ભોસલે, આશા (જ. 8 સપ્ટેમ્બર 1933, સાતારા, મહારાષ્ટ્ર, અ. 12 એપ્રિલ, 2026 મુંબઈ) : ભારતીય ચલચિત્રોનાં પાર્શ્વગાયિકા. મોટી બહેન લતા મંગેશકર સાથે આશા ભોસલેએ પણ પિતા દીનાનાથ મંગેશકર પાસે સંગીતનું પ્રાથમિક પ્રશિક્ષણ લીધું. શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસે લીધું. આ ઉપરાંત પિતા દીનાનાથ મંગેશકરનાં ગીતોની રેકર્ડ સાંભળીને તેમણે જાતે જ ગાવાની તાલીમ લીધી. 1944માં તેમનું પ્રથમ પાર્શ્વગાયન ‘માઝાં બાળ’ નામની મરાઠી ફિલ્મનું હતું. આ ગીતમાં તેમની સાથે તેમનાં ભાઈબહેનો લતા, મીના, ઉષા અને હૃદયનાથ પણ હતાં. ફિલ્મના સંગીતકાર દત્તા ડાવજેકર હતા. આ હિંદી ફિલ્મોમાં તેમનું પ્રથમ ગીત વસંત દેસાઈના સંગીતમાં ફિલ્મ ‘અંધોં કી દુનિયા’ (1947) માટે હતું. ગીતના શબ્દો હતા – ‘ગરીબોં કે દાતા ગરીબોં કે વાલી’. આ ગીતમાં તેમની સહગાયિકા જોહરાબાઈ અમ્બાલાવાલી હતી. મરાઠી ફિલ્મમાં તેમણે અભિનય પણ આપ્યો હતો. ત્યારબાદ તેઓ હિંદી ફિલ્મ ‘બડી માં’ (1945) અને ‘ટૅક્સી ટૅક્સી’(1977)માં પણ ગાયન-અભિનય સાથે ચમક્યાં હતાં. તેમનાં પ્રથમ લગ્ન 13 વર્ષની વયે ગણપત બળવંત ભોસલે સાથે થયાં હતાં. 1966માં પતિનું અવસાન થયું. બીજાં લગ્ન 1980માં પ્રસિદ્ધ સંગીતકાર રાહુલદેવ બર્મન સાથે થયાં, જેઓ 1994માં અવસાન પામ્યા. પ્રથમ લગ્નથી તેમને સંતાનોમાં બે પુત્રો હેમંત અને આનંદ છે તથા પુત્રી વર્ષા ભોસલે-કેંકરે છે.

આશા ભોસલે તેમના સૂરીલા અંદાજમાં
તેઓ ભજન, ગઝલ, શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો; મરાઠીમાં નાટ્યગીત અને ભાવગીત, ભક્તિગીત, રૉક, ડિસ્કો અને પૉપ શૈલીનાં પાશ્ચાત્ય ઢબનાં ગીતો સરખી જ કુશળતાથી રજૂ કરવાં એ તેમની આગવી વિશેષતા હતી. લગ્ન પછીની શરૂઆતની કારકિર્દીમાં તેમણે ઓછા બજેટવાળાં ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે ગીતો ગાઈને પોતાના કુટુંબનું ભરણપોષણ કર્યું હતું, પરંતુ 1957માં ઓ. પી. નય્યરના સંગીતનિર્દેશન હેઠળનાં ‘નયા દૌર’ અને ‘તુમ સા નહીં દેખા’ બે ચલચિત્રોએ તેમને માટે સફળતાનાં નવાં દ્વાર ખોલી આપ્યાં. તે જ વર્ષે સચીનદેવ બર્મનના સંગીતનિર્દેશન હેઠળનાં બે ચલચિત્રો ‘પેઇન્ગ ગેસ્ટ’ અને ‘નૌ દો ગ્યારહ’ દ્વારા તેમને નવી તક સાંપડી. કવિ પ્રદીપના ખૂબ લોકપ્રિય બનેલા ‘અય મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભર લો પાની’ ગીતના નિર્દેશક સી. રામચંદ્રે આ ગીત ગાવા માટે સૌપ્રથમ આશા ભોસલેની પસંદગી કરી હતી. ‘ઉમરાવજાન’ ચલચિત્રમાં તેમણે ગાયેલી ગઝલોએ તેમને પ્રસિદ્ધિના શિખર પર પહોંચાડ્યાં. વર્ષો પહેલાં તેમણે ગાયેલાં ‘બંદિની’(1963)નાં ગીતો અને પછીનાં વર્ષોમાં તેમણે ગાયેલાં ‘રંગીલા’(1996)નાં ગીતો સરખાં જ લોકપ્રિય બન્યાં હતાં. તેમણે ગુજરાતી સહિત દેશની 20 ભાષાઓમાં ગીતો ગાયાં છે.
આશા ભોસલેનો સંગીત સાથે આજીવન નાતો રહ્યો હતો. વર્ષ 2011માં ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આશા ભોસલેના નામે 11,000થી વધુ ગીતોનું રેકૉર્ડિંગ (most studio recording category) કરનારાં ગાયિકા તરીકેનો વિશ્વવિક્રમ નોંધાયેલો છે. આશા ભોંસલેએ ઓ. પી. નૈયર, ખૈયામ, એસ. ડી. બર્મન, આર. ડી. બર્મન, બપ્પી લાહિરી, શંકર જયકિશન, એ. આર. રહેમાન જેવા અનેક દિગ્ગજ સંગીતદિગ્દર્શકો સાથે સફળ જોડી બનાવીને ઉત્તમ ગીતો આપ્યાં.
આશા ભોસલેના યાદગાર ગીતોમાં ‘અભી ના જાઓ છોડ કર’(હમ દોનો), ‘પિયા તું અબ તો આ જા’ (કારવાં), ‘દમ મારો દમ’ (હરે રામા હરે ક્રિષ્ના), ‘ચુરા લિયા હૈ તુમને’ (યાદો કી બારાત), ‘યે મેરા દિલ’ (ડોન), ‘ઇન આંખો કી મસ્તી’ (ઉમરાવ જાન), ‘દિલ ચીઝ ક્યા હૈ’ (ઉમવરાવ જાન), ‘મેરા કુછ સામાન’ (ઇજાજત), ‘રાત અકેલી હૈ’ (જ્વેલ થીફ), ‘આઓ હુઝૂર તુમકો’ (કિસ્મત), ‘જવાની જાન-એ-મન’ (નમક હલાલ), ‘તનહા તનહા’ (રંગીલા), ‘ઝુમકા ગિરા રે’ (મેરા સાયા), ‘રંગીલા રે’ (રંગીલા), ‘રાધા કૈસે ના જલે’ (લગાન), ‘કજરા મોહબ્બત વાલા’ (કિસ્મત), ‘સૈયાં દિલ મેં આના રે’ (બહાર), ‘માંગ કે સાથે તુમ્હારા’ (નયા દૌર), ‘ઉડે જબ જબ ઝુલ્ફે તેરી’ (નયા દૌર) જેવા અનેક સદાબહાર ગીતોનો સમાવેશ થાય છે.
આશા ભોસલેએ ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ કેટલાંક ગીતો ગાયાં છે. તેમણે ઇંગ્લૅન્ડના જાણીતા સંગીતકાર ફ્લેટબૉય સ્લિમ, કૅનેડાની ગાયિકા નેલી ફર્ટાડો, બ્રિટનની પોપ ગાયિકા સારાહ બ્રાઇટમૅન, અમેરિકાના ગાયક માઇકલ સ્ટાઇપે, પાકિસ્તાની પોપ ગાયક જાવેદ અહમેદ તથા અન્ય જાણીતા સંગીત દિગ્દર્શકો અને ગાયકો સાથે પણ કામ કર્યું છે. એંસી અને નેવુંના દાયકામાં આશા ભોસલેએ કૅનેડા, યુકે, યુએસ. જેવા દેશોમાં સોનુ નિગમ, કુનાલ ગાંજાવાલા, કૈલાસ ખેર, સુદેશ ભોસલે જેવા ભારતીય ગાયકો સાથે મળીને મ્યુઝિક કૉન્સર્ટ કરી છે.
સંગીત ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ આશા ભોસલેને અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. તેમને આઠ વખત ફિલ્મફેર પુરસ્કાર, ‘દિલ ક્યા ચીઝ હૈ’ (1981) અને ‘મેરા કુછ સામાન’ (1986) ગીત માટે બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર, ‘રાધા કૈસે ના જલે’ (2001) માટે આઇફા ઍવૉર્ડનું સન્માન પ્રાપ્ત થયું છે. તેઓ બે વખત ગ્રેમી ઍવૉર્ડ માટે પણ નોમિનેશન પામ્યાં હતાં. ઑક્ટોબર 2000માં તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી ‘લતા મંગેશકર’ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને વર્ષે 2000માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર તથા 2008માં ભારત સરકારના બીજા ક્રમના સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી સન્માનવામાં આવ્યાં હતાં. આશા ભોસલેએ તેમની સંગીત કારકિર્દી દરમિયાન મરાઠી ભાષાનાં અનેક ઉત્તમ ગીતો ગાયાં હતાં અને આ માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા તરીકે તેમને અઢાર વખત ‘મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર’ પ્રાપ્ત થયા હતા. તેઓ આ પુરસ્કાર સૌથી વધુ વખત જીતનારાં એકમાત્ર ગાયિકા છે. આ ઉપરાંત તેમને ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ પણ એનાયત થયો હતો.
ફેફેસાંમાં ઇન્ફેક્શન અને મલ્ટિપલ ઑર્ગન ફેલ્યોરના કારણે તેમનું 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં અવસાન થયું.
પીયૂષ વ્યાસ
હેમલ જાદવ
