ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT) : ગુજરાતની અગ્રણી નાટ્યસંસ્થા. સ્થાપના : 1943. 1942ના આંદોલનમાં કારાવાસ ભોગવનાર સમાજવાદી વિચારસરણીના નવલોહિયા જવાનોએ, રંગમંચ લોકશિક્ષણનું મહત્વનું માધ્યમ છે એ વાત સ્વીકારીને ઇન્ડિયન નૅશનલ થિયેટરની સ્થાપના કરી. એ વખતના એમના સહભાગીઓ હતા કટારલેખક અને નામાંકિત અર્થશાસ્ત્રી રોહિતભાઈ દવે, વિવેચક બાબુભાઈ ભૂખણવાલા, ચંદ્રકાન્ત દલાલ, બચુભાઈ સંપટ વગેરે. તત્કાલીન સંજોગોને અનુરૂપ અવિનાશ વ્યાસની નૃત્યનાટિકાઓ યોગેન્દ્ર દેસાઈની માવજત પામીને ‘કાળભૈરવ’ તથા ‘ભૂખ’ રૂપે આ થિયેટર દ્વારા રજૂ થયેલી. પછી તો મોટા પાયા ઉપર જવાહરલાલ નેહરુનું ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ અને બાદમાં ‘નરસૈંયો’, ‘મીરાં’ અને ‘આમ્રપાલી’ પણ એના ઉપક્રમે રજૂ થયાં.

આઇ.એન.ટી.નું થિયેટર-કાર્ય શરૂ થયું ત્યારે સારાં નાટકો ભજવવાની નિષ્ઠા સાથે બીજી કેટલીક નાટ્યસંસ્થાઓ કામ કરતી હતી – બહુરૂપી, કલાકેન્દ્ર, નાટ્યસંપદા, ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (ઇપ્ટા), ભારતીય વિદ્યાભવન વગેરે. એ દરેકમાં કેટલાયે જાણીતાં કલાકારો કાર્યરત હતા – લાલુ શાહ, વિષ્ણુકુમાર વ્યાસ, વનલતા મહેતા, દિના ગાંધી વગેરે.

તો બીજી બાજુ અમદાવાદમાં આ અરસામાં નટમંડળ, રંગમંડળ વગેરે સંસ્થાઓ તેમજ રસિકલાલ પરીખ, જયશંકર ‘સુંદરી’, જશવંત ઠાકર, દિના ગાંધી, મૃણાલિની સારાભાઈ, કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક જેવાં કલાકારો સક્રિય હતાં.

1949માં આચાર્ય અત્રેના ‘બેડી’ના ભાષાંતર ‘લગ્નની બેડી’થી આ મંડળે ગુજરાત નાટકમાં આગોતરી ટિકિટ લેવાની પ્રથા શરૂ કરી. ચંદ્રવદન ભટ્ટ, અદી મર્ઝબાન, ફિરોઝ આંટિયા, મધુકર રાંદેરિયા, અંજની દેસાઈ, શંકરપ્રસાદ દેસાઈ, દેવયાની દેસાઈ, વ્રજલાલ પારેખ, વનલતા મહેતા, નીલાંજના મહેતા અને નિહારિકા ભટ્ટના સથવારે આ રજૂઆત થઈ. પછી પ્રથમ સસ્પેન્સ નાટક ‘ઝેર’ રજૂ થયું. પારસી નાટકોમાં ‘મોટા દિલના મોટા બાવા’, ‘શીરીનબાઈનું શાંતિનિકેતન’ પણ ભજવાયાં. આઇ. એન. ટી.ના ટૂંકા અક્ષરે જાણીતી બનેલી આ સંસ્થા તરફથી ગુજરાતી નાટકની શતાબ્દીની ઉજવણી નાટકો ભજવીને કરવામાં આવી. ફિરોઝ આંટિયાનાં એકાંકી તથા ‘ચાલો ઝેર પાઓ’ અને ‘બૈરીની બલા’ રજૂ થયાં. પછી 1954ની 31મી જુલાઈએ ‘રંગીલો રાજ્જા’ની પ્રથમ રજૂઆત થઈ, અને જયંતિ પટેલ ઘરઘરનું લાડીલું નામ બની ગયા. ગુજરાતી રંગભૂમિનું એ પ્રથમ શતપ્રયોગી નાટક હતું. પહેલાં ટિકિટ વેચવી પડતી. એ ઉપરાંત બરજોર પટેલ, દિન્યાર કૉન્ટ્રાક્ટર જેવા દિગ્દર્શકોની કુશળ માવજત પામી ‘16મી જાન્યુઆરીની મધરાતે’ ‘તારું મારું બકલીયું’ વગેરે વગેરે નાટકો લોકપ્રિયતા પામ્યાં. આ પછી ઘણા વખત સુધી એક પણ સપ્તાહ એવું ન ગયું, જ્યારે આઇ. એન. ટી.એ કોઈ ને કોઈ નાટકની રજૂઆત ન કરી હોય. મુંબઈની રંગભૂમિને સાતત્ય આપવાનો યશ આઇ. એન. ટી.ને પણ છે. ‘રંગીલો રાજ્જા’માં એક નવોદિત નટ કૃષ્ણકાન્ત શાહ (હોલીવૂડના કૃષ્ણા શાહ) કામ કરતો. આઇ. એન. ટી.ના આર્થિક પાસાને મજબૂત ટેકો આપનાર સ્ટેજ-ક્રાફ્ટની વર્કશૉપ, મંડપરચના તથા સુશોભન, પ્રકાશ વિધાનનાં સાધનો ભાડે આપવાની યોજના વગેરેનો આરંભ કરવાની દીર્ઘર્દષ્ટિ દામુભાઈ ઝવેરીની અને એમના મુખ્ય સહાયક મનસુખ જોશી અને ગૌતમ જોશીની હતી. એ પછી મનસુખ જોશીની રાહબરી હેઠળ લોકકલા સંશોધન કેન્દ્રની રાજકોટની પ્રવૃત્તિ પણ લોકકલાને જીવંત રાખવાની એમની ખેવનાનું પરિણામ હતું. હવે શ્રી મનસુખ જોશીની વિદાય (1922-2000) અને 15મી માર્ચ, 2002ના રોજ છ દાયકાની પ્રવૃત્તિ પછી દામુભાઈ ઝવેરીની વિદાય સાથે ગુજરાતી થિયેટરની સાંસ્કૃતિક પ્રવૃત્તિને મોટી ખોટ પડી છે.

