગેરે નવા સંયુક્ત વ્યંજનો પણ આવ્યા. આ નવા અક્ષરોની સહાયથી જ્યાં ઉચ્ચારભેદનું આલેખન શક્ય ન હતું ત્યાં તે શક્ય બન્યું; દા.ત., wif(સ્ત્રી)નું પ્ર.બ.વ.નું રૂપ પ્રાચીન અંગ્રેજીમાં wifu લખાતું, પરંતુ બે સ્વરોની વચમાં આવતા f નો ઉચ્ચાર v જેવો સાંભળવામાં આવતો હોવાથી ફ્રેન્ચભાષી લહિયાઓએ પોતાની માતૃભાષામાં f અને v જુદા જુદા ધ્વનિઓ હોવાથી, અંગ્રેજીમાં પણ જુદા જ લખવાની પ્રથા શરૂ કરેલી. આજે પણ wife શબ્દનું બ.વ. wives લખાય છે. અંગ્રેજી લિપિનો આ દૃષ્ટિકોણથી અભ્યાસ કરીએ તો તેની જોડણી કેવી અનિયમિત બની એના ઇતિહાસનો ખ્યાલ આવશે. અંગ્રેજી જોડણીપદ્ધતિએ એ ભાષાનું સ્થાપત્ય ટકાવી રાખ્યું છે એ વિશે શંકા નથી, એટલે જ એની જોડણી અધિક શાસ્ત્રીય, એટલે કે ઉચ્ચારાનુસારી કરવાના અત્યાર સુધીના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે.

મધ્યકાલીન અંગ્રેજીની ધ્વનિવ્યવસ્થા તપાસવાથી ખ્યાલ આવશે કે વ્યંજનોની બાબતમાં એકાદબે સામાન્ય વિગતો બાદ કરતાં બાકીની વ્યવસ્થા લગભગ પ્રાચીન અંગ્રેજીના જેવી ટકી રહી છે. સંઘર્ષી f અને v એ બે જુદા ધ્વનિઘટકો દાખલ થયા (દા.ત., fat = જાડો, vat = કબાટ; fer = દૂર અને ver = વસંતઋતુ). અનાઘાતી અવયવોના અંતમાં આવનાર s પૂર્વે જો સ્વર હોય તો તે s ઘોષ બને છે. દા.ત., his, was. પછી થોડા જ સમયમાં s અને z તેમજ ∫ (sh) અને ∂ એવાં અઘોષ અને ઘોષ જોડકાં ભાષામાં નિર્માણ થયાં. જે થોડાં સૂક્ષ્મ ધ્વનિપરિવર્તનો થયાં તેમાં નીચે આપેલાં પરિવર્તનો મહત્વનાં હતાં :

1. (1) ln/nl > ll, દા.ત., elne > elle enleven > elleven
(2) fm > mm, દા.ત., leofman > lemman
(3) n > m (fની પૂર્વે), દા.ત., confort > comfort
2. વર્ણવિપર્યય :
દા.ત., brid > bird
forst > frost
hros > hors
3. લોપ :
(1) પૃષ્ઠ સ્વરો પૂર્વે આવતા wનો…
twā > to
(2) c પૂર્વેના અથવા પછીના lનો…
mycel > muche
swylc > suche
(3) m પછીના bનો (નૉર્દન બોલીમાં)…
lamb > lam
(4) વ્યંજન પૂર્વેના vનો…
heved > hēd
lavdie > lādi
(5) stની પૂર્વે અને s-mના વચમાં આવનાર tનો…
latost > laste
blōstma > blōsma
(6) s પૂર્વેના dનો…
godspel > gospel
(7) સમાસમાં પહેલા પદના અંતે આવનાર  નો…
wur schipe > wurscipe
(8) સ્વરોના વચમાં આવનાર  અથવા  નો…
hean > hēn (‘hence’)
sian >  (since)
(9) અનાઘાત અવયવોની છેવટે આવનાર chનો…
ich > i
liche >  ly
(10) l, n, r ની પૂર્વે આવનાર hનો…
hlēapan > lēpen
hnǣgan > neien
hring > ring
4. વર્ણવૃદ્ધિ :
(1) m – l અને m – r એમાં bની…
ȳMel > imble
slumerian > slumbren
(2) m – n અને m – t એમાં pની…
nemnan > nempnen
ǣmting > empty
(3) l – r, n – r અને ns એમાં dની…
uno’r > under
jaunisse > jaundice
(4) s – n ની વચમાં tની…
hlysnan > listnen

આ પ્રકારનાં ઘણાં વ્યંજનપરિવર્તનો મધ્યકાલીન અંગ્રેજીમાં થયાં છે. છતાંય સ્વરો કરતાં વ્યંજનોમાં થયેલાં આવાં પરિવર્તનો વધારે ન હતાં. એટલે જ રાઇટ (Wright) જેવા વ્યાકરણકારે અંગ્રેજીની વ્યંજનવ્યવસ્થાને ઘડિયાળની ફ્રેમની અને સ્વરવ્યવસ્થાને એમાંના યંત્રસમૂહની ઉપમા આપી છે.

પ્રાચીન અંગ્રેજીની સ્વરવ્યવસ્થા મધ્યકાલીન સ્વરવ્યવસ્થામાં કેવી રીતે પરિવર્તન પામી એ જાણી લેવા નીચે આપેલી આકૃતિ સહાયરૂપ થશે.

આ આકૃતિમાંના જે દીર્ઘસ્વરો · ચિહનથી બતાવવામાં આવ્યા છે એ અચલ હતા અને o ચિહનથી બતાવવામાં આવ્યા છે તે ચલ હતા. આ ચલ દીર્ઘસ્વરોનું પરિવર્તન નીચે પ્રમાણે થયું.

આ પરિવર્તનોના કારણે મધ્ય અંગ્રેજીમાં નીચે પ્રમાણેની દીર્ઘસ્વરોની વ્યવસ્થા નિર્માણ થઈ :

હ્રસ્વ સ્વરોનાં પરિવર્તન સમજવા નીચેની આકૃતિ ઉપયોગી થશે. ઘન લીટીવાળી દીર્ઘ સ્વરોની આકૃતિ સ્થિર છે.

આ આકૃતિમાં · ચિહનથી બતાવવામાં આવેલા હ્રસ્વ સ્વર અચલ હતા અને o ચિહનથી બતાવવામાં આવેલા સ્વર ચલ હતા. આ ચલ સ્વરોનાં પરિવર્તનો નીચે પ્રમાણે  હતાં :

y > i, e (dynt > dint, dent)

æ > a, e (wæs > was, wes)

આ બધાં પરિવર્તનોથી ઉપસાવેલી અંગ્રેજીની સ્વરવ્યવસ્થા નીચે પ્રમાણે દર્શાવી શકાય :

સ્વરો પ્રમાણે અંગ્રેજીના સંધ્યક્ષરો (diphthongs) પણ મહત્વનાં પરિવર્તનો થઈને પ્રાચીન અંગ્રેજીના બધા સંધ્યક્ષરો મધ્યયુગીન અંગ્રેજીમાં એકાકી સ્વરો બન્યા; દા.ત.

પ્રા.અં.         મ.અં.          ઉદાહરણો

ea             a/e            seah > sah/seh

ea             e               heafodi > hed

eQ             e               eorpe > erpe

eo             e               peot > pet

ie              I               ૩iefan > ૩iven

ie              e               dierling > derling

અંગ્રેજીના ભાષાવૈજ્ઞાનિક અભ્યાસમાં આ પરિવર્તનપ્રક્રિયાને ‘એકસ્વરીભવન’ (monophthongization) એવું નામ આપવામાં આવ્યું છે. આનો અર્થ એવો નથી કે મધ્યયુગીન અંગ્રેજીમાં સંધ્યક્ષરો ન હતા. પ્રાચીન અંગ્રેજીમાંથી આવેલા સંધ્યક્ષરો નષ્ટ થયા છતાં પણ મધ્યયુગીન અંગ્રેજીમાં નવા સંધ્યક્ષરો નિર્માણ થયેલા. આ નવા સંધ્યક્ષરોની નિર્મિતિ પાછળ નીચેનાં પરિબળો કારણભૂત હતાં :

(1) અગ્ર સ્વર અને એના પછી તરત આવનાર કંઠ્ય ઘર્ષક 3 ધ્વનિની વચમાં iની સ્વરવૃદ્ધિ (આની સાથે 3નો લોપ).

૩ӕ૩de > saide

le૩de > leide

(2) પૃષ્ઠ સ્વર અને પછી તરત આવનાર ૩ ધ્વનિની વચ્ચે uની સ્વરવૃદ્ધિ (આની સાથે ૩નો લોપ)…

bora > bou(w)e

(૩) અગ્ર અથવા પૃષ્ઠ સ્વર અને તેમની પછી આવનાર hની વચમાં i/uની સ્વરવૃદ્ધિ…

eahta > ehta > eihta

lӕhte > lahte > lauhte

(4) સ્વર પછી આવનાર અર્ધસ્વર wનું સ્વરીભવન…

cnāwan > knōue

clawu > claue

આમ થવા પાછળનું એક મહત્વનું કારણ એ હતું કે એ નૉર્સ અને ફ્રેન્ચ ભાષામાંથી જે શબ્દો મધ્ય અંગ્રેજીમાં દાખલ થયા તેમાં ઘણા સંધ્યક્ષરો હતા; દા.ત., feith, joie, chaumbre, swen ઇત્યાદિ. આ બધાં કારણો ધ્યાનમાં લેતાં મધ્યયુગીન અંગ્રેજીની જે સ્વરવ્યવસ્થા આકાર પામી તેમાં નીચેના સંધ્યક્ષરો મળે છે :

ei; eu; ai; au; oi; ou

કેટલીક વિશિષ્ટ બોલીઓમાં આનાથી વધારે સંધ્યક્ષરો પણ મળી આવે છે.

ઉપર આપેલાં પરિવર્તનો ઉપરાંત બીજું એક મહત્વનું પરિવર્તન મધ્ય અંગ્રેજીની સ્વરવ્યવસ્થામાં આકાર પામ્યું  હતું. એ પરિવર્તન સ્વરોના હ્રસ્વ-દીર્ઘત્વની બાબતમાં હતું. પ્રાચીન અંગ્રેજીના લેખક ઍલ્ફ્રિક(Aelfric, c. 955 – c. 1૦2૦)ના લેખનમાં એક નિયમ સ્પષ્ટપણે પળાતો જોઈ શકાય છે, તે એ કે કોઈ પણ વ્યંજનયુગ્મ પહેલાં જો એ યુગ્મમાંનો પહેલો વ્યંજન l, r અથવા અનુનાસિક હોય તો જે સ્વર આવે તેની ઉપર એક લીટી દોરેલી હોય છે. તેનો અર્થ એ થયો કે એ સ્વર દીર્ઘ છે. દા.ત., e´ntas, bi´ndun, ૩ela´mp ઇત્યાદિ. લેખક ઑર્મ(Ormfl. c. 12૦૦)ના લેખનમાં પણ એ જ નિયમ જોવા મળે છે. બંને વચ્ચે તફાવત એટલો કે ઍલ્ફ્રિકની જેમ ઑર્મ સ્વરો ઉપર ઊભી લીટી દોરતો નથી. એના બદલે જે સ્વરો હ્રસ્વ છે તેમની પછી આવનાર વ્યંજનનું એ દીર્ઘત્વ કરે છે; દા.ત.,

 bindenn (i દીર્ઘ, e હ્રસ્વ)

hellrenn (બંને e હ્રસ્વ)

સ્વરોનું આ સંદર્ભનિયત દીર્ઘીભવન મધ્યકાલીન અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ ચૉસર(134૦-14૦૦)ના જમાના સુધી ચાલુ રહ્યું. ચૉસરમાં આ દીર્ઘીભવન નીચે પ્રમાણે મળી આવે છે :

(1) -ld પૂર્વનો સ્વર : child, feeld

(2) -mb પૂર્વેનો y અને o : clȳmben, lōmb

(3) nd પૂર્વેનો y અને u : bȳnden, bounden

(4) બીજા કેટલાક પ્રકારો : soong, woord

આધુનિક અંગ્રેજી લેખનમાં દીર્ઘીભવનના આ પ્રકારો હજીય ટકી રહ્યા છે : mourn, young, learn, earl ઇત્યાદિ.

સ્વરોના દીર્ઘીભવનનો બીજો એક પ્રકાર મધ્ય અંગ્રેજીમાં મળી આવે છે. 12૦૦થી 15૦૦ના અરસામાં બે અવયવોવાળા શબ્દમાં જે અવયવ ઉપર વિવૃત આઘાત હોય, તેમાંના e, a અને o સ્વરો દીર્ઘ થયા.

પ્રા. અં.          મ. અં.

faram            fāram

beren            bēren

hopu             hōpe

આ જ સંદર્ભમાં i અને u સ્વરો સ્વરશ્રેણીના નીચેના સ્થાને ઊતરીને અનુક્રમે ē અને ōમાં પરિવર્તન થયેલા મળી આવે છે.

પ્રા. અં.         મ. અં.

bital             bētel

duru            dōre

wude           wōde

સ્વરોના દીર્ઘીભવન જેવો તેમના હ્રસ્વીભવનનો પ્રકાર પણ મધ્યઅંગ્રેજીમાં મળી આવે છે. જે વ્યંજનયુગ્મોના કારણે દીર્ઘીભવન થયું તેમની પૂર્વે આવનાર દીર્ઘસ્વરોનું હ્રસ્વીભવન થયેલું જણાય છે.

વિશેષત: -ht, -hsની પૂર્વે અને r પૂર્વે દ્વિત્વ પામેલા વ્યંજન પહેલાં આવતા દીર્ઘ સ્વરોની બાબતે આ હ્રસ્વીકરણ સ્પષ્ટ હોય છે; દા.ત.,

lēoht> leoht               sōfte > soft

nǣdde > nӕddre         lǣdde > lӕd

-se અને -st વ્યંજનયુગ્મો પહેલાં આવતા દીર્ઘ સ્વરોનું હ્રસ્વીકરણ એ વ્યંજનો એ અવયવમાં જ આવેલ હોય તો થયું; દા.ત.,

wūse > wish

આધુનિક અંગ્રેજીના christ અને christmas શબ્દોમાં આવતા એક જ શબ્દના [i]નો ઉચ્ચાર [ai] અને [i] થવા પાછળનું કારણ આ નિયમથી સમજાવી શકાય. પ્રાચીન અંગ્રેજીમાંનો  શબ્દ મધ્ય અંગ્રેજીમાં ઉપર આપેલા નિયમ પ્રમાણે બન્યો. આવું પરિવર્તન બીજા શબ્દોમાં પણ મળી આવે છે. એના કરતાં જુદું એવું એક રૂપ પ્રાચીન અંગ્રેજીમાં પણ મળી આવે છે, જેના અવયવો Cri-stes હતા. મધ્ય અંગ્રેજીમાં પણ એ ટકી રહે છે. એ પછીના યુગમાં નું Chr[ai]st થયું.

મધ્ય અંગ્રેજીની ધ્વનિવ્યવસ્થામાંનાં આ બધાં પરિવર્તનોને લીધે તેની વ્યાકરણવ્યવસ્થા પ્રાચીન અંગ્રેજીની વ્યવસ્થાથી સાવ બદલાઈ ગઈ. પ્રાચીન અંગ્રેજીની વ્યાકરણવ્યવસ્થાનો મુખ્ય આધાર એની નિયમબદ્ધ પ્રત્યયપદ્ધતિ ઉપર હતો. મધ્યઅંગ્રેજીમાં એ પ્રત્યયપદ્ધતિ વિન્યસ્ત થઈને સુગમ બની ગઈ. આ કાર્યમાં બોલીઓની વિભિન્નતા જેટલી ઉપયોગી નીવડી તેટલી જ અંગ્રેજી કરતાં જુદી ભાષિક વ્યવસ્થામાંથી ઊપસી આવેલી ફ્રેન્ચ ભાષા નીવડી. જર્માનિક ભાષાવ્યવસ્થામાં શબ્દોના પહેલા અવયવો ઉપર સ્વરભાર હતો; ફ્રેન્ચમાં તેમ ન હતું. એ સિવાય જર્માનિક વ્યંજનયુગ્મો અને ફ્રેન્ચમાંનાં વ્યંજનયુગ્મોની વ્યવસ્થા પણ ઘણી અલગ હતી. એમનું સંમિશ્રણ અંગ્રેજીમાં થવાથી મધ્યઅંગ્રેજીની પ્રત્યયવ્યવસ્થા બદલાઈ ગઈ. આ પરિવર્તન મધ્ય અંગ્રેજીમાંનાં વિશેષણોની બાબતે વધારે સ્પષ્ટ દેખાય છે; એ પછી નામોની પ્રત્યયવ્યવસ્થામાં અને તેની પછી સર્વનામોની બાબતે પણ આ પરિવર્તનો જોવા મળે છે.

પ્રાચીન અંગ્રેજીમાં વિશેષણોનું રૂપ નામાનુસારી એટલે કે નામોનાં લિંગ, વચન અને વિભક્તિ પ્રમાણે બદલાતું હતું. ઑર્મના સાહિત્યમાં એકાવયવી વિશેષણોને એકવચનમાં કોઈ પણ પ્રત્યય લાગેલો દેખાતો નથી. બહુવચનમાં બધી વિભક્તિ માટે -e પ્રત્યય દેખાય છે. જે વિશેષણોના અંતમાં -e અથવા -u હતો તેમને સર્વત્ર -e પ્રત્યય લગાડવામાં આવ્યો. વિશેષણોની વ્યવસ્થામાં થયેલા આ પરિવર્તનથી વિશેષણોનું કાર્ય કેવળ નામોના ગુણ બતાવવા પૂરતું જ રહ્યું અને બધે વાક્યરચના સાથે તેમનો જે સંબંધ હતો તે નિર્ગલિત થયો. પ્રાચીન અંગ્રેજીમાં વિશેષણો નામાનુસારી હોવાથી વિશેષણોનાં તૃતીયા વિભક્તિનાં રૂપો હતાં, જ્યારે નામનો ઉપયોગ સાધન અથવા માપના અર્થમાં થતો. ત્યારે તેની સાથે જનાર વિશેષણોને તૃતીયા વિભક્તિના પ્રત્યયો લાગતા. this, that જેવાં દર્શક સર્વનામોનો ઉપયોગ વિશેષણ જેવો થતો. આજની અંગ્રેજીમાં the more, the merrier જેવી વાક્યરચનામાં જે the છે તે અંગ્રેજીમાંનું ઉપપદ (article) નથી. તે વિશેષણ છે અને તે પણ પ્રાચીન અંગ્રેજીનું  તૃતીયા વિભક્તિવાળું. આજની અંગ્રેજીમાં મળી આવતાં આવાં વાક્યોને આજના અંગ્રેજી વ્યાકરણકારો સૂત્રાત્મક (aphoristic) વાક્યો એવું નામ આપે છે.

મધ્ય અંગ્રેજીમાં થયેલાં પરિવર્તનોને લીધે નામોની વ્યવસ્થા પણ બદલાઈ ગઈ, નામોમાંના લિંગભેદ નષ્ટ થયા, તેમના વર્ગ ઓછા થયા અને તેમની પ્રત્યયક્રિયા સાદી થઈ. આગળ આપેલા ઉદાહરણમાં આ પરિવર્તન સ્પષ્ટ દેખાય છે.

પ્રા. અં.

earm

મ. અં.

arm

એ.વ. બ.વ. એ.વ. બ.વ.
પ્ર./દ્વિ. earm earmas arm armes
ચ. earme earmum arm(e) armes
ષ. earmes earma arm(es) armes

આ ઉદાહરણમાં બીજા પ્રત્યયો નષ્ટ થઈને -es એ એક જ પ્રત્યયનો વિસ્તાર સર્વત્ર બનેલો જોવા મળે છે. એક જ પ્રત્યય રહી જતાં વિભક્તિમાંના તફાવતને સમજવાની જવાબદારી હવે in, at, to, by જેવાં પૂર્વપદો પર આવી છે. આ પૂર્વપદોનું મહત્વ એ અંગ્રેજી વાક્યરચનાની એક ખાસિયત તે વખતથી થઈ ગઈ.

ઉપર આપેલાં વિશેષણો અને નામોની વ્યવસ્થાઓમાં થયેલાં પરિવર્તનોના પ્રમાણમાં સર્વનામોની વ્યવસ્થામાં ઘણાં ઓછાં પરિવર્તન થયાં છે. એનું કારણ એ કે સર્વનામો એકાવયવી અને નામસ્વરૂપનાં હોય છે એટલે પ્રત્યયોની કાટછાંટ એમને સ્પર્શતી ન હતી. બીજું કારણ એ છે કે સર્વનામોની વ્યવસ્થા એ જે તે ભાષામાંની આંતરિક વ્યવસ્થા હોય છે. તેમાં વધઘટ પણ ઓછીવત્તી હોય છે. સામાન્ય ઉચ્ચારભેદનાં પરિવર્તનોને બાકાત રાખીએ તો પ્રાચીન અંગ્રેજીમાંનાં દ્વિવચનો મધ્ય અંગ્રેજીમાં નષ્ટ થયેલાં જોવા મળશે. પ્રાચીન અંગ્રેજીમાં ‘તે’ (સ્ત્રીલિંગ)નું સર્વનામ hēo હતું. મધ્યઅંગ્રેજીમાં પશ્ચિમ અને દક્ષિણ મિડલૅન્ડમાં એનો વપરાશ વધારે હતો. પરંતુ ઇતરપ્રદેશોમાં she, sche શબ્દો નૉર્સ ભાષાના સંસર્ગના કારણે પ્રચારમાં આવ્યા. 115૦ પછી heo ભાષામાંથી નષ્ટ થયું. તૃતીય પુરુષ બ. વ. સર્વનામની બાબતે પણ આમ જ થયું. પ્રાચીન અંગ્રેજીમાં hē અને hīe તૃ.પુ.એ.વ. અને બ.વ.નાં સર્વનામ હતાં એમાં ધ્વનિપરિવર્તનને કારણે ઉચ્ચારભેદ ઓછો થયો અને પરિણામે ગોટાળો થવા લાગ્યો. એ પરિસ્થિતિમાં ઉત્તરમાં પ્રચારમાં આવેલું (નૉર્સમાંથી)  જગ્યાએ વપરાવા લાગેલું. અને થોડા જ વખતમાં એ સર્વત્ર બની ગયેલું.

ક્રિયાપદોની બાબતે મધ્ય અંગ્રેજીમાં થયેલાં પરિવર્તનો બહુ ગૂંચવણવાળાં છે. એકંદરે એમની પ્રત્યયવ્યવસ્થા ઘણી ઢીલી થયેલી જોવા મળે છે. પ્રાચીન અંગ્રેજીમાં નિયમિત ક્રિયાપદના ત્રણ ગણ હતા. આ ગણો ક્રિયાપદોનાં ભૂતકાળનાં રૂપો ઉપરથી વ્યાકરણકારોએ નક્કી કર્યા હતા. મધ્ય અંગ્રેજીમાં એ વ્યવસ્થામાં બે જ રૂપો રહ્યાં; એક -de પ્રત્યયવાળાં અને બીજાં -ede પ્રત્યયવાળાં. દા.ત., dēmeનું ભૂતકાળમાં રૂપ dēmde અને luvનું ભૂતકાળનું રૂપ luvede થતું. મધ્યઅંગ્રેજીના ઉત્તરાર્ધમાં luvede જેવાં ક્રિયાપદોના અંતે આવનાર -e અનુચ્ચારિત બની જવાથી જે રૂપો રહ્યાં તે dēmde; luved. એમાં પરસ્પર સાર્દશ્ય પરિવર્તનના લીધે dēmdeનું dēmed અને luvedનું luvde એવા પ્રયોગો દાખલ થયા.

અનિયમિત ક્રિયાપદોની બાબતે તેમનાં રૂપોમાંની સ્વરશ્રેણીમાં મધ્ય અંગ્રેજીનાં ધ્વનિપરિવર્તનોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. દા.ત., rīden એ પ્રાચીન અંગ્રેજીનાં ભૂતકાળ અને બીજાં રૂપો નીચે પ્રમાણે હતાં :

 rōd ridon

એની જગ્યાએ મધ્ય અંગ્રેજીમાંનાં રૂપો નીચે પ્રમાણે થયાં :

                         rōd ridon

અનિયમિત ક્રિયાપદોના સાત ગણોમાં એવાં પરિવર્તન થવાથી બધી ક્રિયાપદવ્યવસ્થા પણ ઘણી બદલાઈ ગઈ.

મધ્ય અંગ્રેજીની શબ્દવ્યવસ્થા પણ પ્રાચીન અંગ્રેજીના સંદર્ભે ઘણી બદલાઈ ગઈ. પ્રાચીન અંગ્રેજીની ઉપસર્ગ અથવા અનુસર્ગ લગાડીને નવા શબ્દો બનાવવાની પ્રક્રિયા મધ્ય અંગ્રેજીમાં ટકી રહી. છતાંય પ્રાચીન અંગ્રેજીમાંની નવો સમાસ બનાવવાની પ્રક્રિયા ઘણી ઘટી ગયેલી જોવા મળે છે. એનું કારણ એ કે લૅટિન અને ફ્રેંચમાંથી નવા શબ્દો મધ્ય અંગ્રેજીમાં આવતા હતા એટલે એમને નવા શબ્દો બનાવવાની જરૂરિયાત રહી ન હતી. ફ્રેન્ચ સંસ્કૃતિ તત્કાલીન આંગ્લ સંસ્કૃતિ કરતાં અધિક સમૃદ્ધ હતી અને લૅટિન તો તે વખતના ધર્મ, શિક્ષણ, ન્યાય વગેરેમાં ઘણી  રૂઢ થઈ ગયેલી હતી. એટલે આ બંને ભાષાઓનો પ્રભાવ અંગ્રેજી પર પડે એમાં કંઈ નવાઈ ન હતી. મધ્ય અંગ્રેજીમાં મૂળ પ્રાચીન અંગ્રેજીના કેટલા શબ્દો ટકી રહ્યા અને લૅટિન તથા ફ્રેન્ચમાંથી કેટલા શબ્દો નવા આવ્યા એનો કોઈએ અંદાજ કાઢ્યો નથી. તેમ છતાંયે ચૉસર જેવા તે વખતના શ્રેષ્ઠ સાહિત્યસર્જકના લેખનમાં લૅટિન અને ફ્રેન્ચમાંથી ઊતરેલા શબ્દો જોતાં આવા શબ્દોનું પ્રમાણ 6૦-7૦ ટકાથી પણ વધારે હોય એવું લાગે છે.

