કૅરિન્ગ્ટન, લિયૉનૉરા (જ. 6 એપ્રિલ 1917, ક્લૅટન ગ્રીન, લૅન્કેશાયર, બ્રિટન; અ. 25 મે 2011, મેક્સિકો સીટી, મેક્સિકો) : પરાવાસ્તવાદી શૈલીમાં સર્જન કરનાર આધુનિક બ્રિટિશ મહિલા-ચિત્રકાર. કલાક્ષેત્રે સ્વશિક્ષિત કૅરિન્ગ્ટનને રેનેસાંસ-ચિત્રકાર હિરોનિમસ બૉશ તથા યુરોપની મધ્યયુગીન સંસ્કૃતિની કીમિયાગીરી અને મેલી વિદ્યામાં ઊંડો રસ હતો; જેનો પ્રભાવ રહસ્યમય અને બિહામણું વાતાવરણ ધરાવતાં તેમનાં મૌલિક ચિત્રોમાં દેખાઈ આવે છે. 1942 સુધી તેમણે લંડન-નિવાસ કર્યો. ત્યારપછી તેઓ મેક્સિકો ચાલ્યાં ગયાં અને ત્યાં નારીવાદી મહિલા-ચિત્રકાર રેમેડિયોસ વારો સાથે રહેવા માંડ્યાં. પ્રકૃતિનાં ઘાતક પરિબળો સામે સામી છાતીએ ટક્કર લેતી મહિલાઓ તેમનાં ચિત્રોનો મુખ્ય વિષય છે; પરંતુ ચિત્રોમાંની આકૃતિઓની અતાર્કિક ગૂંથણી ચિત્રોને પરાવાસ્તવવાદી સ્પર્શ આપવામાં સક્ષમ નીવડે છે.
અમિતાભ મડિયા