અંકલેશ્વર : દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચથી દક્ષિણે 1૦ કિમી. દૂર આવેલું શહેર. ભૌ. સ્થાન 21° 36´ ઉ. અ. અને 73° ૦૦´ પૂ. રે. તેનું પ્રાચીન નામ અક્રૂરેશ્વર હતું. આશરે નવમા સૈકાના અરસામાં તે રાઠોડ વંશના રાજવીઓની રાજધાનીનું મથક રહેલું. તે અમદાવાદ-મુંબઈ રેલ અને સડકમાર્ગ પર આવેલું છે. ઈ. સ. 1961માં અહીં ખનિજતેલ મળી આવ્યા બાદ ગુજરાતના તેમજ ભારતના એક અગત્યના તેલક્ષેત્ર અને તે પછીથી ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે તેનો વિકાસ થયો છે. અહીંના જાણીતા ઉદ્યોગોમાં એશિયન પેઇન્ટ્સ (ઇંડિયા) લિ., અતુલ પ્રૉડક્ટ્સ લિ., બ્લૂ બ્લેન્ડ્ઝ પેટ્રોકેમિકલ્સ લિ., ડૉ. બેક ઍન્ડ કું. (ઇંડિયા) લિ., એમ્પાયર ઇન્ડસ્ટ્રિઝ લિ., ફાઇકૉમ ઑર્ગેનિક્સ લિ., ગુજરાત ઑઇલ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ., ગુજરાત લાયકા ઑર્ગેનિક્સ લિ., ગુજરાત બિનિલ કેમિકલ્સ લિ., સર્લ (ઇંડિયા) લિ., ગ્લૅક્સો ઇંડિયા લિ. (ગ્લિન્ડિયા લિ.), કનોરિયા કેમિકલ્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિઝ લિ., મનીષ ઑર્ગેનિક્સ ઇંડિયા  લિ., શ્રી દિનેશ મિલ્સ લિ. વગેરેનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત GIDC, ONGC, 1500 જેટલા કેમિકલ્સ પ્લાન્ટ દવાઓના એકમો આવેલાં છે. L & T કંપની દ્વારા ગોલ્ડન બ્રિજને સમાંતર બીજો પુલ ખુલ્લો મુકાયો છે. ઔદ્યોગિક વિસ્તાર સહિત અંકલેશ્વરની વસ્તી 2,16,043 (2011) જેટલી છે. આ શહેર તાલુકામથક હોવા ઉપરાંત શૈક્ષણિક અને વ્યાપારી દૃષ્ટિએ પણ મહત્વ ધરાવે છે.

મહેશ મ. ત્રિવેદી