જટાયુ (1986) : ગુજરાતી સાહિત્યના આધુનિકતાવાદી અગ્રણી કવિ. અવાજોમાંનો એક અવાજ રજૂ કરતો સિતાંશુ યશશ્ચન્દ્રનો ‘ઓડિસ્યૂસનું હલેસું’ (1974) પછીનો બીજો કાવ્યસંગ્રહ. એકસાથે ‘પ્રલય’, ‘ઘેરો’, ‘જટાયુ’, ‘મોહેં-જો-દડો’ જેવી પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓ ધરાવતો આ સંગ્રહ કવિની પ્રતિભાનો ઊંચો આંક દર્શાવે છે.
અહીં કવિની સતત ફંટાતા રહેવાની ક્રિયાને જોઈ શકાય છે. કોઈ પણ કવિતાનો પ્રજાગત કે વ્યક્તિગત ઇતિહાસ એટલે અવિરત રૂઢિઓનું નિર્ધારણ અને નિર્મોચન. અહીં કવિ પોતે રૂઢ કરેલી રીતિઓથી તો ફંટાતો રહ્યો છે; પરંતુ સાથે સાથે ઉપજાવેલી વ્યક્તિતાઓથી પોતાની વ્યક્તિતાને ચાતરતો પણ રહ્યો છે. આને કારણે ઉત્તમ કવિતા માટે કવિએ જે વસ્તુલક્ષિતા સિદ્ધ કરવી જોઈએ, એનાં નિજી પરિબળો સાથેનું જે નાટ્યીકરણ થવું જોઈએ, જે પરિપ્રેક્ષ્ય, જે અંતર ઊભાં થવાં જોઈએ તે આ રચનાઓમાં જોઈ શકાય છે.
કવિ આથી જ પોતાની અંગત વેદનાને પોતાના અંગત વિવાદોને બૃહદ અન્વયો અને બૃહદ સંદર્ભો આપે છે. આસપાસના બાહ્ય ભાષાજગત અને બાહ્ય વસ્તુજગતમાંથી કવિ ઘણુંબધું ખેંચે છે; બાહ્ય પદાર્થો પર ધ્યાનને કેન્દ્રિત કરે છે. આ બધું પોતાને બહાર ખેંચવાની પેરવી રૂપે છે. પોતાની બહાર ખેંચવાની આ પેરવીમાં ‘જટાયુ’ની રચનાઓની સપાટી પર ભાષા પૂર્વેનાં દબાણો અને ભાષાતીતનાં દબાણોનો તણાવ સ્પષ્ટ વર્તાય છે.
પાણીનું મૉટિફ અહીં અનેક રચનાઓમાં પુનરાવર્તિત થતું અને પ્રસરતું જોઈ શકાય છે. પાણીના આ મૉટિફમાં ‘ઓડિસ્યૂસનું હલેસું’ના જેવી મુક્ત સાહચર્યો અને અર્ધચેતનના સંકેતોની સર્રિયલ સંકુલતા નથી; પરંતુ બહુઅર્થવિધતા જરૂર છે. અહીં સંકુલતાનો પીછો નથી કરાયો. જે કંઈ સરલ કરી નખાયું છે તે પહેલાંના અનુભવનો સાક્ષાત્કાર છે. અહીં કાચી કાવ્યસામગ્રી સુયોજિત અર્થમાંથી અને સુયોજિત અર્થ તરફ આગળ વધે છે.
આ સંગ્રહમાં વિદગ્ધ કલ્પનસામગ્રી તેમજ ઘેરો પાણી, પાપ, પુણ્ય, પ્રલય, સૂરજમુખીનાં અર્થગર્ભ પ્રતીકો વિસ્તીર્ણ લયાન્વિત સંકેતો પર પ્રતિક્રિયાશીલ અને પ્રભાવશીલ પ્રત્યાયન સાધે છે. ક્યારેક તો નકરા લયાન્વિત સંકેતો પર જ આંદોલિત જગતને પ્રત્યાયિત થવાની કવિએ રમણીય ફરજ પાડી છે. હોચી મિહન કે ચે ગૂવેરા માટેની ગુજરાતી કવિતા એનાં ઉદાહરણ છે, તો બીજી બાજુ નાદને જરાય ગૌણ ગણ્યા વગર અર્થની બહુવિધ સીમાઓમાં રોપાયેલી આ સંગ્રહની ‘પ્રલય’, ‘ઘેરો’, ‘જટાયુ’ અને ‘મોહેં-જો-દડો’ જેવી દીર્ઘરચનાઓ જે રીતે ભાષા-સ્થાપત્યો સર્જે છે, જે રીતે ભાષાના મૃતહસ્તમાંથી છટકાવીને કવિતાને ખડી રાખી શકે છે, જે રીતે પુરાણકાલીન અને મધ્યકાલીન સંકેતોને આધુનિક સંકેતોની સંગતિ આપી પ્રાણવંત કરી શકે છે તે બળૂકી કાવ્યઘટનાઓ છે. એકંદરે ‘જટાયુ’માં કલ્પનાનું સુબદ્ધ જગત પ્રગટ થયું છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા