અંકટાડ (UNCTAD) (1964) : વિકાસશીલ અને વિકસિત દેશો વચ્ચે જીવનધોરણને લગતા તફાવતની ચર્ચા કરી તે ઘટાડવાના ઉપાયો શોધવા માટે આયોજિત કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય પરિષદ (1964). ‘અંકટાડ’ના ટૂંકા નામે ઓળખાતી વ્યવસ્થાનું પૂરું નામ ‘યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ’ (UNCTAD) છે. 1964માં જિનીવા ખાતે રાષ્ટ્રસંઘના ઉપક્રમે તેનું અધિવેશન મળ્યું, જેમાં અલ્પવિકસિત દેશોએ તેમની સમસ્યાઓ, હેતુઓ અને પ્રસ્તાવો મક્કમતાપૂર્વક અને સમાનતાની ભૂમિકા પર રજૂ કર્યાં. વિકસતા દેશોની ઝડપી આર્થિક વિકાસ સાધવાની જવાબદારી તેમના પોતાના શિરે છે અને તેમાં તેમનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર તથા તેમના આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધોનું પ્રદાન મહત્વનું રહેશે — એ બાબત આ અધિવેશનની કાર્યવાહી દરમિયાન સ્વીકારવામાં આવી. સાથોસાથ આર્થિક વિકાસ અને સામાજિક પ્રગતિ સમગ્ર માનવજાતની ચિંતાનો વિષય છે, છતાં અલ્પવિકસિત દેશોના આર્થિક વિકાસ અને ગરીબીનિવારણ માટે વિકસિત દેશોએ લાંબા સમય સુધી કોઈ નક્કર પગલાં લીધાં નથી અને તેને પરિણામે વિકસતા દેશો અને વિકસિત દેશોની પ્રજાઓનાં જીવનધોરણ વચ્ચેનો ગાળો સતત વધતો ગયો છે. આ હકીકત પ્રત્યે અધિવેશનમાં વિશ્વના દેશોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના ઉકેલ તરીકે વિશ્વના બધા દેશોની  આંતરિક અને બાહ્ય આર્થિક નીતિઓ આર્થિક વિકાસનો ઊંચો દર હાંસલ કરવામાં સહાયરૂપ હોવી જોઈએ, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં વ્યક્તિદીઠ આવકવૃદ્ધિનો દર ઝડપી બનાવવામાં વિકસિત દેશોએ મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો. જિનીવા ખાતેની આ પ્રથમ પરિષદે જે ભલામણો કરી તેમાંની મહત્વની ભલામણોના મુદ્દા નીચે મુજબ છે :

(1) આંતરરાષ્ટ્રીય સપાટી પર શ્રમવિભાજનનું માળખું નવેસરથી રચવું તથા બાહ્ય આર્થિક ક્ષેત્રેને વિકસતા દેશો માટે વધુ અનુકૂળ બનાવવું. તે માટે વિકસતા દેશોની ચીજવસ્તુઓની આયાતો પર વધુ પ્રતિબંધો નહિ મૂકવા, હાલ જે પ્રતિબંધો છે તે હળવા કરવા તથા આ અંગે પારસ્પરિકતાનો આગ્રહ નહિ રાખવા વિકસિત દેશોને ભલામણ કરવામાં આવી. (2) વિકસતા દેશો લાભદાયી, ન્યાયોચિત તથા સ્થિર ભાવો પ્રાપ્ત કરી શકે તે માટે આંતરરાષ્ટ્રીય વસ્તુકરારની હિમાયત કરવામાં આવી. (3) દરેક વિકસિત દેશ દર વર્ષે પોતાની રાષ્ટ્રીય આવક ઓછામાં ઓછા એક ટકા જેટલી આવક સહાયના રૂપમાં વિકસતા દેશોને આપે.