ઈ. સ.ના  છઠ્ઠા અને  સાતમા સૈકાથી ઇંગ્લૅન્ડમાં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર થવા લાગ્યો ત્યારથી લૅટિન શબ્દો અંગ્રેજીમાં આવવા લાગેલા. God, heaven, hell, sin, pope, bishop, mass, nun જેવા ઘણા શબ્દો અંગ્રેજીમાં આવ્યા. rood જેવો શબ્દ પ્રાચીન અંગ્રેજીમાં હોવા છતાં પણ cross જેવા લૅટિન શબ્દનો સ્વીકાર થયો. ખ્રિસ્તી ધર્મનો પ્રસાર થતાં અગાઉ બ્રિટનના પુરાતન લોકોમાં એસ્ત્રા (Estra) નામક દેવતાનો ઉત્સવ ઊજવાતો હતો. એ ઉત્સવ વસંતઋતુમાં આવતો. એ જ ઋતુમાં ખ્રિસ્તી ધર્મનો પણ એક ઉત્સવ થતો. એ બંને ઉત્સવો સાથે ઊજવાતા હોવાના કારણે આગળ જતાં ખ્રિસ્તી ધર્મના ઉત્સવને ઈસ્ટર (Easter) નામ મળ્યું. બાઇબલના વાચનમાંથી lion, camel જેવા શબ્દો લોકપ્રિય બન્યા. વ્યાપાર-વ્યવહારમાંથી pepper, orange, ginger જેવા શબ્દો આવ્યા. ઇંગ્લૅન્ડ ઉપર ફ્રાન્સનું શાસન આવવાથી ઘણા લૅટિન શબ્દો મધ્યઅંગ્રેજીમાં આવ્યા. દા.ત., court, council, robber, justice, rent જેવા કાયદાના શબ્દો; tower, peace, treason, war જેવા સૈન્યવ્યવસ્થાના શબ્દો; devotion, pity, conscience, purity જેવા ધર્મવિષયક શબ્દો – એમ ઘણા શબ્દોથી મધ્ય અંગ્રેજી સમૃદ્ધ થઈ. બારમી સદીથી શરૂ થયેલા ધર્મયુદ્ધથી ઇંગ્લૅન્ડનો મધ્યપૂર્વના દેશો સાથે સંબંધ સ્થપાયો અને એ યુદ્ધમાં લડવા ગયેલા ઇંગ્લૅન્ડના વીરો ઘણા નવા શબ્દો લઈ આવ્યા, જેમાં zero, algebra, alembic, alcohol જેવા અરબી શબ્દોનું પ્રમાણ વધારે હતું.

ફ્રેન્ચ સંસ્કૃતિનાં ઘણાં જુદાં જુદાં અંગોનો પ્રભાવ પણ અંગ્રેજી સંસ્કૃતિ પર પડ્યો. સામાન્ય રસોડાથી માંડીને  લશ્કર અને કાયદા સુધીનાં બધાં ક્ષેત્રોમાં ફ્રેન્ચ શબ્દો દાખલ થયા. table, soup, lamp, market જેવા શબ્દો, ઉપરાંત miracle, procession, forest જેવા આજે અંગ્રેજી લાગતા શબ્દો મૂળે તો ફ્રેન્ચ હતા. 12૦4થી નૉર્મંડી જેવા પ્રદેશો ઉપરની ઇંગ્લૅન્ડના રાજાઓની સત્તા ખલાસ થઈ. 1382થી ઇંગ્લૅન્ડની શાળાઓમાં અંગ્રેજીનું ભણતર શરૂ થયું. 1362માં કાયદાની ભાષા તરીકે અંગ્રેજીને માન્યતા મળી અને 1382માં વિક્લિફના બાઇબલના રૂપાંતરથી દેવળોમાં પણ અંગ્રેજી ભાષાનો પ્રવેશ થયો. આ વિગતોથી ફ્રેન્ચ ભાષાનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ધીમે ધીમે ઓછું થવા માંડ્યું. છતાંયે પૅરિસ ઉચ્ચ વિદ્યાપ્રાપ્તિનું સ્થાન રહ્યું હોવાથી ઘણા વિદ્વાનો ત્યાં જઈ ફ્રેન્ચ ભાષા ભણતા હતા. પહેલાં નૉર્મન ભાષા દ્વારા ઊતરી આવેલા ફ્રેન્ચ શબ્દો અને હવે પૅરિસના ફ્રેન્ચમાંથી ઊતરી આવેલા ફ્રેન્ચ શબ્દો એમ એક જ અર્થના બે જુદા શબ્દો અંગ્રેજીમાં પ્રચલિત થયા. દા.ત., નૉર્મન ફ્રેન્ચમાંનો w અને પૅરિસના ફ્રેન્ચનો g. આજના warden અને guardian એ શબ્દો મૂલત: એક જ છે. એવી જ રીતે cattle અને chattle પણ મૂલત: એક જ છે.

અંગ્રેજી કાવ્યસાહિત્યમાં ઘણા ક્રાન્તિકારી વળાંક આવ્યા પણ અંગ્રેજી ગદ્ય પહેલેથી જ બહુ સરળ રીતે વહેતું આવ્યું છે. એમાં મહદંશે સાતત્ય પણ જળવાયું છે. અંગ્રેજી ભાષાના ઇતિહાસક્રમમાં તેથી વાક્યરચના (syntax) કેવી રીતે વિકાસ પામી એ વિગતનો અભ્યાસ હમણાં  હમણાં થવા લાગ્યો છે અને એ અભ્યાસ માટે જોઈએ તેટલી ઐતિહાસિક વિગતો પણ ઉપલબ્ધ છે. 1125માં લખેલા પોતાના એક ગ્રંથ(History of the Popes)માં વિલ્યમ ઑવ્ માલમ્સબરીએ (જે દક્ષિણ ઇંગ્લૅન્ડનો રહીશ હતો) એવી તકરાર કરી છે કે ડેનિશ અને નૉર્મન ભાષાઓએ અંગ્રેજી ભાષાની શુદ્ધતા બગાડી નાખી છે. અંગ્રેજી વિશેની એ પ્રથમ સૂઝ મહત્વની વિગત છે. 1387માં ટ્રેવિઝાએ શિક્ષણમાં ફ્રેન્ચની કાંઈ જરૂર નથી એવા ઉદગારો કાઢ્યા હતા. 1589માં પટનહૅમે લંડન અને તેની આસપાસના 6૦ માઈલના વિસ્તારના પ્રદેશની ભાષા સાહિત્યસર્જન માટે ઉત્તમ છે એવી સિફારસ કરી છે. આ બધાં વિધાનો પરથી જણાય છે કે ઇંગ્લૅન્ડના વિદ્વાનો પહેલેથી જ પોતાની ભાષા વિશે સજાગ હતા. મધ્યઅંગ્રેજીને ચૉસર, લૅગલૅન્ડ, વિક્લિફ, ગૉવર જેવા શ્રેષ્ઠ લેખકો પ્રાપ્ત થયા. એમનું સાહિત્ય ભાષાભ્યાસ માટે ઘણું ઉપયોગી છે પણ સાહિત્યભાષા કરતાં વ્યવહારની ભાષામાં જે લખાણ મળે છે તેનો ઉપયોગ વાક્યરચનાનાં ઘડતર અને ઇતિહાસના અભ્યાસ માટે વધારે મહત્વનો છે. ભાષાભ્યાસી વિદ્વાનોને અંગ્રેજીનું જે જૂનું વ્યવહારુ ગદ્ય મળી આવ્યું છે તેમાં નીચે પ્રમાણેની કડીઓ મહત્વની છે :

(1) અંક્રિમ રિઉલ (ધાર્મિક મઠોમાં રહેનાર સાધ્વીઓ માટેના નિયમો) 1175-12૦૦

(2) જ્યુલિઅન ઑવ્ નૉરિજના અનુભવો, 1343-1413

(3) માર્જરી કૅમ્પની ડાયરી, 1373-1438

(4) પેસ્ટન કુટુંબની વ્યક્તિઓનો પત્રવ્યવહાર, 1422-1509

(5) લિલ કુટુંબની વ્યક્તિઓનો પત્રવ્યવહાર, 1533-154૦

સાડાત્રણસો વર્ષમાં લખાયેલી આ વ્યાવહારિક ગદ્યરચનાઓની સહાયથી મધ્યઅંગ્રેજીની વાક્યરચનાની સૂક્ષ્મ વિગતોનો અભ્યાસ શક્ય બન્યો છે. દા.ત., પ્રાચીન અંગ્રેજીમાં કર્મણિ પ્રયોગનું વાક્ય (Hit) is answered ӕm cyninge મધ્યઅંગ્રેજીના આરંભના યુગમાં (lt) is answered the kinge એવું લખાયેલું જોવા મળે છે, પરંતુ આગળના યુગમાં જ જ્યારે kinge આ ચતુર્થી વિભક્તિ નામના અંતમાં આવતાં -eનો લોપ થયો ત્યારે તેના લીધે વાક્યરચનામાં ફેરફાર થઈને the king is answered જેવી વાક્યરચના ઘડાઈ. તેવી જ રીતે પ્રાચીન અંગ્રેજીમાં in, to ઇત્યાદિ ક્રિયાવિશેષણો હતાં અને વાક્યરચનામાં તેમનું સ્થાન અંતમાં હતું. દા.ત., He is the town in આવી પ્રાચીન અંગ્રેજીની વાક્યવ્યવસ્થા હતી. મધ્યઅંગ્રેજીમાંનાં નામોના પ્રત્યય લુપ્ત થયા ત્યારે આ ક્રિયાવિશેષણોને પૂર્વપદોની યોગ્યતા પ્રાપ્ત થઈ અને ક્રિયાપદ કરતાં નામોની સાથે તેમનું સાહચર્ય વધીને વાક્યરચના ઘડાઈ. એને પરિણામે He is in the town જેવી વાક્યરચના થઈ.

