લા સ્ટ્રાડા : ચલચિત્ર. ભાષા : ઇટાલિયન. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1954. નિર્માતા : કાર્લો પૉન્ટી, ડિનો દ લૉરેન્ટિસ. દિગ્દર્શક : ફ્રેડરિકો ફેલિની. પટકથા : ફ્રેડરિકો ફેલિની, તુલિયો પિનેલી, એનિયો ફલેયાનો. કથા : ફેનિલી અને પિનેલીની વાર્તા પર આધારિત. છબિકલા : ઑતેલો માર્તેલી. સંગીત : ફ્રેન્કો ફેરારા. મુખ્ય કલાકારો : ઍન્થની ક્વિન, ગ્યુલિયેતા માસિના, રિચાર્ડ બેઝહાર્ટ, આલ્ડો સિલ્વાના, વિવિયા વેન્તુરિની.
ખ્યાતનામ ઇટાલિયન ચિત્રસર્જક ફ્રેડરિકો ફેલિનીનાં શ્રેષ્ઠ ચિત્રોમાંના એક આ ‘લા સ્ટ્રાડા’ની કથાની માવજત અને તેના નિરૂપણની શૈલી પર સ્પષ્ટપણે ફેલિનીની છાપ જોવા મળે, કારણ કે ફેલિનીને જે કેટલાંક પ્રતીકો પ્રિય હતાં અને અવારનવાર તેમણે તેમનો ચિત્રોમાં ઉપયોગ કર્યો હતો એ આ ચિત્રમાં પણ છે; જેમ કે, સરકસ, પૃથ્વી અને આકાશની વચ્ચે લટકી પડેલી કોઈ આકૃતિ, દરિયાકાંઠો વગેરે. ‘લા સ્ટ્રાડા’ને યુદ્ધ પછીના ઇટાલીમાં ઉદભવેલા નવવાસ્તવવાદ અને એ પછીનાં ચિત્રોમાં જોવા મળતાં આત્મકથાનકોની વચ્ચેની કડી ગણવામાં આવે છે. ઘણા સમીક્ષકો આ ચિત્રને ફેલિનીનાં કેટલાંક પ્રશિષ્ટ ચિત્રોની પૂર્વતૈયારીરૂપ ગણે છે. આ ચિત્રની કહાણી સાદીસીધી છે. ફેલિનીએ તેને કોઈ આધ્યાત્મિક કથાની જેમ આલેખી છે, જેમાં પાત્રો દ્વારા તેમણે શરીર અને આત્મારૂપી પ્રતીકો નિરૂપ્યાં છે. ચિત્રનો નાયક ઝેમ્પાનો મનુષ્યના રૂપમાં પ્રાણીનું પ્રતીક છે. ગિલ્સોમિના આત્મા, નિર્દોષતાનું પ્રતીક છે; જ્યારે બજાણિયા જેવો એક કલાકાર મન અને દિમાગનું પ્રતીક છે.
ઝેમ્પાનો નામનો એક કસરતબાજ હરતુંફરતું સરકસ લઈ એક ગામેથી બીજા ગામે ફરીને અંગકસરતના ખેલ દર્શાવતો હોય છે. એક મોટરસાઇકલની પાછળ ખેંચાતા એક વેગનમાં તેનો અસબાબ છે. તેને એક સહાયકની જરૂર વર્તાય છે. એ માટે તે દરિયાકાંઠે રહેતી એક ગરીબ વિધવા પાસેથી તેની યુવાન દીકરીને ખરીદી લે છે. આ છોકરી ગેલ્સોમિનો સહેજ મંદબુદ્ધિની હોય એવી છે. તેની સાથેનો ઝેમ્પાનોનો વહેવાર ખૂબ ક્રૂર છે, પણ આ ક્રૂરતાની છોકરી પર કોઈ અસર નથી. તે ચહેરા પર એક છૂપા સ્મિત સાથે બધું સહન કરતી રહે છે, જાણે કંઈ બન્યું જ નથી. તેઓ એક નગરમાં પહોંચે છે. ત્યાં બે મકાનોની છત સાથે ઊંચે દોરડું બાંધીને ‘મૂરખ’ તરીકે ઓળખાતો બજાણિયા જેવો કલાકાર તેના પર જાતજાતના ખેલ કરતો હોય છે. એ જોઈને છોકરીનો તો શ્ર્વાસ જ તાળવે ચોંટી જાય છે. આ મૂરખ અને ઝેમ્પાનો એક જ સરકસમાલિકની નોકરી કરતા હોય છે. મૂરખ ઝેમ્પાનોના ચાળા પાડે છે એટલે બંને વચ્ચે ઝઘડો થાય છે. ઝેમ્પાનો તેના પર હુમલો કરે છે. તેને કારણે ઝેમ્પાનોને જેલમાં જવું પડે છે. એ પછી મૂરખ ગેલ્સોમિના તરફ આકર્ષાય છે, પણ તેને ખ્યાલ આવે છે કે એ યુવતી તો ઝેમ્પાનો તરફ ઢળેલી છે. તે ગેલ્સોમિનાથી દૂર જતો રહે છે, પણ ઝેમ્પાનો જેલમાંથી છૂટીને આવે છે ને તેને આ વાતની જાણ થાય છે એટલે તે ઈર્ષ્યાને કારણે મૂરખની હત્યા કરી નાંખે છે. એ જાણીને ગેલ્સોમિના પાગલ થઈ જાય છે. તે સાથે ફેલિનીની ફિલ્મોમાં જોવા મળે એવો અંત આવે છે. પરાજિત પુરુષ દરિયાની સામે જઈને ઊભો રહે છે, કેટલાક પ્રશ્નોના જવાબો માટે, પણ તેના કોઈ જવાબ મળતા નથી.
આ ચિત્રને શ્રેષ્ઠ વિદેશી ચિત્રનો ઑસ્કર ઍવૉર્ડ સહિત બીજાં ઘણાં પારિતોષિકો મળ્યાં હતાં. ફેલિની અને તુલિયો પિનેલીને શ્રેષ્ઠ પટકથા માટેનું નામાંકન પણ મળ્યું હતું.
હરસુખ થાનકી