જીનીવા ખાતે આવેલું રાષ્ટ્રસંઘનું મુખ્યાલય

સૌ. "UN Building E View" | CC BY-SA 3.0

આ બધી ભલામણો મહત્વની હોવા છતાં વ્યવહારમાં તેનો અમલ ખૂબ જ ધીમી ગતિથી થયો હતો.

અંકટાડની બીજી પરિષદ 1968માં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. પરિષદ સમક્ષ ખૂબ જ મહત્વાકાંક્ષી ધ્યેયો હતાં. અંકટાડની પહેલી પરિષદની ભલામણોના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનું પુનર્મૂલ્યાંકન કરવું, ઝડપી આર્થિક વિકાસની દિશામાં આંતરરાષ્ટ્રીય સહકારમાં વધારો થાય તે માટે અનુકૂળ વાટાઘાટોની પહેલ કરવી તેમજ ફળદાયી કરારો વિચારતાં પહેલાં તે અંગે સમગ્રલક્ષી ઊંડી તપાસ કરવી – આ ત્રણ ધ્યેયો પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પરિષદના અંતિમ ઠરાવ દ્વારા પસંદગીની સામાન્ય પદ્ધતિ Generalised System of Preferences (G.S.P.) સ્વીકારવામાં આવી. ઉપરાંત, વિકસતા દેશો માટે લાભદાયક નીવડી શકે તેવી પરસ્પરને સ્વીકાર્ય ગણાતી સામાન્ય, એકતરફી અને ભેદભાવવિહીન પદ્ધતિ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો. પસંદગીની સામાન્ય પદ્ધતિ (G.S.P.) સ્વીકારવાની તરફેણમાં ત્રણ મુખ્ય હેતુઓનો નિર્દેશ કરવામાં આવ્યો : (1) અલ્પ વિકાસ ધરાવતા દેશોની નિકાસ-આવકમાં વધારો કરવો, (2) અલ્પ વિકાસવાળા દેશોમાં ઝડપી ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવું. (3) અલ્પ વિકાસવાળા દેશોમાં આર્થિક વિકાસનો દર વધારવો. વિકસિત દેશોના આર્થિક વિકાસનો હ્રાસ ન થાય તથા વિકસતા દેશો ઝડપી આર્થિક વિકાસની દિશામાં વધુ ને વધુ તક પ્રાપ્ત કરી શકે તેવા આદર્શને અભિવ્યક્ત કરવા માટે આ પરિષદે વિકાસનું ઘોષણાપત્ર (charter of deveopment) પસાર કર્યું હતું. વિકસતા દેશો વચ્ચે વ્યાપારના વિસ્તરણને પ્રોત્સાહન મળે, તથા તેમની વચ્ચે એકત્રીકરણની પ્રક્રિયા મજબૂત બને તેના પર પરિષદે ભાર મૂક્યો હતો. ઉચ્ચ આકાંક્ષાઓ, ધ્યેયો તથા હેતુઓને વરેલી આ બીજી પરિષદના નિર્ણયો કાર્યાન્વિત કરવાની દિશામાં અંકટાડને ઝાઝી સફળતા મળી ન હતી.

