અંકુશનિયમન : અંકુશ પરનું નિયંત્રણ. ઇચ્છિત હેતુઓ સિદ્ધ કરવા માટે દાખલ કરવામાં આવેલા વિવિધ અંકુશો વાજબી ઠરે ને અસરકારક નીવડે તે માટે લેવાતાં પૂરક પગલાંને અંકુશનિયમન કહેવામાં આવે છે. દરેક પ્રકારના ઉત્પાદન-એકમમાં પેઢી, ઉદ્યોગ કે વ્યવસાયમાં ઓછાવત્તા પ્રમાણમાં અંકુશો તથા અંકુશ પરનાં નિયમન દાખલ કરવાં પડે છે. અંકુશો ધ્યેયસિદ્ધિમાં મદદ કરે છે તો અંકુશનિયમન તેને કાર્યસાધક બનાવે છે. ઇષ્ટ નિયમન ન થાય તો અંકુશો આત્યંતિક નીવડી શકે છે. તેમ થાય તો અંકુશનો હેતુ સિદ્ધ થતો નથી. ઉત્પાદન એકમની દૃષ્ટિએ વિચારીએ તો વસ્તુનું પરિમાણ, તેની ગુણવત્તા, ઉત્પાદન મેળવવા માટેનો સમયગાળો અને ઉત્પાદનખર્ચ – આ ચારે બાબતો અંકુશિત કરવી પડે છે. તેને ઉત્પાદન-અંકુશ કહેવામાં આવે છે. ઉત્પાદન-અંકુશ સફળ નીવડે તે માટે તેનું યોગ્ય નિયમન અનિવાર્ય બને છે. અંકુશનિયમન ચાર પ્રકારનાં કાર્યો પર આધાર રાખે છે : (1) ઉત્પાદન-પ્રક્રિયાનો માર્ગ (path) નક્કી કરીને અગ્રતાક્રમ (priority) નિર્ધારિત કરવો (routing); (2) ઉત્પાદનની વિવિધ પ્રક્રિયાઓનું સમયપત્રક ઘડવું (scheduling); (૩) વરદી મુજબ સમયસર ઉત્પાદન થાય તે માટે પ્રમાણો તથા ધોરણો નિર્ધારિત કરવાં તથા તેને અનુરૂપ જરૂરી સૂચનાઓ જે તે સ્તરે પહોંચતી કરવી (dispatching); (4) ચાલુ ઉત્પાદનની સતત ચકાસણી કરવા માટેની વિધિ દાખલ કરવી (follow-up) અને જરૂર પડ્યે સુધારાલક્ષી પગલાં લેવાં. ચાલુ ઉત્પાદન અને તેને માટેનાં નિર્ધારિત પ્રમાણો – એ બંને વચ્ચે નોંધપાત્ર વિચલન થાય ત્યારે જ સુધારાલક્ષી પગલાં અનિવાર્ય ગણવાં જોઈએ. ચકાસણી-કાર્યમાં થયેલા કાર્યની નોંધ રાખવી, ઉત્પાદન-પ્રગતિનો અહેવાલ તૈયાર કરી તે અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્ક (liaison) રાખવો વગેરે બાબતોનો સમાવેશ થાય  છે. બધા જ પ્રકારના વ્યવસાયો તથા સંચાલકો માટે આ પગલાં અનિવાર્ય હોય છે.

અંકુશોનું સ્વરૂપ તથા તેમનું નિયમન કરતી વેળાએ તેને અંગે કામદારોના પ્રતિભાવ તથા વલણને લક્ષમાં લેવાં જોઈએ. કામદારો પર શક્ય તેટલો ઓછો માનસિક તણાવ તથા શારીરિક શ્રમ (tension and pressure) પડે તે રીતે અંકુશો મૂકવા તે ઇષ્ટ છે. તે માટે ઉપલા અધિકારીઓનો સાનુકૂળ અભિગમ હોવો જોઈએ. અંકુશો સફળ અને અસરકારક નીવડે તે માટે કામદારોને વિશ્વાસમાં લેવા, તેમની સાથે સામૂહિક ચર્ચાવિચારણા કરવી અને મતભેદ ઊભા થાય ત્યારે સમજાવટનો માર્ગ અપનાવવો પડે. કામદારોને સોંપવામાં આવેલ લક્ષ્યાંકોની પરિપૂર્તિની ચકાસણી અને નિરીક્ષણનાં ધોરણો વાજબી તેમજ બુદ્ધિગમ્ય હોય અને કામદારોનાં સલાહસૂચનો પ્રત્યે અધિકારીઓનું વલણ ઉદાર, સંવેદનશીલ અને રચનાત્મક હોય તે આવશ્યક છે. આ બધી જ બાબતો અંકુશનિયમનને સ્પર્શે છે.

ઉપર દર્શાવેલી બાબતો જેમ પેઢી, ઉદ્યોગ કે વ્યવસાયને લાગુ પડે તેમ સમગ્ર અર્થતંત્રને તથા તેના વિવિધ તબક્કાઓને પણ લાગુ પડે છે. દરેકમાં અંકુશનું પ્રમાણ અને સ્વરૂપ તથા તેના નિયમનની રીતરસમ જે તે એકમની લાક્ષણિકતા તથા વિશિષ્ટ પરિસ્થિતિને લક્ષમાં રાખીને નક્કી થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જયન્તિલાલ પો. જાની