સાયગલ, ઓમેશ (જ. 29 માર્ચ 1941, સિમલા, હિમાલય પ્રદેશ) : હિંદી અને ભારતીય અંગ્રેજી લેખક. તેઓ બી.ટેક. (મિકૅનિકલ ઇજનેરી, આઇઆઇટીમાં ઑનર્સ) થયેલા. 1973માં રાજ્યસેવામાં માન્ચેસ્ટર યુનિવર્સિટીની પદવી મેળવી. પછી તેઓ ભારતીય વહીવટી સેવામાં જોડાયા; નૅશનલ કૅપિટલ ટેરિટરી, નવી દિલ્હીમાં ચીફ સેક્રેટરી રહ્યા; 1969-71 દરમિયાન જિલ્લા-મૅજિસ્ટ્રેટ, ત્રિપુરા; 1971-72માં ત્રિપુરા સરકારના સચિવ; 1980-81માં પ્રવાસન વિકાસ નિગમ; 1981-82માં સમાજકલ્યાણ-વિભાગના સચિવ; 1982-85 સુધી લક્ષદ્વીપના ઍડ્મિનિસ્ટ્રેટર રહ્યા. 1993-94માં દિલ્હી નાણાનિગમના અધ્યક્ષ અને નાણા તથા આયોજનના પ્રધાન સચિવ (પ્રિન્સિપલ સેક્રેટરી) રહ્યા.
તેમણે અત્યાર સુધીમાં હિંદી તથા અંગ્રેજીમાં 15 ગ્રંથો આપ્યા છે. હિંદીમાં : ‘અંત કે ઉસ પાર’ (1978); ‘અપની પહચાન’ (1982); ‘દોપહર કા ઠહરાવ’ (1982) તેમની લોકપ્રિય નવલકથાઓ છે. અંગ્રેજીમાં ‘બાપુ’ (1968) ઉદ્દીપ્ત ભાવનાઓવાળો ચરિત્રગ્રંથ છે; ‘ડેડ એન્ડ’ (1977), ‘હિ વૉલ્ટ’ (1979) નવલકથા તથા ‘ત્રિપુરા : ઇટ્સ હિસ્ટરી ઍન્ડ કલ્ચર’ (1978); ‘લક્ષદ્વીપ લૅન્ડ ઍન્ડ પીપલ’ (1990) એ બંને તેમના ઉલ્લેખનીય વર્ણનાત્મક નિબંધસંગ્રહો છે. તેમણે હિંદી અને અંગ્રેજી અનેક ફિલ્મો તથા દસ્તાવેજી ચિત્રપટોની (પટ)કથાઓના લેખક અને દિગ્દર્શક તરીકે પણ કામગીરી કરી છે.
બળદેવભાઈ કનીજિયા