સુદર્શન ગદ્યાવલિ

January, 2008

સુદર્શન ગદ્યાવલિ : ગુજરાતી સાહિત્યના સાક્ષર યુગના સમર્થ પ્રતિનિધિ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેમનાં માસિક પત્રો ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’માં 1885થી 1898 દરમિયાન કરેલાં ગદ્યલખાણનો સંગ્રહ. મણિલાલે એ લેખોમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય અને શિક્ષણ એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરી હતી. ‘સિદ્ધાન્તસાર’ અને ‘પ્રાણવિનિમય’ તથા ‘કાન્તા’ અને ‘નૃસિંહાવતાર’ જેવી સળંગ ગ્રંથ રૂપે લખેલી કૃતિઓને બાદ કરતાં મણિલાલનું મોટાભાગનું ગદ્યપદ્યસાહિત્ય તેમનાં ઉક્ત બે માસિકોમાં પ્રગટ થયું હતું. હપ્તે હપ્તે પ્રગટ થયેલ ‘ગુલાબસિંહ’ અને ‘શ્રીમદભગવદગીતા’ની જેમ ‘આત્મનિમજ્જન’ તેમના જીવતાં જ પુસ્તકાકારે પ્રગટ થયું હતું; પરંતુ તેમના અક્ષરજીવનના અર્કરૂપ ગણાય તેવા ગદ્યલેખો તો તેમના મૃત્યુ બાદ એક દાયકા સુધી ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ની ફાઇલોમાં દટાઈ રહેવા પામ્યા હતા. છેક 1909માં આ લેખોને હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરીશંકર જોષી નામના મણિલાલના બે ઉત્સાહી પ્રશંસકોએ આચાર્ય આનંદશંકર ધ્રુવની સહાયથી ‘સુદર્શન ગદ્યાવલિ’ રૂપે સંગૃહીત કરીને પુસ્તકાકારે પ્રગટ કરેલ. તેમાં 1885થી 1898 દરમિયાન મણિલાલે લખેલ લગભગ બધા ગદ્યલેખો વિષયવાર વર્ગીકૃત કરીને મૂકવામાં આવ્યા હતા. ડબલ ક્રાઉન કદનાં 1100થી વધુ પૃષ્ઠો રોકે તેટલો મોટો આ લેખોનો જથ્થો હતો. સાથે મણિલાલનાં માનસ તથા સાહિત્ય ઉપર વેધક પ્રકાશ પાડતા આચાર્ય આનંદશંકરના બે લેખો પણ જોડવામાં આવ્યા હતા.

સમય જતાં ‘સુદર્શન ગદ્યાવલિ’ દુષ્પ્રાપ્ય થઈ ગઈ. તેની ખોટ અમુક અંશે પૂરી શકાય તે હેતુથી અમદાવાદની ગુજરાત વિદ્યાસભા દ્વારા 1948માં મણિલાલના પ્રતિનિધિ લેખોના ડૉ. ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત બે સંગ્રહો ‘મણિલાલની વિચારધારા’ અને ‘મણિલાલના ત્રણ લેખો’ પ્રગટ કરવામાં આવેલ. તેમનું કદ ‘સુદર્શન ગદ્યાવલિ’ના ત્રીજા ભાગ જેટલું હતું. પછી તો એ સંગ્રહો પણ દુષ્પ્રાપ્ય થઈ ગયા. દરમિયાનમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમના અવસાનની શતાબ્દી નિમિત્તે મણિલાલનું સમગ્ર સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના કરી. તે મુજબ 1898-1907 દરમિયાન ‘મણિલાલ ન. દ્વિવેદી સાહિત્યશ્રેણી’ આઠ ગ્રંથોમાં પ્રગટ થઈ. તેમાં ‘સુદર્શન ગદ્યાવલિ’માંના તમામ લેખો ‘સુદર્શન ગદ્યગુચ્છ’ શીર્ષકથી ચાર ભાગમાં ડૉ. ધીરુભાઈ ઠાકર દ્વારા પુન: સંપાદન પામીને પ્રગટ થયા છે. ‘ગદ્યગુચ્છ-1’ (સાહિત્યશ્રેણી-5)માં શરૂઆતમાં ‘સુદર્શન ગદ્યાવલિ’ના આરંભે મૂકેલું પ્રકાશકોનું નિવેદન અને છેલ્લે પરિશિષ્ટ રૂપે આનંદશંકરભાઈના બે લેખો મૂકેલા છે. ‘સુદર્શન ગદ્યગુચ્છ’ના પહેલા ભાગમાં ધર્મ અને તત્વજ્ઞાન; બીજા ભાગમાં સમાજ, શિક્ષણ અને રાજ્ય; ત્રીજામાં સાહિત્ય અને કલા વિશે તથા ચોથામાં ‘બાળવિલાસ’ ઉપરાંત પ્રકીર્ણ લેખો સમાવિષ્ટ છે.

ગોવર્ધનરામની માફક મણિલાલ પણ કૉલેજ છોડ્યા બાદ જીવનના ઉદ્દેશના ચિંતવનમાં પડ્યા હતા અને પાશ્ર્ચાત્ય ફિલસૂફીની તુલનાએ પ્રાચીન આર્યધર્મભાવનાનો વિચાર કરીને બેમાંથી તથ્ય શોધવાની મથામણમાં પડ્યા હતા. ત્રણેક વર્ષના વાચન-મનનને અંતે તેમનું ચિત્ત ધર્મ અને પ્રેમ – એ બે લક્ષ્ય ઉપર આવીને સ્થિર થયું. ઘણા મંથન પછી ધર્મ અને પ્રેમની એકતા તેમને પ્રતીત થઈ. પરમ પ્રેમ અર્થાત્ વિશાળ જગદ્વ્યાપી પ્રેમ એ જ મોક્ષ — એવો નિર્ણય લેવાતાં શાંકર વેદાન્ત ઉપર તેમની શ્રદ્ધા દૃઢ થઈ. આ અદ્વૈતનિષ્ઠા તેમની સમગ્ર ચિન્તનપ્રવૃત્તિના પાયારૂપ હતી. પછી તો વેદાન્ત તેમના જીવનનું પ્રેરક અને ધારક બળ બન્યું અને તેનો અદ્વૈતભાવના રૂપે ઉપદેશ કરવો એ તેમનું જીવનકાર્ય (mission) બની રહ્યું. ‘સુદર્શન’માં તેમણે સતત 13 વર્ષ સુધી ધર્મ, સમાજ, રાજ્ય અને સાહિત્યને લગતા લેખો લખીને તેમની પ્રિય અભેદભાવનાનો બોધ કર્યા કર્યો હતો. અદ્વૈતના કીમિયા વડે તેમણે જીવનની અનેક વિસંવાદિતાઓનું સમાધાન કરી બતાવ્યું હતું. ધર્મની બાબતમાં અભેદાનુભવને જ તેઓ બ્રહ્મસાક્ષાત્કાર કહે છે; ગૃહમાં અભેદરૂપ પ્રેમ વગર સાચું સુખ કે શાંતિ મળે નહિ એમ તેમનું માનવું છે; રાજ્યનું એ ઉત્તમાંગ છે અને સાહિત્યના સર્જન માટે તેના ઉત્કટ અને વિશાળ અનુભવની અનિવાર્ય આવશ્યકતા છે એવું તેમનું સામાન્ય પ્રતિપાદન છે.

ધર્મતત્વના નિર્ણય માટે તેઓ શાસ્ત્ર, યુક્તિ અને અનુભવ — એ ત્રણ પારંપરિક પ્રમાણોને સ્વીકારે છે. શ્રુતિનાં વાક્યો બુદ્ધિની ભૂમિકા ઉપર તર્કની મદદથી બેસાડીને અનુભવની સરાણે ચડાવવાં જોઈએ એમ કહીને તેઓ ભારતીય અને પાશ્ર્ચાત્ય તત્વદૃષ્ટિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. પશ્ચિમમાં ધર્મ અને તત્વજ્ઞાન ઐતિહાસિક કારણસર જુદાં પડ્યાં તે પછી એ બંને જુદાં જ રહેવાં જોઈએ એવો ગ્રહ પાશ્ર્ચાત્ય તત્વવિદોએ ઊભો કરેલો. તેને લીધે સાધના કે ધર્માનુભવને ત્યાં તત્વચર્ચામાં સ્થાન મળ્યું નથી. બીજી તરફ ભારતમાં સાધનાના પરમલક્ષ્ય તરીકે અધ્યાત્મ-અનુભવનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેના આ વિશિષ્ટ સ્વરૂપને કારણે હિંદુ ધર્મને પાશ્ર્ચાત્યોએ તેમ અહીંના સુધારક ગણાયેલ વર્ગે જડ (dogmatic) કહ્યો અને તેની વિચારશ્રેણી બુદ્ધિપ્રમાણિત (rational) નથી એવો આક્ષેપ કર્યો. ‘સુદર્શન ગદ્યાવલિ’માં મણિલાલે કરેલી તત્વચર્ચા પરથી આ આક્ષેપનો સમર્થ જવાબ મળે છે. ‘પ્રાચીન અને અર્વાચીન વેદાન્ત’, ‘શ્રીમદભગવદભતાનો વેદાન્ત’, ‘અદ્વૈતજીવન’, ‘અભ્યાસ’ વગેરે લેખો તેનાં ઉદાહરણરૂપ છે.

મણિલાલ અને રમણભાઈ વચ્ચે દ્વૈત અને અદ્વૈતને કેન્દ્રમાં રાખીને સાડાસાત વર્ષ સુધી ચાલેલા વિવાદના નિમિત્તરૂપ લેખો પણ ‘સુદર્શન ગદ્યાવલિ’માં સમાવિષ્ટ હતા. કર્મ અને પુનર્જન્મ, અધિકાર, સ્વધર્મ-પરધર્મ, સનાતન હિંદુ ધર્મ, બ્રાહ્મધર્મ અને ક્રિશ્ચિયાનિટી, પ્રાર્થના વગેરે વિષયો પર મણિલાલ અને રમણભાઈ વચ્ચે વિવાદ ચાલ્યો હતો. પોતપોતાના સિદ્ધાંતનું વિવરણ-વિવેચન કરીને આ બંને વિદ્વાનોને લોકમત કેળવવો હતો. આમ કરવામાં સામાન્ય હિંદુસમાજને પ્રાચીન હિંદુ ધર્મ ભણી વાળવામાં મણિલાલ જેટલા સફળ થયા હતા તેટલા પ્રમાણમાં રમણભાઈ નાનકડા શિક્ષિત વર્ગને પણ પ્રાર્થનાસમાજ તરફ વાળી શક્યા હતા કે કેમ એ પ્રશ્ન છે; પણ આ વિવાદોએ ગુજરાતી ભાષાને તત્વચર્ચા માટે પળોટી અને શાસ્ત્રીય ચર્ચા તથા વિવાદશૈલીનો સુંદર નમૂનો પૂરો પાડ્યો એ તેનાથી સાહિત્યને થયેલો મોટો લાભ છે. તેની ગૌણ નીપજ રૂપે ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યરસિક નવલકથાનો ગુજરાતીમાં પ્રથમ વાર પ્રયોગ થયો એ પણ નોંધપાત્ર છે.

સ્વ. વિશ્વનાથ ભટ્ટે ‘સુદર્શન ગદ્યાવલિ’ને ‘ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર’ કહ્યો છે અને તે હેસિયતે મણિલાલ અર્વાચીન યુગના ઉત્તમ નિબંધકારોમાં સ્થાન પામેલ છે. ઉચ્ચ કોટિની વિચારસંપત્તિ તેમના નિબંધોનું મુખ્ય લક્ષણ છે. જીવનસમગ્રને મોટી ફાળે માપી લેતા બહુવિધ વિષયો, તે વિષયોનો સ્વયંસ્ફુરિત વિચાર કરતી તેજસ્વી બુદ્ધિશક્તિ, તેનું સીધેસીધું – વિષયાંતર વિના – રહસ્યદર્શન, ચેતનથી ધબકતી ભાષાશૈલી અને તેના અંગ-પ્રત્યંગને સહજ સાંકળી લેતી અશિથિલ નિયોજનપદ્ધતિ નિબંધકાર મણિલાલના બીજા ગુણો છે.

ઘનતા, સૂત્રાત્મકતા અને દૃઢ બંધ મણિલાલની ગદ્યશૈલીમાં પ્રથમ નજરે પ્રાય: જોવા મળતાં લક્ષણો છે. તેમનું ગદ્ય સંપૂર્ણ ગુજરાતી છટાવાળું હોય છે. તેમના વાક્પ્રવાહમાં અલંકારો, અવતરણો, સમાસપ્રચુર પદાવલિ અને લાંબાં વાક્યો અનુભવના રણકાવાળા શુદ્ધ ગુજરાતી મરોડવાળા વાક્યગુચ્છમાં એકરસ થઈને લખનારના વ્યક્તિત્વની દૃઢ મુદ્રાથી અંકિત, શિષ્ટ ગદ્યનું રૂપ ધારણ કરે છે. તેમાં મંદબુદ્ધિ વાચકની વિચારશક્તિને જાગ્રત કરવાનું બળ, પ્રતિપક્ષીના મંતવ્યને ઝાંખું પાડે તેવું ઓજસ અને સાહિત્યરસના પિપાસુને તૃપ્ત કરે તેવો પ્રસાદગુણ હોય છે. આને લીધે મણિલાલ ગુજરાતી સાહિત્યમાં ચિન્તનાત્મક ગદ્યના સમર્થ ઘડવૈયા તરીકે માનભર્યું સ્થાન પામ્યા છે. પ્રો. બલવંતરાય ઠાકોરે તેમને પોતાના ગદ્યગુરુ તરીકે ગણાવ્યા છે.

ધીરુભાઈ ઠાકર