આ દરમિયાન અરવિંદ ઠક્કરે પણ ઘણાં સારાં નાટકો આપ્યાં : ‘ધુમ્મસ’, ‘હલ્લો ઇન્સ્પેક્ટર’, ‘છાનું રે છપનું કાંઈ થાય નહીં’, ‘રંગરસિયા તમે આટલેથી અટકો’. આઇ. એન. ટી.નો પ્રભાવ વધારવામાં દિગ્દર્શક કલાકાર પ્રવીણ જોશીનો ફાળો અવિસ્મરણીય છે. 1963માં આઇ.એન.ટી.માં જોડાઈ તેમણે પહેલું નાટક સર્જ્યું  ‘મોગરાના સાપ’. અભિનય અને દિગ્દર્શન માટે, એ નાટક સહિત, એમને ચાર પુરસ્કારો મળ્યા. 1963માં ‘શ્યામ ગુલાલ’ નાટક માટે રાજ્ય નાટ્યસ્પર્ધામાં છ ઇનામો મળ્યાં. 1964માં ‘કોઈનો લાડકવાયો’ આવ્યું. આર્થર મિલરના ‘ઑલ માય સન્સ’ પરથી. એનું નાટ્યાંતર પણ પ્રવીણ જોશીએ જ કર્યું હતું. એ પછી નોંધપાત્ર શતપ્રયોગી નાટક ‘મંજુ-મંજુ’ (1965), ‘માણસ નામે કારાગાર’ (‘ટ્વેલ્વ અગ્રી મૅન’નો અનુવાદ – 1966), ‘તિલોત્તમા’ (‘રેબેક્કા’નું રૂપાંતર), ‘ચંદરવો’ (1965), ‘સપ્તપદી’ (1967), ‘અગનખેલ’ (‘શાંતતા, કોર્ટ ચાલુ આહે’નું રૂપાંતર-1968), ‘થેંક્યૂ મિસ્ટર ગ્લાડ’ (1977) – પ્રવીણ જોશીનાં આ બધાં રૂપાંતરિત નાટકો હતાં, પરંતુ જે મૌલિક નાટકો એમણે તખ્તા પર રજૂ કર્યાં એમાં રામજી વાણિયાનું ‘મોતી વેરાણા ચોકમાં’ (1969) અને મધુ રાયનું ‘કુમારની અગાશી’ (1972) હતાં. તેમના અકાળ અવસાન (1979) બાદ સુરેશ રાજડાને દિગ્દર્શન સોંપાયું. તેમણે પણ ‘ગોરંભો’, ‘લોકશત્રુ’, ‘કુરુક્ષેત્ર’, ‘વ્હેંત છેટું મોત’, ‘રામ વિનાનું રામાયણ’, ‘છિન્ન’, ‘મોસમ છલકે’, ‘લાક્ષાગૃહ’, ‘શ્રીલેખા’, ‘પરફેક્ટ ફેમિલી’, ‘દો દૂની પાંચ’, ‘જરીક મલાજો રાખજો’, ‘હું વલ્લભ નથી’ જેવાં નાટકો રજૂ કર્યાં.

સરિતા જોશીની નાટ્યપ્રતિભા આઇ. એન. ટી.માં પૂર્ણત: વિકસી હતી. હાલ તેઓ પ્રવીણ જોશી થિયેટર્સ ચલાવે છે. સવાસો જેટલાં ગુજરાતી નાટકો ભજવનાર આઇ. એન. ટી.એ ‘જેસલ તોરલ’, ‘ગઢ જૂનો ગિરનાર’ જેવાં લોકનાટ્ય પણ આપ્યાં છે. આઇ. એન. ટી. દ્વારા 1950થી દસ વર્ષ સુધી રાસગરબા હરીફાઈ યોજાઈ. તેની સાથે ગુજરાત-સૌરાષ્ટ્રની લોકકલાને મુંબઈના આંગણે રજૂ કરવાની પ્રથા પડી. 1955માં અખિલ ભારત લોકનૃત્ય ઉત્સવ યોજાયો. 1974થી આંતરકૉલેજ નાટ્યસ્પર્ધા પણ તે યોજે છે. આઇ. એન. ટી.ની નાટ્યનિર્માણની તવારીખ જોઈએ તો એણે લગભગ 95 ટકા નાટકો રૂપાંતરિત રજૂ કર્યાં છે. બહુ જૂજ મૌલિક નાટકો અને લેખકોને આ સંસ્થામાં પ્રોત્સાહન મળ્યું છે અને જે લેખકો મૌલિક નાટકો લખી શકે એમ હતા એમની પાસે પણ આ સંસ્થાએ નાટકોનાં રૂપાંતરો કરાવ્યાં. 1988થી ‘ગુજરાત સમાચાર ટ્રસ્ટ’ અને આઇ.એન.ટી.એ સાથે મળીને અખિલ ગુજરાત આંતર-કૉલેજ એકાંકી નાટ્યસ્પર્ધાનો આરંભ કર્યો, એમાંથી પણ અનેક કલાકારો ગુજરાતમાં ઊપસી આવ્યા છે. એ પહેલાં પણ અમદાવાદમાં આઇ.એન.ટી.એ પોતાની શાખા સ્થાપેલી. એનું વડપણ ક્ષેમુભાઈ દિવેટિયા સંભાળતા હતા. ગુજરાત સમાચાર, આઇ. એન. ટી. દ્વારા જે નાટ્ય વર્કશોપ અવાર-નવાર યોજાય છે તેમાંથી સૌમ્ય, અભિજાત, ચિન્મય, નીરજ પાઠક, વિરલ રાચ્છ વગેરે નાટ્યકર્મીઓ બહાર આવ્યા છે.

આઇ. એન. ટી.નો ઇમ્પ્રેસારિયો વિભાગ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ કલ્ચરલ રિલેશન્સ સાથે અનેક વિદેશી કાર્યક્રમો રજૂ કરે છે. તખ્તા રજૂઆતની યાંત્રિક પાંખ એ આઇ. એન. ટી.ની મોટી મૂડી છે. જેમ 1978માં બંધ થનારી કંપની ‘દેશી નાટક સમાજ’ 1965માં 75 વર્ષ સુધી ચાલનારી ભારતની એકમાત્ર ધંધાદારી નાટક કંપની હતી, તેમ આઇ. એન. ટી. આધુનિક રંગભૂમિ ઉપર સાતત્ય, વ્યવસ્થા અને પ્રસ્તુતીકરણમાં તેમજ નાટકોનાં વસ્તુ અને શૈલી ઇત્યાદિના વૈવિધ્યમાં ભારતની ભાષાઓની નાટ્યસંસ્થાઓ સાથે ગૌરવભેર બેસી શકે તેવી ગુજરાત બહારની અગ્રગણ્ય સંસ્થા ગણાઈ છે. અત્યારે આઇ. એન. ટી.નો પરદો એ જ રીતે પડી ગયો છે, કારણ કે એના દ્વારા હવે નાટકો રજૂ થતાં નથી. કૉન્ટ્રેક્ટ પ્રયોગોને લીધે કલાકારોને અને દિગ્દર્શકોને સ્વતંત્ર કલાકાર તરીકે વધુ વેતન મળે છે. તેથી તેઓએ ‘બોલાવે ત્યાં’ કામ કરવાનું શરૂ કર્યું છે. હાલ મુંબઈમાં એક પણ નાટ્યસંસ્થા નથી.

પ્રબોધ જોશી

હસમુખ બારાડી