અંકટાડની ત્રીજી પરિષદ લૅટિન અમેરિકાના ચિલી દેશના સૅન્ટિયાગો નગરમાં 1972માં મળી હતી. તેમાં 12૦ દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. વીસમી સદીના સાતમા દાયકાની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારના ક્ષેત્રમાં દૂરગામી ફેરફારો થયા હતા તથા તે જ અરસામાં વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેના આર્થિક અને વ્યાપારી સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો હતો. અંકટાડના પ્રથમ મહામંત્રી અને વિખ્યાત લૅટિન અમેરિકન અર્થશાસ્ત્રી પ્રોફેસર રાઉલ પ્રેબિશે આ અધિવેશનમાં અંકટાડની ભાવિ કામગીરી માટે આ મુજબ રજૂઆત કરી હતી : વિકાસશીલ દેશોની વ્યક્તિદીઠ વાસ્તવિક આવકમાં વાર્ષિક 5 ટકાના દરે સરેરાશ વધારો થાય તે જરૂરી છે. આ માટે તે દેશોની આયાતો વાર્ષિક 6 ટકાના દરે વધવી જોઈએ, જે વિકસિત દેશોના સહકાર વગર શક્ય નથી. વિકાસશીલ દેશોની આ નિકાસોની વૃદ્ધિનો લાંબા ગાળાનો દર 4 ટકા હતો તે આ દેશોની વિનિમય શરતો(terms of trade)માં થયેલા પ્રતિકૂળ ફેરફારોને લીધે ઘટીને ૨ ટકા થઈ ગયો છે. જો આ સ્થિતિમાં ફેરફાર નહિ થાય, તો વિકાસશીલ દેશોની લેણદેણની તુલાઓ ગંભીર પ્રમાણમાં ખાધયુક્ત બની જશે અને પરિણામે તે દેશોની પ્રજાઓનાં જીવનધોરણો વધુ નીચાં જશે. આ સમસ્યાના ઉકેલના બે માર્ગો છે : (1) વિકાસશીલ દેશોની વિનિમયની શરતોને વધુ પ્રતિકૂળ બનતી અટકાવવી અને (2) વિકાસશીલ દેશોની નિકાસ વધે તેવાં પગલાં લેવાં. અંકટાડની આ ત્રીજી પરિષદમાં વિકાસશીલ દેશોના સંદર્ભમાં ઘણા મહત્વના મુદ્દાઓને અનુલક્ષીને સર્વાંગીણ ચર્ચાવિચારણા થઈ હતી; દા.ત., આવા દેશોને વિદેશી સહાય ચાલુ રાખવી, બિનશરતી તથા ઓછા વ્યાજના દરોનું ધિરાણ તેમને ઉપલબ્ધ કરાવવું, તેમના પરનો દેવાનો બોજ હળવો કરવો, આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની વ્યવસ્થા હેઠળના વિશિષ્ટ ઉપાડ-હક્ક (SDRS) તથા વિકાસલક્ષી નાણાવ્યવસ્થા વચ્ચે સંકલન સાધવું વગેરે. આ પરિષદે પસાર કરેલા ઠરાવોમાં પસંદગીની સામાન્ય પદ્ધતિ(G.S.P.)નું વિસ્તરણ, ટૅકનૉલૉજી-આદાનપ્રદાન, આંતરરાષ્ટ્રીય નાણાવ્યવસ્થાની સુધારણા, અંકટાડની ક્રિયાવિધિ(machinery)માં જરૂરી ફેરફાર જેવી બાબતોનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. વિનિમયની શરતોને વિકાસશીલ દેશોની તરફેણમાં બદલવા માટે ‘આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો’ની હિમાયત અંકટાડનાં અધિવેશનોમાં કરવામાં આવી. આ કરારો દ્વારા પ્રાથમિક ચીજવસ્તુઓનું પ્રમાણ વિશેષ હોવાથી, જો આવી વસ્તુઓના ભાવોને ઘટતા અટકાવી શકાય તો તેમની વિનિમય શરતો સુધરે અને આવકની સપાટી જળવાઈ રહે. વિકાસશીલ દેશોની નિકાસ વધારવા માટે વિકસિત દેશોએ ‘મુક્ત અને બહિર્લક્ષી’ વ્યાપારનીતિઓનો અમલ કરવો જોઈએ. જો વિકસતા દેશોની વ્યાપાર અને મૂડીની જરૂરિયાતો સંતોષાશે નહિ તો તે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઘટે તેવાં આત્મનિર્ભરતાલક્ષી વ્યાપારી પગલાં લેશે. આના પરિણામે માત્ર તે દેશોને જ નહિ પણ વિશ્વના બધા દેશોને નુકસાન થશે. અંકટાડનાં અધિવેશનોમાં વિદેશી સહાય અને વિકાસશીલ દેશોની નિકાસો પ્રત્યે પસંદગીયુક્ત (preferential) અભિગમ દર્શાવવા માટે વિકસિત દેશોને અનુરોધ કરવામાં આવ્યો. વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે આ પરિષદમાં ઘણી બાબતો અંગે સંમતિ સધાઈ હતી. આ તેની મુખ્ય ફલશ્રુતિ ગણાય.

