અરડૂસી : દ્વિદળી વર્ગની ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adhatoda vasica Nees. (સં. आटरुषक, अटरुष, वासा; હિં. अडुसा, अडुलसा;  મં. અડૂળસા; બં. વાકસ વાસક; ગુ. અરડૂસી; અં. મલબાર નટ ટ્રી) છે. એખરો, કારવી, લીલું કરિયાતું, હરણચરો, કાળી અંઘેડી વગેરે તેનાં સહસભ્યો છે.

Adulsa flowers

અરડૂસી

સૌ. "Adulsa flowers" by QueerEcofeminist | CC BY-SA 4.0

બહુશાખિત 1.5થી 2.5 મીટર ઊંચા રોપ અગર છોડ. સદા લીલા રહે. સામસામાં 11 સેમી. × 3.8 સેમી. માપનાં તીવ્ર વાસવાળાં, અંડાકાર, સાંકડા થતા પર્ણતલવાળાં પર્ણો. પુષ્પદંડ વગરનાં, સફેદ (ક્વચિત જ કાળાશ પડતાં) ઑગસ્ટ-નવેમ્બર માસમાં પંચાવયવી પુષ્પો આવે. વજ્રપત્રો ઉપરથી નીચે સુધી ફાટવાળાં અને ફક્ત કિનારી-તલથી જોડાયેલાં. બે ઓષ્ટકવાળું દલપુંજ. નલિકાના નાકા ઉપર પાંખડીઓ ગુલાબી રંગની લીટીઓ ધરાવે. બે રુવાંટીવાળાં પુંકેસરો. ફેબ્રુઆરી-મે માસ દરમિયાન ફાટે તેવું પ્રાવર (capsule) ફળ આવે. [‘ગુજરાતની વનસ્પતિ’(લે. શાહ જી. એલ.)ના પૃષ્ઠ 527 પર ઉલ્લેખ છે કે તેને ફળ બેસતાં જ નથી.] ગરમ અથવા સાધારણ ઠંડા પ્રદેશમાં થાય છે. ભારતમાં બધે જ જોવા મળે છે. મુખ્યત્વે દેહરાદૂન અને સહારનપુર જિલ્લાના કેટલાક ભાગોમાં, જેસોરની ખીણમાં આશરે 1,200 મીટર ઊંચાઈ સુધી જોવા મળે છે.

આયુર્વેદ પ્રમાણે અરડૂસીનાં પાન અને ફૂલ ખાંસી, દમ, શરદી, કફ જેવા શ્વસનતંત્રના રોગોમાં ખૂબ જ ઉપયોગી ગણાય છે. રક્તપિત્ત, ક્ષય, ખસ અને પ્રદર ઉપર પણ અરડૂસીનો રસ ઉપયોગી હોવાનો ઉલ્લેખ છે. આધુનિક ઔષધોમાં ‘સિરપ વસાકા’ના રૂપમાં તે ઉધરસ-કફનાં ઘણાં ઔષધોમાં હોય છે.

અરડૂસીમાં આલ્કેલૉઇડ અને બાષ્પશીલ તેલ રહેલાં છે. આલ્કેલૉઇડ છોડના બધા ભાગોમાં હોય છે અને તેનું પ્રમાણ 2થી 4 ટકા જેટલું હોય છે. ઔષધ તરીકે પર્ણ અને ફૂલવાળી ડાળીઓ જ મુખ્યત્વે વપરાય છે. વાસીસિન અને વાસીસિનોન મુખ્ય આલ્કેલૉઇડ છે. વાસીસિનનું ઉપચયન (oxidation) થતાં વાસીસિનોન બને છે. વાસીસિન અનૈચ્છિક (autonomic) પેશીઓનું સંકોચન (contract) કરે છે, જ્યારે વાસીસિનોન તેને વિસ્ફારિત (dilate) કરે છે. દમ જેવા રોગોમાં શ્વાસનળીઓ સંકોચાય છે. મોં વાટે આપેલ અરડૂસીમાંનું વાસીસિન શરીરમાં વાસીસિનોનમાં રૂપાંતરિત થાય છે અને સંકોચાયેલ શ્વાસનળીઓને વિસ્ફારિત કરીને દમમાં રાહત આપે છે. જમ્મુની રિજ્યૉનલ રિસર્ચ લૅબોરેટરીએ 1975ના અરસામાં અરડૂસી ઉપર સઘન સંશોધન કર્યું હતું. આમાં અરડૂસી રક્તપિત્ત ઉપર, ગર્ભાશય તેમજ બીજાં અંગોમાં થતો રક્તસ્રાવ અટકાવવામાં અને ગર્ભાશયને સંકોચનાર તરીકે ઉપયોગી હોવાનું માલૂમ પડ્યું હતું.

શોભન વસાણી

મ. દી. વસાવડા

ગોરધનભાઈ છનાભાઈ ભાવસાર

સરોજા કોલાપ્પન