કાગ, દુલા ભાયા

January, 2006

કાગ, દુલા ભાયા (જ. 25 નવેમ્બર 1903, મહુવા પાસે સોડવદરી; અ. 22 ફેબ્રુઆરી 1977, મજાદર, સૌરાષ્ટ્ર) : ગુજરાતી લોકસાહિત્યના સંત કવિ. કવિતા અને વીરતા માટે પ્રસિદ્ધ ચારણ કોમમાં તેરમી સદીમાં થયેલા બીજલ કવિ એમના પૂર્વજ થાય. તેની છત્રીસમી પેઢીએ થયેલા ઝાલા કાગ ગીર છોડીને મજાદર આવીને વસેલા. તેમના દીકરા ભાયા કાગ, તે દુલાભાઈના પિતા. માતા ધાનબાઈ; આતિથ્ય સારુ રોજ પોણો મણ દળણું દળનાર અન્નપૂર્ણા.

દુલા ભાયા કાગ

પોર્ટ વિક્ટરની નિશાળમાં દુલાભાઈ પાંચ ગુજરાતી ચોપડી સુધી ભણ્યા. પીપાવાવ અને ઝોલાપરની સીમમાં તેર વર્ષની ઉંમરે દુલાભાઈ ગાયો ચારતા. ન પગમાં જોડા કે ન તો માથે પાઘડી ! બાપ મારતે ઘોડે સો ગાઉ ફરી વળે અને દીકરો દોહા-ચોપાઈમાં દિવસ વિતાવે.

પિતાએ પુત્રને સંસારી રસમાં ઝબકોળવા કીમિયો કર્યો. છાંટોપાણી લઈને આંખ કસૂંબલ રાખવાની લતે ચડાવવાનું કામ સાંગણિયા ગામના એક સંબંધી હીપા મોભને સોંપ્યું. પણ હીપો તો દુલાભાઈને વટલાવવાને બદલે મિત્ર બની ગયો. હીપાની પ્રેરણાથી દુલાભાઈએ અજાચક વ્રત લીધું !

દીકરાને ગણપતિની પૂજા કરતા જોતાં જ બાપે સંત મુક્તાનંદજીને સોંપ્યો. વિચારસાગર, પંચદશી, ગીતા મોઢે કર્યાં. પિંગળનો અભ્યાસ કરવાની ઇચ્છા પ્રગટ કરી અને ગુરુકૃપાએ પરજિયા ચારણ કવિ કાગની પ્રથમ સરવાણી ફૂટી સવૈયામાં, ફક્ત સત્તર વર્ષની ઉંમરે :

‘દોડત હૈ મૃગ ઢૂંઢત જંગલ, બંદ,

સુગંધ કહાં બન બાસે ?

જાનત ના મમ નાભિમેં હૈ બંદ,

ત્યુંહી બિચારી મન મૃગ ત્રાસે.’

નિજાનંદી દુલાભાઈ ડાયરામાં પોતાની કૃતિઓ લલકારતા. દુલાભાઈનો રાષ્ટ્રીય શાયર મેઘાણી સાથે દાદાભાઈ ગઢવીએ મેળાપ કરાવતાં કહ્યું, આ ‘ફાટેલ પિયાલાનો કવિ’. ધ્રાંગધ્રાના મહારાજાનું તેડું આવતાં જ કહી દીધું ‘મારું એ કામ નહિ.’ પોતાને સાચી લાગે તે વાત કરવી. જરાય દુન્યવી દેખાડો નહિ. દુલાભાઈએ રાજકવિ થવાનું ટાળ્યું હતું.

આધ્યાત્મિકતાનો રંગ તો બાળપણથી જ લાગેલો. સનાતની સંસ્કારનો રંગ પાકો. સ્વાશ્રય, વ્રત, સત્સંગ રોજિંદા જીવનમાં વણાઈ ગયેલાં. પીપાવાવ અને તુલસીશ્યામ જેવાં તીર્થો સાથે દિલ જડાયેલું. પોતાની આસપાસની રૂઢિગ્રસ્ત જિંદગીમાં નવીન વિચારધારા પ્રવેશતાં જ તેમની કવિતા નવો રંગ ધારણ કરે છે. ઝડઝમકવાળા છંદો સાથે જ સરળ લોકઢાળો તેમણે અપનાવ્યા. સ્પર્શ્યાસ્પર્શ્ય અને માનવપ્રેમ, રાષ્ટ્રભાવના, માતૃભૂમિની વેદના, પ્રજાની જાગૃતિ વગેરે એમનાં ગીતોમાં ગૂંથેલી આખ્યાયિકાઓમાં સભર છે. ચારણના દિલની કવિતા દરબારી ખુશામત કરવાને બદલે રાષ્ટ્રના ઉત્થાનની પ્રહરી બની. તેમાં કવિની ભૂદાનભાવના ભળી. ભૂદાનપ્રવૃત્તિના અગ્રણી રવિશંકર મહારાજના પ્રભાવથી દુલાભાઈએ 50 વીઘાં જમીન, 10 હળ, 10 બળદ, 100 મણ અનાજ અને 400 મણ ઘાસ ભૂદાનમાં આપ્યાં. તેમની આ ભવ્ય ત્યાગભાવનાએ ભૂદાનનાં સંખ્યાબંધ ગીતોને જન્મ આપ્યો. આમ કવિની ર્દષ્ટિ નવાં બળોને પિછાને છે, કસે છે ને કાવ્યમાં મઢે છે.

દુલાભાઈ ભક્તકવિ છે. એમનાં ભજનોમાંના ઉદગારો સંસ્કૃત સાહિત્યનાં સુભાષિતો તથા સંસ્કૃત મહાકાવ્યોમાં નિરૂપાયેલ ભાવોને આંબતા દેખાય.

દ્રૌપદીનું વસ્ત્રાહરણ, મેઘ અને મયૂર, ‘પગ ધોઈ નાવમેં પધારો રે નરના પતિ’માં ગંગાપારનો રામાયણનો પ્રસંગ વગેરે અંગેની રચનાઓએ જનહૃદયને પરિપ્લાવિત કરેલું છે. ગણપતિ, સરસ્વતી અને ગુરુની સ્તુતિઓ; માતૃશક્તિરૂપ જોગમાયા; અંબા, નંદરાણી, દાઢિયાળો બાવો (કૃષ્ણના દર્શનાર્થે આવેલ શંકર), રામરાજ્ય વગેરે અનેક કૃતિઓ કાગવાણીની અમૃતપ્રસાદી છે.

હજારોની સંખ્યાના એમના દુહામાં સાગરખેડુ ખારવાની વાત, કોઈ ધીંગાણું, કોઈ ખાનદાનનું ખોરડું, રાણા કુંવરની વિરહભરી વાત વગેરે અનેક તાજગીભર્યા પ્રસંગો તાર્દશ થયેલા છે. ‘કાગવાણી’ના આઠ ભાગમાં દુહા, સવૈયા, છંદ, ભજનો, રામાયણ-મહાભારતના પ્રસંગો, ગાંધીભાવનાનાં ગીતો, ભૂદાનનાં ગીતો, રાસડા, ગરબા, લોકવાર્તાઓ ઇત્યાદિ જીવંત સ્વરૂપે લોકહૃદયને સ્પર્શે તેવી સામગ્રી છે.

કંઠ, કહેણી અને કવિતના આકર્ષણે કેવી અને કેટલી પ્રતિભાના સંપર્કમાં દુલાભાઈ આવેલા તે તો રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ, જવાહરલાલ, ઢેબરભાઈ, બળવંતરાય મહેતા, દરબાર વીરાવાળા, રવિશંકર મહારાજ, પંડિત સુખલાલજી, ગોકુળદાસ રાયચુરા, ઝવેરચંદ મેઘાણી, શામળદાસ ગાંધી, ધૂમકેતુ, જયભિખ્ખુ, જ્યોતીન્દ્ર દવે, મેરુભા ગઢવી વગેરેના ઉલ્લેખથી સ્પષ્ટ થઈ શકે છે.

1963માં પોતાના વતન મજાદરમાં ત્રણ ત્રણ દિવસ ગુજરાતના 250 જેટલા સાક્ષરોની મંડળીને આ દરિયાવદિલના લોકકવિએ ભોજનરસ અને કાવ્યરસનો અવિસ્મરણીય આસ્વાદ કરાવ્યો અને વિદાયગીરીમાં એકેક કામળો પણ ઓઢાડ્યો.

કવિ કાગનો કંઠ શૌર્યકથાઓમાં બુલંદ બનતો, પ્રેમકથામાં શીળો, લગ્નગીતોમાં સરવો બનતો અને ભજનમાં ભૈરવીની ભભક લાવતો અને મરસિયા માંડે ત્યારે હૃદયનાં સાતે પડ ભેદીને કરુણની પરાકાષ્ઠાએ પહોંચી જતો. વળી રજૂઆત પોતાની કૃતિઓની હોય કે પછી પ્રસિદ્ધ મહાગ્રંથોમાંથી હોય પણ દુલા કાગ ક્યારેય નોંધ, પુસ્તક કે કશાયની સહાય લેતા નહિ. સ્મરણશક્તિ અદભુત હતી. ગુજરાતના બે સારસ્વતો મેઘાણી અને કાગ અસ્ખલિત કાવ્યધારાથી હજારોની જનમેદનીનાં હૈયાંને કલાકો સુધી રસતૃપ્ત કરતા. તે સહુના પ્રિય અને સહુના હિતકર્તા બનેલા. સૌજન્ય, બુદ્ધિચાતુર્ય, તાર્કિકતા, સ્વમાનીપણું જેવા ગુણો ઉપરાંત દેશદાઝ તો એવી કે 1962ના ભારત-ચીન યુદ્ધ વખતે રતુભાઈ અદાણીની હાજરીમાં ‘ભગતબાપુ’એ પોતાની સુપુત્રીના હાથે 15 તોલાનો સોનાનો હાર રાષ્ટ્રને ચરણે ધરી દીધેલો.

દુલા કાગ લોકકવિ, લોકનેતા, માનવસંબંધોના મરમી, આત્મસંયમના ઉપાસક, સામાજિક કાર્યકર્તા એમ બહુમુખી પ્રતિભા ધરાવતા. તેમની ઉપર શ્રી અને સરસ્વતીની મહેર હતી.

‘કાગવાણી’એ અનેક એકતારાઓને રણકતા રાખ્યા છે, સભાઓને સ્તબ્ધ બનાવી છે, અનેક રાત્રિઓને ભક્તિભાવથી પવિત્ર બનાવી છે.

1962ની 26મી જાન્યુઆરીએ ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપેલો.

રમણિકભાઈ જાની