ઇન્કિલાબ ઝિંદાબાદ : ભારતના સ્વાધીનતા-સંગ્રામ દરમિયાન લોકપ્રિય બનેલું સૂત્ર. ‘Long live revolution’ એ અંગ્રેજી સૂત્રનું તે ઉર્દૂ રૂપાંતર છે. ‘ઇન્કિલાબ’ એટલે ક્રાંતિ અને ‘ઝિંદાબાદ’ એટલે અમર રહો. ડિસેમ્બર, 1929માં લાહોર (હવે પાકિસ્તાનમાં) ખાતે રાવી નદીના કિનારા પર જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં યોજવામાં આવેલા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં પહેલી જ વાર આ સૂત્રનું આ સ્વરૂપમાં ઉચ્ચારણ થયું હતું. સંપૂર્ણ સ્વરાજ્યનો ઐતિહાસિક ઠરાવ આ અધિવેશનમાં પસાર થયો હતો તથા 26 જાન્યુઆરી, 1930નો દિવસ સમગ્ર દેશમાં ‘સ્વાતંત્ર્યદિન’ તરીકે ઊજવવામાં આવ્યો હતો.

આ સૂત્ર તેની ઐતિહાસિક પાર્શ્વભૂમિ, કર્ણમધુરતા તથા તેમાં રહેલા ભાવાત્મક જોશને લીધે આઝાદીની તે પછીની બધી જ લડતોમાં પ્રચલિત બન્યું હતું; એટલું જ નહિ, આઝાદી પછીની લોકલડતોમાં પણ તેનો મહિમા અગ્રસ્થાને રહ્યો છે. દેશની આઝાદી માટે શહીદ થનારા અનેક ક્રાંતિકારોનું સ્મરણ આ સૂત્રની સાથે સંકળાયેલું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે