અમારી વાત
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
આરંભ : 1985ની 2જી ડિસેમ્બરે શુભારંભ
1985ની 2જી ડિસેમ્બરે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના કાર્યનો શુભારંભ થયો. એચ. એલ. કૉમર્સ કૉલેજની હૉસ્ટેલના ભોજનગૃહનું મકાન અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ આપ્યું અને ત્યાંથી આ યોજનાની શરૂઆત થઈ. એના પ્રારંભથી જ શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ ટ્રસ્ટના અધ્યક્ષ રહ્યા હતા. તે ઉપરાંત શ્રી સાંકળચંદભાઈ પટેલ, શ્રી ધીરુભાઈ ઠાકર, શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી દીપચંદ ગારડી, શ્રી કંચનલાલ પરીખ, શ્રી પ્રભુદાસ પટેલનું ટ્રસ્ટીમંડળ રચાયું. જેમાં થોડા સમય બાદ શ્રી હીરાલાલ ભગવતી અને શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પણ જોડાયા અને જુદા જુદા વિષયના તજ્જ્ઞોના સાથ અને સહયોગથી વિશ્વકોશના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો.
ગુજરાત પાસે વિશ્વકોશ હોવો જોઇએ એવી ભાવનાથી પૂજ્યશ્રી મોટાએ યુનિવર્સિટીને દાન આપ્યું હતું. એ શક્ય ન બનતાં એ દાન ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને આપવામાં આવ્યું. ટ્રસ્ટના પ્રારંભકાળે એમના આર્શીવાદ પ્રાપ્ત થયાં અને એ પછી એમની સ્મૃતિમા સંસ્થાએ અનેક આયોજનો કર્યાં. એવી જ રીતે પ્રથમ ગ્રંથનું વિમોચન પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું અને સહુ કાર્યકરોને એમણે આર્શીવાદ આપ્યાં હતાં.
અત્યારે એના ટ્રસ્ટી સર્વશ્રી કુમારપાળ દેસાઈ, શ્રી પી. કે. લહેરી, શ્રી સી. કે. મહેતા, શ્રી દાઉદભાઈ ઘાંચી, શ્રી ગુણવંત બરવાળિયા, શ્રી નીતિનભાઈ શુક્લ, શ્રી પ્રકાશભાઈ ભગવતી, શ્રી પ્રીતિ શાહ છે.
સાંકળચંદભાઈ પટેલ
શ્રી સાંકળચંદભાઈ પટેલ : જ. 20 ફેબ્રુઆરી, 1907, વિસનગર; અ. 28 નવેમ્બર, 1986, અમદાવાદ
મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિના જનક અને ઉત્તર ગુજરાતના અગ્રણી લોકસેવક શ્રી સાંકળચંદભાઈ પટેલની પ્રેરણાથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પ્રારંભ થયો. સમાજના કચડાયેલા અને ખાસ કરીને પછાત ગણાતી કોમોના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તેમણે કરેલું કાર્ય યાદગાર બની રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના સમયે એમણે આપેલા આર્થિક સહયોગને પરિણામે જ ગુજરાતી વિશ્વકોશનું સર્જન થઈ શક્યું. મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં મહત્ત્વનો ફાળો આપનાર કર્મયોગી સાંકળચંદભાઈ પટેલે એમના મિત્ર ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે વિશ્વકોશનો કરેલો જ્ઞાનયજ્ઞ ગુજરાતની અસ્મિતા પ્રગટાવનારો બની રહ્યો.
ધીરુભાઈ ઠાકર
શ્રી ધીરુભાઈ ઠાકર : જ. 27 જૂન, 1918, કોડીનાર; અ. 24 જાન્યુઆરી, 2014, અમદાવાદ
ગુજરાતી ભાષાને પોતાનો વિશ્વકોશ હોવો જોઈએ એવા દૃઢ સંકલ્પ સાથે પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરે સર્વસાધારણ વિશ્વકોશ (General Encyclopedia) ગુજરાતીમાં તૈયાર કરવા માટે સંકલ્પ કર્યો. ગુજરાતી સાહિત્યના વિવેચક, નાટ્યવિદ્યાના વિશ્લેષક અને મોડાસા શૈક્ષણિક સંકુલના નિર્માણમાં મહત્ત્વનો ફાળો આપનાર શ્રી ધીરુભાઈ ઠાકરે વિશ્વસમસ્તના જ્ઞાન-વિજ્ઞાનની તમામ શાખાઓની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવો આ જ્ઞાનયજ્ઞ આરંભ્યો અને નિવૃત્તિ બાદ 67મા વર્ષે શરૂ કરેલો આ જ્ઞાનયજ્ઞ એમણે ગુજરાતી ભાષાને વિશ્વકોશના 25 ગ્રંથો સમર્પીને પૂર્ણ કર્યો અને એ રીતે ગુજરાતની પ્રજાના ઉત્કર્ષ માટે જ્ઞાન-સાધન ઉપલબ્ધ કરવાનું સ્વપ્ન સિદ્ધ કર્યું.
કુમારપાળ દેસાઈ
શ્રી કુમારપાળ દેસાઈ : જ. 30 ઑગસ્ટ, 1942, રાણપુર
શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, ધર્મદર્શન જેવાં જુદાં જુદાં ક્ષેત્રો સાથે જોડાયેલા કુમારપાળ દેસાઈએ પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ મહાયોગી આનંદઘનજી વિશે મહાનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી મેળવી હતી. એમણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રારંભકાળથી જ શ્રી ધીરુભાઈ ઠાકર સાથે રહીને વિશ્વકોશના વિકાસનું સતત કાર્ય કરતા રહ્યા. વિશ્વકોશની જુદી જુદી પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તે માટે અને એને માટે આર્થિક વિટંબણાઓ ન રહે તે રીતે એમણે ગ્રંથશ્રેણી, વ્યાખ્યાનશ્રેણી વગેરેનાં આયોજનો કર્યાં તેમજ વિશ્વકોશભવનના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આજે વડમાંથી વડવાઈઓ ફૂટે તે રીતે વિશ્વકોશની સતત વિકસતી જતી પ્રવૃત્તિઓના એ પ્રેરણારૂપ છે.
ચંદ્રકાન્ત શેઠ
શ્રી ચંદ્રકાન્ત શેઠ : જ. 3 ફેબ્રુઆરી 1938, કાલોલ, પંચમહાલ
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ગુજરાતી સાહિત્યના સમર્થ સર્જક શ્રી ચંદ્રકાન્ત શેઠના નેતૃત્વ હેઠળ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે બાળવિશ્વકોશના 1થી 10 ભાગ તૈયાર કર્યાં. એ જ રીતે એમની ઉત્કૃષ્ટ સંપાદનકલાનો લાભ ગુજરાતી વિશ્વકોશને પણ મળ્યો અને એમના દ્વારા ગુજરાતી વિશ્વકોશના ગ્રંથ 1થી 10ની શુદ્ધિ-વૃદ્ધિનું કામ પણ થયું. ગુજરાતી સાહિત્યમાં કવિતા, વાર્તા, નિબંધ, વિવેચન અને સંપાદન જેવાં સાહિત્ય સ્વરૂપોમાં એમણે વિશિષ્ટ પ્રદાન કર્યું છે અને 1998થી ગુજરાત વિશ્વકોશના વિભાગીય સંપાદક તરીકે કાર્ય કર્યું છે. સવિશેષ તો એમની ચીવટ, ખંત અને પરિશ્રમ ભવિષ્યમાં આવું સંપાદન-કાર્ય કરનાર સહુ કોઈને માટે ર્દષ્ટાંતરૂપ બની રહેશે.
સર્જક જયભિખ્ખુ
શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ : સર્જક જયભિખ્ખુની ષષ્ટિપૂર્તિ પ્રસંગે 1967માં સ્થાપના
ગુજરાતી સાહિત્યમાં માનવતાપ્રેરક અને મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન કરનાર સર્જક જયભિખ્ખુએ નવલકથા, નવલિકા, ચરિત્ર, નાટક – એમ જુદાં જુદાં સાહિત્ય-સ્વરૂપોમાં ખેડાણ કર્યું અને 300થી વધુ પુસ્તકોનું સર્જન કર્યું છે. આ સર્જકની સ્મૃતિમાં ચાલી રહેલા શ્રી જયભિખ્ખુની ષષ્ટિપૂર્તિ પ્રસંગે 1967માં શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના થઈ. જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના વિશ્વકોશના તમામ ગ્રંથોને ઑનલાઇન મૂકવાના પ્રયાસને આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. આજે જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા ગ્રંથપ્રકાશન, તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખુ ઍવૉર્ડ તથા ગુજરાતનાં વિવિધ શહેરોમાં જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાન તેમજ લેખક-સહાયકનિધિ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. અત્યારે એના ટ્રસ્ટી તરીકે સર્વશ્રી કુમારપાળ દેસાઈ, શ્રી ચંદ્રકાન્ત મહેતા, શ્રી અંજનાબહેન ભગવતી, શ્રી ગુણવંત બરવાળિયા અને શ્રી કૌશલ દેસાઈ કાર્યરત છે.