અંક : નાટકના હેતુઓનો વિકાસ સાધી કળાત્મક કવિપ્રયુક્તિરૂપ રચનાનું એકમ. સંસ્કૃત નાટકમાં કાર્યના વિભાગ દર્શાવવા માટે ‘અંક’ સંજ્ઞા પ્રયોજાય છે.

નાટક એ દૃશ્યકળા હોવાથી, પ્રેક્ષકોનો રસ સતત જળવાઈ રહે તે રીતે, વિષયવસ્તુ કે કથાનકનો વાચિક આદિ અભિનય દ્વારા, રંગમંચ પર રજૂ કરવાનું હોય છે. આથી કુશળ નાટ્યકાર, મહત્વના પ્રસંગો તથા ઘટનાઓને, વસ્તુવિકાસને અનુરૂપ વિભાગોમાં વહેંચીને રજૂ કરે છે. આ વિભાગો તે જ નાટકના અંકો.

પોતાની ઇચ્છાપૂર્તિ માટે નાયક જે પ્રયાસો કરે છે, તે નાટકનું કાર્ય છે. સારા નાટકના પૃથક્કરણ માટે શાસ્ત્રકારોએ પાંચ અવસ્થા, પાંચ અર્થપ્રકૃતિ અને પાંચ સંધિ – એ ત્રિવિધ નાટ્યપ્રવૃત્તિઓનો નિર્દેશ કર્યો છે. નાટ્યકારે આ અવસ્થાઓ, સંધિઓ અને બિંદુ વગેરે અર્થપ્રકૃતિનાં અંગોને લક્ષમાં રાખીને, નાટકના સમગ્ર કાર્યનું અંકોમાં વિભાજન કરવાનું હોય છે. આનો અર્થ એ કે વસ્તુના સાક્ષાત્ સતત વિકાસને માટે, પાછળનો દરેક અંક, આગળના અંકના સીધા, સ્વાભાવિક અનુસંધાનમાં યોજાવો જોઈએ અને આગળની બાબતોની પ્રગતિ તથા કાર્યની ફલશ્રુતિ તરફની ચોક્કસ ગતિને લક્ષમાં રાખીને નાટ્યકારે અંકોની યોજના કરવી જોઈએ.

આરંભ આદિ પાંચ અવસ્થાઓને અનુરૂપ, નાટકમાં પાંચથી દસ અંક હોય છે. અભિનવગુપ્તના મતે પાંચ અંકો આદર્શ ગણાય, પણ બધાં જ પાસાં મહત્વનાં હોય ત્યારે નાટકના અંકોની સંખ્યા દસ સુધી પહોંચે. અંકોની સંખ્યા અંગેનો આ નિયમ સામાન્ય રીતે પળાયો છે. પણ પાછળના સમયમાં એક, બે, ત્રણ કે ચાર અંકનાં નાટકો રચાયાં છે. બહુ મોડેથી લખાયેલાં નાટકોમાં એક નાટક બાર અંકનું છે તો ‘મહાનાટક’ ચૌદ અંકનું છે.

ભરતમુનિના મતે અંક એ નાટકનો એ ભાગ છે કે જેમાં કોઈ ખાસ અવસ્થા કે ઘટના પૂરેપૂરી રજૂ થાય છે અને જ્યાં બીજની એક દશા (સ્થિતિ) પૂરી થાય છે. આ અંક હંમેશાં બિંદુ સાથે આછોપાતળો સંલગ્ન હોય છે. એમાં નાયક તથા તેના રસાલાનાં કાર્યોથી અથવા શબ્દોથી નીપજતા એકથી વધારે રસો હોય છે. આવો અંક બહુ લાંબો ન હોવો જોઈએ અને એક દિવસમાં બનતી ઘટનાઓનું એમાં નિરૂપણ થવું જોઈએ. ધનંજય કહે છે કે અંક એક હેતુને માટે રચવો જોઈએ, પણ ભરતમુનિ એ અંકમાં એકથી વધારે હેતુઓના નિરૂપણને યોગ્ય ગણે છે એટલે એ ચોક્કસપણે અંકની વિભાવનાને વિસ્તારે છે.

અભિનવગુપ્ત ઉચિત રીતે જ કહે છે કે અંકમાં બનાવો અને કાર્યો જ પ્રત્યક્ષ દેખાય છે એવું નથી; પણ એમાં હર્ષ, શોક, ક્રોધ આદિ ભાવોનું પણ પ્રત્યક્ષીકરણ થાય છે. આમ, મનોવૈજ્ઞાનિક દશાઓ તથા વિવિધ રસોના નિરૂપણ દ્વારા અંક એ નાટકના હેતુઓનો વિકાસ સાધી આપનારી કળાત્મક કવિપ્રયુક્તિ છે.

સામાન્ય રીતે અવસ્થાને અનુરૂપ અંકસંખ્યા તથા વ્યવસ્થા ગોઠવવાની પરંપરા છે, પણ પાછળના લેખકોએ અવસ્થા-સંધિ સાથે અંકના ચુસ્ત જોડાણને માન્યતા આપી નથી. આનાં ઉદાહરણો સાહિત્યદર્પણ (6.8૦) તથા નાટ્યદર્પણમાં આપ્યાં છે. વળી નાટ્યશાસ્ત્રમાં ક્યાંય અવસ્થાઓ તથા સંધિઓનો અંક સાથેનો સંબંધ ચર્ચાયો નથી. હા, બિંદુનો અંક સાથે ગાઢ સંબંધ દર્શાવાયો છે; કેમ કે તે નાટકના સમગ્ર કાર્યને જોડતું સૂત્ર છે અને તેથી, આગળના અંકનો પાછળના અંક સાથે જોડી, વસ્તુના વિકાસને જાળવે છે ને વેગ આપે છે.

અમૃત ઉપાધ્યાય