લાવાપ્રવાહ : સામાન્ય અર્થમાં ભૂગર્ભમાંથી બહાર નીકળી વહી જતા લાવાનો પ્રવાહ અને ભૂસ્તરીય સંદર્ભમાં લાવામાંથી ઠરીને બનેલો ખડકરચનાનો થર. લાવાપ્રવાહનાં તાપમાન 1,400° સે.થી 500° સે. સુધીના ગાળાનાં હોય છે. લાવામાંથી તૈયાર થતી રચનાઓના આધારે લાવાપ્રવાહોના ચાર પ્રકારો પાડવામાં આવેલા છે. આ રચનાઓનો આધાર લાવાની સ્નિગ્ધતા, તાપમાન, બંધારણ અને પર્યાવરણ પર રહેલો હોય છે. લાવામાં ભળેલા વાયુઓના ઊડી જવાથી તૈયાર થતો ખડક છિદ્રાળુ બને છે. લાવાપ્રવાહની તરલતા તેમાં રહેલા વાયુઓની માત્રા પર આધારિત હોય છે. બેઝિક બંધારણવાળો લાવા વધુ તરલ હોવાથી, વહનગતિ ઝડપી હોય છે, તેમ છતાં ગતિનો આધાર ઓછીવત્તી તરલતા તેમજ ભૂપૃષ્ઠના ઢોળાવ પર રહેતો હોય છે. ઍસિડ બંધારણવાળો લાવા સિલિકાસમૃદ્ધ હોવાથી ઓછો તરલ (અર્થાત્ ઘટ્ટ) હોય છે અને ઝડપથી ઠરી જાય છે.
પ્રકારો : લાવા જેમ જેમ ઠંડો પડતો જાય અને ઠરતો જાય તેમ તેમ તેમાં રહેલા વાયુઓ ઊડતા જાય છે. પરિણામે વાયુછિદ્રો ઉદભવતાં જાય છે. તેમની દૃશ્ય-સપાટી ખરબચડી, કાંટાળી, તીક્ષ્ણ ધાર જેવી બની રહે છે. ઘન લાવાના આવા ખરબચડા જથ્થાને ‘આ’ લાવા (AA લાવા – હવાઈયન નામ) કહે છે. (જુઓ આકૃતિ.) આ પ્રકારની રચના જ્યારે લાવા વાયુમિશ્રિત હોય અને વિસ્ફોટ થાય ત્યારે બને છે.
પાહોઇહો લાવા (pahoehoe lava) : લીસા, દોરડા જેવા અને સાટીન દેખાવવાળા લાવાપ્રવાહોને પાહોઇહો લાવા અથવા રજ્જુ લાવા કહે છે. (જુઓ આકૃતિ.) સામાન્ય રીતે આ લાવાપ્રકાર ફાટોમાંથી નીકળે છે. તે વિસ્ફોટરહિત હોય છે અને ધીમે ધીમે ઠંડો પડે છે. તે ઓછો સ્નિગ્ધ હોવાથી ‘આ’ લાવા કરતાં લાંબો વખત તરલ સ્થિતિમાં રહે છે. આ પ્રકારના લાવાનાં બાહ્ય પડો આંતરિક પડો કરતાં વધુ ઝડપથી ઠંડાં પડીને ઠરી જાય છે. અંદરના દળમાં જો વહન ચાલુ રહે તો બોગદા આકારનાં પોલાણો ઉદભવે છે, જે લાવાજન્ય ગુફા તરીકે ઓળખાય છે. આવાં પોલાણોમાં ક્યારેક કાચદ્રવ્યના અધોગામી સ્તંભ-આકારો તેના છતભાગમાંથી રચાય છે. આઇસલૅન્ડ અને હવાઈ ટાપુઓમાં આવાં પોલાણો જોવા મળે છે.
તકિયા લાવા (pillow lava) : જળના સંજોગો હેઠળ ઠરીને તૈયાર થતો આ પ્રકાર પાહોઇહો લાવાપ્રવાહને મળતો આવે છે. તકિયા કે ઓશીકાં એકબીજા પર ગમે તે સ્થિતિમાં મૂકી રાખ્યાં હોય એવું દૃશ્ય આ લાવા-પ્રકારમાં દેખાતું હોવાથી આવું નામ પડેલું છે. આ પ્રકારની રચના તૈયાર થવાની ક્રિયાપદ્ધતિ આ પ્રમાણે સમજાવવામાં આવે છે : ફાટમાંથી બહાર નીકળતા લાવાની ઝડપ કરતાં અંદરના લાવાનું દબાણ વધુ હોય તેમજ લાવા સુઘટ્ય હોય, તો સમયાંતરે નીકળતો રહેતો લાવા ઉપરાઉપરી ગોઠવાતો જઈ ઠરતો જાય છે. પાણીની અસરથી ઠરતા લાવામાં તડો પડે છે, તડોમાંથી બીજો લાવા બહાર પડે છે, આ રીતે લાવાનાં આવર્તનો થતાં રહેવાથી તકિયા જેવા આકારોની રચના તૈયાર થાય છે. આ પ્રકારની લાવા-રચનાઓ મધ્યસમુદ્રીય ડુંગરધારો (mid-oceanic ridges) પર જોવા મળે છે.
ન્યૂએસ આર્ડન્ટ્સ (nuees ardents) : આ શબ્દ મૂળ ફ્રેન્ચ છે. પિલિયન પ્રકારના જ્વાળામુખીના પ્રસ્ફુટન સાથે આ લાવા-રચના સંકળાયેલી છે. તેમાંનું દ્રવ્ય ત્વરિત દહનશીલ વાયુભારિત હોય છે. પ્રસ્ફુટન દરમિયાન આ પ્રકારનું દ્રવ્ય ઊડીને, ઠરીને પછી પ્રવાહી ટીપાંમાં ફેરવાતું હોય છે. પ્રસ્ફુટન દરમિયાન અંદરના વાયુઓ મુક્ત બનતા જાય છે, વાયુસ્વરૂપી વાદળો વિસ્તૃત બની રહે છે. વાદળમાંથી ઠરતા જતા લાવાકણો એકમેકથી છૂટા પડતા જાય છે, તરલતા વધતી જાય છે. જો ઢોળાવ મળી જાય તો ઝડપી ગતિથી વહે છે. આવા વહેતા ગરમ લાવાપ્રવાહોને સળગતા લાવાપ્રવાહ કહે છે. તેમની અસર વિનાશાત્મક હોવાથી માર્ગમાં આવતા દ્રવ્યને બાળી મૂકે છે. સીસું ગલન પામી જાય એટલી તેમની ગરમી હોય છે. 1902માં પ્રસ્ફુટન પામેલા માઉન્ટ પીલીમાંથી આવા ન્યૂએસ આર્ડન્ટ્સનાં અમુક સંખ્યામાં આવર્તનો થયેલાં, જે પૈકીનું છેલ્લું વધુ વિનાશાત્મક હતું, તેને કારણે વેસ્ટ ઇન્ડિઝના સેન્ટ પીલી બંદર(શહેર)ના 30,000 માણસોનો નાશ થયેલો અને શહેર તારાજ થઈ ગયેલું.
આ ઉપરાંત લાવાપ્રવાહોની સાથે અન્ય રચનાઓ અને આકારો પણ તૈયાર થઈ શકે છે.
પ્રવાહજન્ય બ્રેસિયા (flow breccia) : લાવાની પ્રસ્ફુટનક્રિયા દરમિયાન અગાઉથી સ્ફટિકીકરણ પામેલાં કે ઠરી ગયેલાં ખડકદ્રવ્યો તેમાં સામેલ થાય ત્યારે તેમાંથી જમાવટ પામતી ખડકરચનાને પ્રવાહજન્ય બ્રેસિયા કહે છે.
વિખેરણ–શંકુ (spatter cone) : ફાટમાંથી પ્રસ્ફુટન પામતો લાવા પરપોટાઓના સ્વરૂપમાં કણવિખેરણ કરતો જાય તો ફાટની આજુબાજુ બહાર તરફ નાના ઢગલા કે ટેકરા જેવી રચના કરે છે. આવા આકારના ભૂમિસ્વરૂપને વિખેરણ-શંકુ કહે છે.
ગિરીશભાઈ પંડ્યા