15૦૦ પછી ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં જે યુગપલટો આવ્યો એને ‘વિદ્યાપુનરુજ્જીવન’ (renaissance) એવું નામ આપવામાં આવે છે. યુરોપના ઇતિહાસમાં આ યુગમાં નવું જ્ઞાન, વિદ્યાનો પ્રસાર, રાષ્ટ્રવાદ ઇત્યાદિ વિભાવનાનો સાર્વત્રિક ઉદય થયેલો જોવા મળે છે; એને લીધે તે વખતની ભાષાએ પણ નવો વળાંક લીધો. 15૦૦ પછી જે અંગ્રેજી ઘડાઈ તેને નવી અંગ્રેજી (New English) જેવું નામ આપવામાં આવ્યું છે. આ યુગમાં યુરોપીય ભાષાઓને પલટાવી નાખનાર જે ઐતિહાસિક ઘટનાઓ બની તેમાં નીચેની મુખ્ય છે :

(1) તુર્કી લોકોએ 1453માં કૉન્સ્ટૅન્ટિનોપલ સર કર્યું ત્યારે ત્યાંના વિદ્વાનો ગ્રીક સાહિત્ય અને શાસ્ત્રના ગ્રંથો સાથે લઈને યુરોપ તરફ આવ્યા. તેમના આગમનથી યુરોપના લોકોમાં જ્ઞાન વિશે એક નવી જ સભાનતા આવી.

(2) યુરોપના દરિયાઈ સાહસ કરનારા લોકો એ જ અરસામાં દુનિયાના જુદા જુદા પ્રદેશોની શોધખોળ કરવા નીકળ્યા. તેમના પ્રયાસોને લીધે અવનવા માનવસમાજો, તેમની સંસ્કૃતિ અને ભાષાઓનો પરિચય યુરોપના લોકોને થવા લાગ્યો.

(૩) અત્યાર સુધી પુસ્તકો લખવાનું કામ હાથથી કરવું પડતું. કૅક્સ્ટને 1476માં છાપખાનું કાઢ્યા પછી લેખનકળાનો વ્યાપક પ્રસાર થયો અને ગ્રંથો મેળવવાનું કામ હાથવગું બન્યું. એટલું જ નહિ, પણ એને કારણે અંગ્રેજી જોડણી નિશ્ચિત કરવામાં પણ સારી એવી મદદ મળી.

15૦૦થી 17૦૦ સુધીના અરસાને ‘નવા અંગ્રેજી’ની પ્રથમ અવસ્થાનો યુગ માનવામાં આવે છે અને તે પછીના યુગને દ્વિતીય અવસ્થાનો યુગ માનવામાં આવે છે. પ્રાચીન અંગ્રેજીથી મધ્યઅંગ્રેજી અને નવી અંગ્રેજી સુધી અંગ્રેજીની જે બોલીઓ વિકસિત થઈને અત્યાર સુધી ટકી રહી છે, તેઓનો ક્રમ નીચે પ્રમાણે છે :

પ્રાચીન અંગ્રેજી મધ્યઅંગ્રેજી નવી અંગ્રેજી
1. અગલિઅન નૉરદમ્બ્રિયન નૉર્દર્ન સ્કૉટિશ
મરસિયન ઇસ્ટ મિડલૅડ સ્ટૅન્ડર્ડ ન્યૂ ઇંગ્લિશ
વેસ્ટ મિડલૅડ વેસ્ટર્ન બોલી
2. વેસ્ટ સૅક્સન સધર્ન અને વેસ્ટર્ન સાઉથ વેસ્ટર્ન બોલીઓ
3. કેંટિશ કેંટિશ સાઉથ ઈસ્ટર્ન બોલીઓ

પ્રથમ અવસ્થાના નવા અંગ્રેજીમાં એક બહુ મહત્વનું પરિવર્તન સ્વરવ્યવસ્થામાં આવ્યું. આઘાતયુક્ત દીર્ઘ સ્વરોમાં થયેલા આ પરિવર્તનને ‘સ્વરોનું મહત્પરિવર્તન’ (the great vowel shift) એવું નામ આપવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે હતું :

પ્રા. અં. મ. અં. નવી અંગ્રેજી
પૂર્વાર્ધ ઉત્તરાર્ધ ઉદાહરણ
i(ઈ) ∂i ai mine
ē ē (એ) teeth
ǣ(ઍ) (ઍ) ē clean
ū ū ∂u au cow
ō ō ū ū tooth
ā ō ou loaf

ઉપરનાં સમીકરણો, મધ્યઅંગ્રેજીથી નવી અંગ્રેજીના પૂર્વાર્ધ સુધી થયેલાં પરિવર્તનોના અભ્યાસ ઉપરથી જાણી શકાય કે સ્વરમાળામાંનો દરેક દીર્ઘ સ્વર પોતાના ઉપરની કક્ષાના સ્વરમાં પરિવર્તન પામ્યો છે અને સૌથી ઉચ્ચ કક્ષાના અને ū દીર્ઘસ્વરો અનુક્રમે સંયુક્તસ્વરો (diphthongs) બન્યા. આ પરિવર્તન બહુ જ સુયોગ્યપણે ઘડાયું હોવાથી ભાષાવિજ્ઞાનના અભ્યાસમાં એનું મહત્વનું સ્થાન છે.

હ્રસ્વ સ્વરોનું પરિવર્તન નીચે પ્રમાણે હતું :

1. અનાઘાત સ્વરો (હ્રસ્વ)

પ્રાચીન અં. મધ્યઅં. નવી અં. ઉદાહરણ
-a -∂ લોપ nama > name
-e -∂ લોપ ūre > our
-o- heofōnwm > heaven
-u- લોપ      ’’

૨. આઘાતી સ્વરો (હ્રસ્વ)

પ્રાચીન અં. મધ્યઅં. નવી અં. ઉદાહરણ
i i i willa > will
y y i gylt > guilt
u u us > us
e e ε sefonum > seven
-o o on > on
ӕ a ӕ ӕsce > ash
a a ӕ gehalgod > hullweel

નવી અંગ્રેજીની વ્યાકરણવ્યવસ્થા પણ મધ્યઅંગ્રેજી કરતાં કંઈક અંશોમાં પરિવર્તન પામી. શબ્દોના અંત્ય dનો લોપ થવાથી નામોના પ્રત્યયોમાં જે -es પ્રત્યય હતો તે અને નામોના અંત્યધ્વનિનો સંબંધ વધારે નિકટ બન્યો : દા.ત., dogs (z), roses(iz). સર્વનામોની વ્યવસ્થામાં ye પ્રથમા વિભક્તિનું રૂપ અને you દ્વિતીયા વિભક્તિનું રૂપ હતું. બાઇબલના અંગ્રેજી ભાષાંતરની ભાષામાં આ તફાવત જળવાઈ રહેલો જોવા મળે છે, પરંતુ શેક્સપિયરની ભાષામાં આ તફાવત જોવા મળતો નથી. દા.ત., I do beseech ye, if you bear me hard. મધ્યઅંગ્રેજીમાં selfના પ્રયોગો નામ પ્રમાણે થતા હતા, પરંતુ નવી અંગ્રેજીમાં તેનું આ સ્વતંત્ર સ્થાન નષ્ટ થઈને તે સર્વનામો સાથે જોડાઈ ગયું. આ પરિવર્તનમાં કેટલાંક ચતુર્થીનાં સર્વનામોની સાથે (દા.ત., himself, themselves) તો બીજાં કેટલાંક ષષ્ઠ્યંત સર્વનામો સાથે (દા.ત., myself, yourself) તેનો ઉપયોગ થવા લાગ્યો. મધ્ય અંગ્રેજીમાં આવાં સર્વનામોનાં બે રૂપો હતાં. નામોના આદિ વ્યંજન હોય તો નો પ્રયોગ કરવામાં આવે અને સ્વર હોય તો નો પ્રયોગ થતો. નવી અંગ્રેજીમાં આ બંને રૂપો અસ્તિત્વમાં રહ્યાં પરંતુ નામોના આદિ સ્થળે આવનાર સ્વરવ્યંજનો સાથે તેમનો સંબંધ ન રહેતાં તેમના અર્થમાં પરિવર્તન થયું : my book; a book of mine. ક્રિયાપદોમાં નિયમિત અને અનિયમિત એવા બે વર્ગ રહ્યા. પરંતુ અનિયમિત વર્ગોમાંનાં કેટલાંક ક્રિયાપદો (દા.ત., work, wrought) સાર્દશ્યપરિવર્તનના નિયમથી નિયમિત (દા.ત., work, worked) વર્ગમાં દાખલ થયાં. ક્રિયાપદોમાં એક નવા વર્ગનો ઉમેરો થયો અને તે સહાયકારી ક્રિયાપદોનો. દા.ત., be, can, shall, may ઇત્યાદિ. એમાં પણ be, have, do અને goનો એક વિશિષ્ટ ઉપવર્ગ બન્યો.

વાક્યરચનાની બાબતમાં મધ્યઅંગ્રેજીથી નવી અંગ્રેજી તરફ આવીશું તો બેત્રણ મહત્વનાં પરિવર્તનો જોવા મળે છે. મધ્યઅંગ્રેજીમાં ‘ઇંગ્લૅન્ડના રાજાની કન્યા’ એ અર્થનો ષષ્ઠીનો પ્રયોગ the King’s daughter of England એવો થતો હતો. નવી અંગ્રેજીમાં એક નવા ષષ્ઠીપ્રયોગનો ઉમેરો થયો, તેનું નામ ‘સમૂહષષ્ઠી’. દા.ત., the King of England’s daughter. સંબંધી સર્વનામ તરીકે whom, that અને ક્વચિત્ તે બંનેનો લોપ થવા લાગ્યો. દા.ત., This is the man whom I met. this is the man that I met. This is the man I met. સ્ટીલ (Steele) નામના અઢારમી સદીના એક નિબંધકારે એવા પ્રયોગો પર આકરી ટીકા કરી હતી. ‘Who અને whichની નમ્ર અરજ’ નામના ‘સ્પેક્ટેટર’માં પ્રગટ થયેલા નિબંધમાં એ સર્વનામો કહે છે : ‘‘that’’ સર્વનામે અમારા જેવી જૂની વ્યક્તિઓને અંગ્રેજી ભાષામાંથી કાઢી મૂકી છે.’ ઐતિહાસિક વિગત જુદી હતી. તે એ કે that સંબંધી સર્વનામ તો વાસ્તવમાં સૌથી પ્રાચીન હતું ! પ્રાચીન અને મધ્ય અંગ્રેજીમાં અ-પુરુષી વાક્યરચનાઓ હતી. દા.ત., methinks, melists, messems ઇત્યાદિ. આ રચનાઓ નષ્ટ થઈને તેમની જગ્યાએ નવી અંગ્રેજીમાં અ-પુરુષી it-યુક્ત નવી વાક્યરચના આવી. દા.ત., it seems to me, it appears…. ઇત્યાદિ.

નવી અંગ્રેજીનું અંતરંગ-ઉચ્ચાર, વ્યાકરણ અને વાક્યરચના એવી રીતે પરિવર્તન પામતાં હતાં તે જ વખતે તેના બાહ્યાંગમાં પણ ઘણું પરિવર્તન થયું હતું. એ પરિવર્તન તેના શબ્દભંડોળમાં થતું હતું. રાણી ઇલિઝાબેથના વખતથી ઇંગ્લૅન્ડનું રાજકીય મહત્વ વધીને બીજા ખંડમાંના ભારત, આફ્રિકા વગેરે પ્રદેશો પર પણ એની સત્તા પ્રસરવા લાગી. એ જ વખતે એની સંસ્કૃતિ, એના સાહિત્ય અને એના વિજ્ઞાનમાં પણ એક નવું જ જોમ આવેલું જોવા મળે છે. ગ્રીક અને લૅટિન જેવી વિદગ્ધ ભાષાઓથી એની શબ્દસંપત્તિ સમૃદ્ધ થવા લાગી. આવા નવા શબ્દોમાં atom, cycle, character, drama, chorus, epic, psychology, harmony જેવા ગ્રીક શબ્દો; miser, area, circus, specimen, focus, ego, genius જેવા લૅટિન શબ્દો અંગ્રેજીમાં આવ્યા છે. આ ભાષાઓમાંના ઉપસર્ગ અને અનુસર્ગ (દા.ત., dis, pre-, -ist, -er ઇત્યાદિ)ની સહાયથી નવા શબ્દો બનાવવાની જબરજસ્ત પ્રક્રિયા અંગ્રેજોએ અપનાવી. આ ભાષાઓ પછી ફ્રેન્ચની પણ ઘણી બધી અસર અંગ્રેજી પર પડી છે. 15૦૦ પછી અંગ્રેજી એ ફ્રેન્ચમાંથી લીધેલા machine, moustache, pilot, verse જેવા શબ્દો સોળમી સદીમાંના; bullet, tableau, muslin, group, champagne જેવા સત્તરમી સદીના; corps, depot, bureau, canteen, police જેવા અઢારમી સદીના; motif, restaurant, menu, chauffeur, fiancee, prestige જેવા ઓગણીસમી સદીના અને garrage, fuselage, camouflage જેવા વીસમી સદીના શબ્દો છે.

નૉર્સમાંથી અંગ્રેજીએ they, them, their આ સર્વનામો મધ્ય અંગ્રેજી કક્ષાએ અપનાવેલાં. તે પછી skin, root, snare, take, skill, ugly, bathe, loan, both, sky, weak ઇત્યાદિ. રોજબરોજના વપરાશમાં આવતા શબ્દો નૉર્સમાંથી લીધા છે.

ઇટાલિયનમાંથી stanza, volcano, studio, pilgrim; સ્પૅનિશમાંથી canniblal, potato, mosquito, siesta; પૉર્ટુગીઝમાંથી marmalade, buffalo, caste, pagoda, ayah; રશિયનમાંથી mammoth, robot, Bolshevik; સંસ્કૃતમાંથી nirvana, yoga, karma; હિન્દીમાંથી sahib, nabab, bungalow, bangle, shampoo; પર્શિયનમાંથી jasmin, shawl, check-mate; ચીનીમાંથી tea; જાપાનીમાંથી harakiri, geisha; મલાયનમાંથી bamboo, saga; હાઈટીમાંથી tattoo; ટોંગોનમાંથી taboo ઇત્યાદિ. આજે પણ અંગ્રેજીમાં ઘણા અવનવા શબ્દો રચાય છે. દા.ત., questionaire, apartheid, sputnik, inferiority complex, wishful thinking જેવા શબ્દો અને પ્રયોગો ચાલુ સદીના છેલ્લા તબક્કામાં અંગ્રેજીમાં સરલીકરણ અથવા તો રૂપાંતરિત થયેલા સ્વરૂપમાં પ્રવેશ્યા છે.

શબ્દોના આ આદાનપ્રદાનની સાથોસાથ અંગ્રેજીએ પોતાના નવા સામાસિક શબ્દો બનાવવાની શક્તિ પણ ટકાવી રાખી છે. છેલ્લે છેલ્લે અંગ્રેજીએ જે નવા સમાસો બનાવ્યા છે તેમાં double-decker, four-seater, hand-out, force-landing, walk-out જેવા શબ્દોનો સમાવેશ થાય છે. આ શબ્દોને સારી એવી સ્વીકૃતિ પણ મળી છે. smoke અને fogનો સમાવેશ કરી બનાવેલો smog અથવા breakfast અને lunchને સાથે ભેળવીને બનાવેલો શબ્દ brunch જાણીતા છે. આવા શબ્દોને સમાસ કહેવા કરતાં ‘મિશ્રશબ્દો’ આવું નામાભિધાન આપવું વધારે યોગ્ય છે. television ઉપરથી telly, pepper ઉપરથી pep (pep-talk), three dimensional (film) ઉપરથી three-D જેવા ‘શબ્દસંકોચ’ પણ એ ભાષામાં એક નવી વિગત છે. baby-sit કે automate જેવી પાર્શ્વિક નિર્મિતિ (back-formations) પણ ક્વચિત્ મળી આવે છે. BBC, VIP, UNO ઇત્યાદિ આદ્યાક્ષરી શબ્દો આ યુગનું એક પ્રયોગ-નાવીન્ય મનાય છે.

આજની અંગ્રેજીમાં ધ્વનિપરિવર્તનની પ્રક્રિયા ચાલુ છે એ આજના સૂક્ષ્મ શ્રુતિપ્રયોગ દ્વારા ધ્વનિશાસ્ત્રીઓએ પ્રગટ કર્યું છે. આયડા વૉર્ડ (Ida Ward) નામની વિદુષીએ A, u મધ્યવર્તી સ્વર δની નજીક ખસી રહ્યા હોવાનું પ્રતિપાદન કર્યું છે. એમણે એવું તારણ yes અથવા good જેવા શબ્દોના આજના ઉચ્ચારણ ઉપરથી કાઢ્યું જણાય છે. f (ફ), s (સ) અથવા θ (ટ્થઝ્) વ્યંજનો પૂર્વે આવે તો : દીર્ઘ સ્વરનો ઉચ્ચાર આજના અંગ્રેજીમાં હ્રસ્વ થઈ ગયો છે. (દા.ત., soft, lost, often, horse, sauce, ઇ.) વળી આજની તરુણ પેઢીએ શરૂ કરેલું એક નવું ધ્વનિપરિવર્તન suit, resume, absolute, assume જેવા શબ્દોના u ઉચ્ચારમાં મળે છે. પહેલાં આ uનો ઉચ્ચાર ju: (યૂ) થતો હતો તે હવે u (ઊ) થવા લાગ્યો છે. system શબ્દના બીજા અવયવનો ઉચ્ચાર tim (-ટિમ) અથવા tm (-ટમ) બંને સંભળાય છે. father કે mother જેવા શબ્દોને લીધે સાદૃશ્યપરિવર્તનના નિયમથી the idea + of it, India + and China ઇત્યાદિ પ્રયોગોમાં + થી બતાવેલી જગ્યાએ r નો ઉદય થાય છે. સારૂપ્ય નિયમથી open જેવા શબ્દનો ઉચ્ચાર oupm, happenનો hӕpm, can’t નો ka:mp જેવો થયો છે. આવાં પરિવર્તનો પાછળનું મહત્વનું એક પરિબળ તે મહાયુદ્ધ. પછીના કાળમાં સમાજમાં નીચેના સ્તરના લોકોનું સ્થાન વધી ગયું હોવાનું ગણવામાં આવે છે. આ વર્ગના લોકોની સમાજમાંની ગતિશીલતા વધી ગઈ છે. મોટાં નગરો તરફ આવા લોકો વધારે આવવા લાગ્યા છે અને વિદ્યાલયોમાં પણ આવા વર્ગમાંથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણમાં સારી એવી વધી ગઈ છે. સમાજમાંનાં પ્રતિષ્ઠાપિત મૂલ્યો ઉપરનો જનતાનો વિશ્વાસ ઊઠી જવાથી પણ ભાષાની વ્યાકરણીય ઘટના ઢીલી થઈ ગઈ છે એવું કેટલાક માને છે. હેન્રી બ્રૅડલેના મતે આધુનિક અંગ્રેજીનું વ્યાકરણ પહેલાંની જેમ કરકસરિયું રહ્યું નથી. વિશેષણોના -તર અને -તમ ભાવ બતાવવા માટે એક અવયવવાળા શબ્દોને -er, -est આવા પ્રત્યો પહેલાંના અંગ્રેજીમાં લાગતા હતા અને વધારે અવયવોવાળા શબ્દો પહેલાં અનુક્રમે more અને most વપરાતા હતા. આજની અંગ્રેજીમાં આ નિયમનું ચોકસાઈથી પાલન થતું નથી. પહેલાં best-dressed એવો પ્રયોગ થતો હતો. તેની જગ્યાએ હવે most well-dressed બોલાય છે. commonest એ પ્રયોગ પણ પ્રચલિત બન્યો છે. આઇરિસ મરડૉકની એક નવલિકામાં one of the most good people that he knew જેવું વાક્ય મળે છે. પહેલાંના અંગ્રેજીમાં ’sનો ષષ્ઠીનો પ્રત્યય સજીવ પ્રાણીઓની બાબતે વપરાતો હતો અને ઇતરત્ર ofનો ઉપયોગ થતો હતો. આજની અંગ્રેજીમાં human nature’s diversity, game’s laws, criticism’s standards, biography’s charm ઇત્યાદિ પ્રયોગો ઘણા મળે છે. shall અને willના ઉપયોગમાં પહેલાંના જેવો તફાવત નષ્ટ થઈને આજના અંગ્રેજીમાં willનો ઉપયોગ સામાન્ય ભવિષ્ય માટે બહુ વધી ગયો છે. get અને want જેવાં નવાં સહાયકારી ક્રિયાપદો દાખલ થયાં છે. (દા.ત., he got hurt, suppose you want to go to the doctor.) પહેલાંનાં સહાયકારી ક્રિયાપદો બોલાતી અંગ્રેજીમાંથી લગભગ અદૃશ્ય થઈ ગયાં છે. (દા.ત., where you think you’re going ?, Like a cigarette ?, Have a drink !)

અંગ્રેજીમાં થયેલાં આ પરિવર્તનોમાં મહત્વનો ફાળો રેડિયો, ટેલિવિઝન અને સામયિકોનો છે. વિશેષત: એમાં આવતી જાહેરાતોનો મોટો ફાળો છે. સર્વસામાન્ય એવા શબ્દો અને રૂપોની નવી સજાવટ કરવા માટે એક જાતની સ્પર્ધા કરવી પડે છે. from A to B અને between A and B આવી રચનાઓનું એકીકરણ થઈને between 4૦ to 50 miles જેવી નવી રચના સામાન્ય થઈ ગઈ છે. દરરોજ નવા ઉન્મેષથી ખીલતી અંગ્રેજી ભાષાને જે નવી શક્તિ પ્રાપ્ત થાય છે, એ ઘણે અંશે અમેરિકન અંગ્રેજીમાંથી આવે છે. આજના વિશ્વમાં અમેરિકાના શ્રેષ્ઠ રાજકીય અને વ્યાપારી સ્થાનને કારણે આમ થયું છે એમાં શંકાને સ્થાન નથી. આજના અંગ્રેજીમાં પહેલાંના yesનો ઉપયોગ લુપ્ત થઈ yahનો પ્રયોગ વ્યાપક બની ગયો છે. અંગ્રેજીમાં ક્રિયાપદો પછી પૂર્વપદોનો ઉપયોગ પણ બહુ વધી ગયો છે તે પણ અમેરિકન અંગ્રેજીના કારણે જ. દા.ત., meet કે loose જેવાં ક્રિયાપદોને બદલે meet up with, loose out, build up, fall for ઇત્યાદિ કેટલાક નવા પ્રયોગો શરૂ થયા છે. કેટલેક અંશે સરખા સર્જાતા અંગ્રેજી અને અમેરિકન શબ્દોના ઉપયોગમાં પણ ભારે રસાકસી જોવા મળે છે. એમાં કયા શબ્દો ટકી રહેશે અને કયા નાશ પામશે એ કહેવું મુશ્કેલ છે : દા.ત., અંગ્રેજી wireless અને અમેરિકન radio, અંગ્રેજી film અને અમેરિકન movie, અંગ્રેજી (a) lift અને અમેરિકન elevator, અંગ્રેજી he is often seen there અને અમેરિકન he often is seen there. ઇત્યાદિ.