અંકટાડ પરિષદ

સૌ. "UNCTAD" | CC BY-SA 2.0

સભ્યપદ અને માળખું : યુનાઇટેડ નેશન્સનો સભ્ય હોય તેવો કોઈ પણ દેશ અંકટાડનો સભ્ય બની શકતો. સભ્ય દેશોને ચાર વિભાગ કે સૂચિમાં વહેંચવામાં આવે છે. પ્રથમ સૂચિમાં આફ્રિકા અને એશિયાના અલ્પવિકિસત દેશો અને યુગોસ્લાવિયાનો સમાવેશ થયો છે. બીજી સૂચિમાં પશ્ચિમના વિકસિત દેશો, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, જાપાન અને યુરોપના સાયપ્રસ તથા માલ્ટા જેવા ઓછા વિકસિત દેશોનો સમાવેશ થયો છે. ત્રીજી સૂચિમાં લૅટિન અમેરિકાના દેશો અને કૅરિબિયન દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ચોથી સૂચિમાં સમાજવાદી દેશો છે. અંકટાડની મખ્ય કાર્યવાહક સમિતિ ‘ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ બૉર્ડ’ છે. આ બૉર્ડ નીચે છ પ્રકારનાં વિવિધ પ્રવૃત્તિનાં ક્ષેત્રો આ મુજબ છે : ચીજવસ્તુઓ, ઔદ્યોગિક પેદાશો, અદૃશ્ય વસ્તુઓ અને ચુકવણી, વહાણવટું, પસંદગીઓ અને ટૅનૉલૉજીનું હસ્તાંતર.

અંકટાડના 77 દેશોનું એક અલગ જૂથ વિકાસશીલ દેશોના અંકટાડ તરફના અભિગમોને સંકલિત કરવાના હેતુથી રચવામાં આવ્યું હતું. આ જૂથની સભ્યસંખ્યા વધતી રહી છે. આ જૂથ દ્વારા અંકટાડનાં અધિવેશનોમાં વિકાસશીલ દેશોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે અને દબાણો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.

કાર્યક્રમો અને કાર્યપદ્ધતિઓ : અંકટાડનાં અધિવેશનો ચાર વર્ષના સમયાંતરે મળે છે. વચગાળાના સમયમાં સમિતિઓ અને અભ્યાસસમૂહોની કામગીરી ચાલુ રહે છે. અધિવેશનો જાહેર હોય છે અને તેમાં વિકાસશીલ દેશોનાં હિતોને કેન્દ્રમાં રાખીને વિશિષ્ટ મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા (committedness) વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે. અંકટાડ મુખ્યત્વે ગતિશીલ ઉપક્રમવાળી સંસ્થા છે. તેનો પ્રમુખ હેતુ વિકાસશીલ દેશો માટે વિકાસનો ઊંચો દર અને વિશ્વની આવકોની સમાન વહેંચણી સિદ્ધ કરવાનો છે. તે માટે અંકટાડના સભ્ય હોય તેવા વિકાસશીલ દેશો ચર્ચા અને સમજાવટ દ્વારા વિશ્વમત કેળવવાનો પ્રયાસ કરે છે. અંકટાડમાં કોઈ કરાર થતા નથી કે કરારો માટેની મંત્રણાને પણ તેમાં સ્થાન નથી.