ભાષાનો ઘડાતો જતો ઇતિહાસ જે તે ભાષાની ધ્વનિવ્યવસ્થા અને વ્યાકરણવ્યવસ્થામાં વધારે અંશે દેખાય, પણ સાથોસાથ ભાષાનાં બીજાં, અંગોમાં પણ વધઘટ ચાલુ જ હોય છે. આવાં અંગોમાં એની અર્થવ્યવસ્થાનું સ્થાન વધારે મહત્વનું હોય છે. અર્થવ્યવસ્થામાં થનાર પરિવર્તનોથી ધ્વનિવ્યવસ્થા ઉપર અથવા વ્યાકરણવ્યવસ્થા ઉપર વધારે ટકે એવાં પરિણામો થતાં નથી, છતાંય સાહિત્યમાં અર્થવ્યવસ્થાનો અભ્યાસ વધારે મહત્વનો હોય છે. અંગ્રેજીના અનેક શબ્દોના મૂળભૂત અર્થ આજે નષ્ટ થવાથી સાહિત્યમાં એની અસર જોવા મળે છે. દા.ત., daisy આ ફૂલના નિર્દેશક શબ્દનો અર્થ હતો day’s eye; તેવી જ રીતે window શબ્દનો wind’s-eye; sillનો ‘ખાલી’, ladyનો ‘આટો વણનાર’ ઇત્યાદિ મૂળ અર્થ શબ્દકોશ જોયા વિના જાણી શકાય નહિ. chancellor શબ્દનો અર્થ cancer (કર્ક) ચિહન સાથે હતો એ એ શબ્દના ઇતિહાસ પરથી જ જાણી શકાય. રોમન સામ્રાજ્યના કાળમાં જકાત વસૂલ કરનાર કારકુન જ્યાં બેસતો તે ઓરડીની બારી ઉપર જે જાળી હતી તેમાં કર્કની આકૃતિ કોતરવામાં આવતી તે ઉપરથી ‘જકાત વસૂલ કરનાર કારકુન’ એ અર્થમાં આ શબ્દનો પ્રયોગ થતો હતો. સામાન્ય અર્થના આવા શબ્દો આજના સમાજની સંસ્કૃતિમાં ઉપરના સ્થાન પર ચઢી ગયા છે. એના કરતાં જુદું પણ જોવા મળે છે. toilet જેવો સુંદર શબ્દ આજે પદભ્રષ્ટ થયો છે. જૂના અંગ્રેજીમાં guy, boycott, copper, sherry જેવા શબ્દો મૂલત: વ્યક્તિઓનાં અથવા સ્થળોનાં વિશેષ નામ હતાં. આજે પણ diesel, kodak, primus જેવા શબ્દો આ પ્રકારે પ્રચારમાં આવ્યા છે. penનો મૂળ અર્થ કકડો (piece) અને cattleનો ‘માલમતા’ હતો. તેવી જ રીતે rivalનો મૂળ અર્થ ‘હેજ નદીનું પાણી લેનાર’ એવો થતો હતો. આવા અભ્યાસ ઉપરથી જે વખતે આ શબ્દો વપરાશમાં આવ્યા તે વખતની સંસ્કૃતિનો ખ્યાલ મળે તે દૃષ્ટિએ એ શબ્દોના અર્થનો ફાળો મહત્વનો હોય છે. આજના ઇંગ્લૅન્ડમાં પણ વ્યક્તિ સમાજના કયા સ્તરમાંથી આવે છે તે જાણવા તે વ્યક્તિએ પહેરેલાં કપડાં કે એના રુઆબ કરતાં એની ભાષા વધારે ઉપયોગી બની રહે છે. મોઢું ઉઘાડીને એ જ્યારે looking-glassના બદલામાં ‘mirror’ શબ્દ બોલે અથવા ‘writing-paper’ના બદલે ‘note paper’ બોલે એટલે તરત જ તે વ્યક્તિ non-u એટલે કે ઉપરના સ્તરની નથી એ જાણી શકાય છે.

ભાષા સદૈવ પરિવર્તન પામતી રહેતી હોય છે. જેમ બીજી સંસ્કૃતિઓના પરિચયમાં આવવાથી એનું પરિવર્તન થાય છે, એવી જ રીતે એની પોતાની બોલીઓની વિવિધતાથી પણ એનું પરિવર્તન થતું હોય છે. ભાષાના આ પરિવર્તનમાં એના સાહિત્યનો પણ ફાળો હોય છે. સાહિત્યસર્જક પોતાની કલ્પનાથી નવા શબ્દો અને પ્રયોગોની રચના કરતો હોય છે. એ દૃષ્ટિથી અંગ્રેજી તરફ જોઈશું તો એના પરિવર્તનમાં અને બંધારણમાં બે વિગતોએ બહુ મહત્વનું કામ કરેલું નજરે ચડશે. એક તો બાઇબલનું 1611માં થયેલું અંગ્રેજી ભાષાન્તર અને ત્યારપછી સાહિત્ય તરીકે થયેલો એનો વ્યાપક ઉપયોગ. સામાન્ય પ્રજા માટે બાઇબલ એ જ સાહિત્ય હોવાથી એના શબ્દો અને પ્રયોગોની અસર સામાન્ય માણસના મન ઉપર વધારે થઈ છે. બાઇબલની ભાષાની સ્વાભાવિકતા સમજાવવા માટે પ્રોફેસર ક્વિલર-કૂચ કહે છે કે બાઇબલનો લેખક ‘consider the growth of the plant’ એવું વાક્ય ન લખતાં ‘consider how the plant grows’ એવી સાદી રચના કરે છે. બાઇબલની ભાષાની આ પ્રકારની સાદાઈએ આજની અંગ્રેજી વાક્યરચનામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ભાષાના ઇતિહાસની દૃષ્ટિએ બાઇબલની ભાષાની સાદાઈના મૂળમાં પૌર્વાત્ય હીબ્રૂ ભાષાની સાદાઈ હતી. એટલું જ નહિ, પણ એમાં માનવકલ્પનાને અને ભાવનાને સરળતાથી સ્પર્શી જતા સાહિત્યગુણો હતા તે પૌર્વાત્ય જ હતા; દા.ત., બાઇબલમાં for lo, the winter is past, the rain is over and gone; the flowers appear on the earth, the time of the singing of birds is come, and the voice of the turtle is heard in our land.  આ અવતરણમાં કરેલું વર્ણન કેટલું સાદું છે તે તરત જ ધ્યાનમાં આવશે અને તે યુરોપની પ્રકૃતિનું નથી એ છેલ્લા વાક્ય ઉપરથી જાણી શકાશે. આ અવતરણમાંનો the rain is over and gone આ પ્રયોગ કવિ વર્ડ્ઝવર્થે પોતાના એક કાવ્યમાં (’Lines written in March’) કર્યો છે. એક આધુનિક નવલિકાનું નામ છે ‘the voice of the turtle’. આ ઉપરથી બાઇબલની ભાષાનો અંગ્રેજી સાહિત્યની ભાષા પર કેટલો પ્રભાવ પડ્યો છે તે જોઈ શકાશે.

બાઇબલના જેટલો જ શેક્સપિયરના પ્રયોગનો પ્રભાવ પણ અંગ્રેજી સાહિત્ય-ભાષા ઉપર ઘણો પડ્યો છે. શેક્સપિયરે dwindle કે peak જેવા એક બોલીના શબ્દો પોતાના નાટકમાં વાપર્યા પછી એ અંગ્રેજી ભાષામાં રૂઢ થયા. શેક્સપિયરે કેટલાક નવા શબ્દો ઘડ્યા; દા.ત., enfree, happy-valiant, multitudinous એ બધા સાહિત્યની ભાષામાં રૂઢ થયા. એટલું જ નહિ, પણ એ શબ્દો પ્રમાણે નવા બીજા શબ્દો પણ બનવા માંડ્યા. જેમ્સ જૉઇસ જેવા શ્રેષ્ઠ સાહિત્યકારની કૃતિમાં આ તત્વ જોઈ શકાશે.

અંગ્રેજી ભાષાના અગાઉનાં 6૦-7૦ વર્ષમાં બદલાઈ ગયેલા સ્વરૂપથી તે ભાષાના વ્યાકરણકારોનો દૃષ્ટિકોણ પણ ઘણો બદલાઈ ગયો છે. વ્યાકરણ ભાષાનુસારી હોય છે, ભાષા વ્યાકરણાનુસારી હોતી નથી એ મહત્વનું સૂત્ર આજના તેમના અભ્યાસમાં દાખલ થયું છે. it’s I એવી રીતે અંગ્રેજી વાક્યરચના હોવી જોઈએ એવો આગ્રહ રાખનાર નેસફીલ્ડ જેવા વ્યાકરણકારનું કહેવું યોગ્ય ન હતું એવું માનીને આજના વ્યાકરણકારો it’s me એ વાક્ય સાચું હોવાનું માને છે. એટલું જ નહિ, પણ ફાઉલર કે આજના જમાનાના કર્ક જેવા વિદ્વાનો અવનવા પ્રયોગોનો અભ્યાસ કરીને તેમને માન્યતા આપવાની ખેલદિલી બતાવે છે. ફ્રેન્ચ ભાષા માટે ફ્રાન્સમાં એક સરકારી સંસ્થા છે, જે એ ભાષામાં આવનાર શબ્દો અને પ્રયોગોને વખતોવખત માન્યતા આપે છે. પરંતુ એવી કોઈ સંસ્થા અંગ્રેજી ભાષા માટે નથી. એના વિશે અંગ્રેજીભાષી જનતાને ખેદ પણ નથી. ઊલટું તેમના જીવનમાં ઊંડા ગયેલા વ્યક્તિસ્વાતંત્ર્યવાદ અને માનવમાં રહેલી સર્જકતા પરત્વેના આદરની એ અભિવ્યક્તિ છે એમ તેઓ માને છે.

વ્યંજન

ઓષ્ઠ્ય દંત્ય મૂર્ધન્ય તાલવ્ય કંઠ્ય કંઠ્ય વિવર
(bilabial) (dental) (alveolar) (palatal) (velar) (pharyngeal)
સ્ફોટક (stops) p, b

(પ), (બ)

t, d

(ટ), (ડ)

k, g

(ક), (ગ)

અનુનાસિક M n
(nasals) (મ) (ન)
સંઘર્ષી f s   s h
(fricatives) (ફ) (સ) (ટ્, હ્ ઝ્),

(ત્ થ્ ઝ્)

(શ) (હ)
w (>)
અર્ધસ્વર (વ) r, l y
(semi-vowels) (frictionless continuants) (ર), (લ) (ય)

દિ. દ. માહુલકર