અંકટાડના પ્રયાસોનો પસંદગીની સામાન્ય પદ્ધતિ (GSP) વિકસાવવામાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. આને લીધે વિકાસશીલ દેશોની તૈયાર ઔદ્યોગિક પેદાશો, અર્ધતૈયાર વસ્તુઓ અને પ્રોસેસ કરેલી કેટલીક કૃષિપેદાશોને વિકસિત દેશોમાં પસંદગીના ધોરણે પ્રવેશ મળ્યો છે. આ ઉપરાંત ચા, કૉફી, કોકો, ખાંડ, શણ, રૂ, રબર, તાંબું, ઘઉં, ચોખા અને કાચા લોખંડ જેવી વસ્તુઓના ભાવો અંગે આંતરરાષ્ટ્રીય કરારો અને/અથવા તે વસ્તુઓના અનામત જથ્થા ઊભા કરવામાં અંકટાડે મહત્વનો ભાગ ભજવ્યો છે. અંકટાડના બીજા અને ત્રીજા અધિવેશનમાં વિદેશી મૂડીના સ્વરૂપ, બહુરાષ્ટ્રીય કંપનીઓની કામગીરીએ ટૅકનૉલૉજીના હસ્તાંતર અંગે પણ વિકાસશીલ દેશોનાં હિતોનું રક્ષણ થાય તેવા પ્રસ્તાવો પસાર થયા છે. અંકટાડ સભ્ય દેશોને વિવિધ ક્ષેત્રોમાં ટૅકનિકલ સહાય પૂરી પાડે છે, જેથી પ્રવર્તમાન વ્યાપારી સંબંધોથી વધુ લાભ પ્રાપ્ત કરી શકાય.

અંકટાડ અને ગૅટ (GATT) : ‘ગૅટ’નું પૂરું નામ ‘જનરલ ઍગ્રીમેન્ટ ઑન  ટૅરિફ ઍન્ડ ટ્રેડ’ છે. ગૅટ અને અંકટાડ બંને યુનાઇટેડ નેશન્સના ઉપક્રમે કાર્ય કરે છે. બંને કેટલાંક ક્ષેત્રોમાં પરસ્પર પૂરક છે; જોકે, અંકટાડનું કાર્યક્ષેત્ર વધુ વ્યાપક ગણાય. ચીજવસ્તુઓનો વ્યાપાર, વહાણવટું, વીમા, વિદેશી રોકાણ જેવી ઘણી બાબતોમાં બંનેનાં કાર્યક્ષેત્ર સમાન હોવાનું પણ જણાય છે. ગૅટનો પ્રયાસ વિશ્વના બધા દેશોમાં વ્યાપારનાં માળખાં વધુ મુક્ત રીતે વિકસાવવાનો છે. આ માટે દેશો વચ્ચે મંત્રણાઓ અને કરારો થાય છે. આથી ઊલટું, અંકટાડમાં મુખ્યત્વે વિકાસશીલ દેશો વિકસિત દેશો પાસેથી વધુ પ્રમાણમાં ‘ન્યાય્ય’ આર્થિક વ્યવહારો માટે દબાણોનો ઉપયોગ કરે છે.

અંકટાડનાં કુલ છ અધિવેશનો થયાં હતાં. નવી આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના સર્જન માટે અંકટાડના પ્રયાસો નોંધપાત્ર ગણાય; પરંતુ તેની સિદ્ધિઓ એટલી આકર્ષક નથી. આ માટે અલ્પવિકસિત દેશો વિકસિત દેશો(અમેરિકા અને યુરોપિયન સમાન બજારના દેશો)નાં વલણોને જવાબદાર ગણાવે છે. વિકાસશીલ દેશોને વિકસિત દેશોએ તેમની રાષ્ટ્રીય પેદાશનો 1 ટકા જેટલો ભાગ આર્થિક સહાયના સ્વરૂપમાં આપવો જોઈએ – એવો પ્રસ્તાવ પસાર થયાને ઘણાં વર્ષો થઈ ગયાં; હજુ સુધી આ લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો ન હતો. વિશ્વવ્યાપાર સંઘ(WTO)ની સ્થાપના થતાં આ ઘટક હવે પ્રસ્તુત રહ્યું નથી.

હસમુખરાય કેશવલાલ ત્રિવેદી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે