લાવણ્યસમય (જ. 1465, અમદાવાદ; અ. ?) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક ગણનાપાત્ર જૈન સાધુ કવિ. કવિના દાદા પાટણથી અમદાવાદ આવીને વસેલા. સંસારી નામ લઘુરાજ. નવમા વર્ષે 1473માં દીક્ષા લઈને તપગચ્છના આચાર્ય સોમસુંદરસૂરિની પરંપરામાં લક્ષ્મીસાગરસૂરિ – સમયરત્નના શિષ્ય બન્યા. એમનું સાધુનામ લાવણ્યસમય. 1499માં એમને પંડિતપદ પ્રાપ્ત થયું.

સોળમે વર્ષે એમનામાં કવિત્વશક્તિની સ્ફુરણા થઈ અને એ પછી એમણે પ્રબંધ, રાસ, ચોપાઈ, છંદ, કવિત, ગીત, સંવાદ જેવી વૈવિધ્યપૂર્ણ રચનાઓ કરી.

એમના દેહાવસાનનું વર્ષ ઉપલબ્ધ નથી, પણ એમની છેલ્લી રચના-વર્ષ ધરાવતી એક કૃતિ 1533ની હોઈને એમનો હયાતીકાળ 1465થી 1533નો નિશ્ચિત કરી શકાય છે.

એમની નાનીમોટી કથામૂલક કૃતિઓમાં સૌથી વિશેષ મહત્ત્વની અને સુપ્રસિદ્ધ કૃતિ છે 1512માં રચાયેલી ‘બિમલ પ્રબંધ’. પ્રબંધ, રાસ અને ચરિત્ર – એ ત્રણેયનાં લક્ષણો ધરાવતી આ કૃતિ 1536 કડીઓમાં વિસ્તરેલી છે. કૃતિ ચૌલુક્યરાજા ભીમદેવ(પહેલો)ના સમયમાં થયેલા વિમલ મંત્રીના જન્મથી અંત સુધીની જીવનઘટનાઓ અને પરાક્રમપ્રસંગોને નિરૂપે છે. એમનાં સત્કૃત્યોને આલેખી વિમલ મંત્રીના ધર્મવીર તરીકેના ચરિત્રને વિશેષ રીતે ઉપસાવાયું છે. આ ઘટનાઓને કેટલાક ઐતિહાસિક આધારોનું સમર્થન સાંપડે છે. વિમલ મંત્રીની પ્રશસ્તિની સાથે જૈન ધર્મના પ્રભાવનું ગાન કરવાનો પણ કવિનો ઉદ્દેશ જોઈ શકાય છે.

લાવણ્યસમયની બીજી મહત્વની કથામૂલક રચના છે 1490માં રચાયેલી ‘નેમિરંગરત્નાકર છંદ/રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ’. જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથના જન્મથી માંડી કેવળપદપ્રાપ્તિ સુધીના પ્રસંગોને આ કૃતિ આલેખે છે. એમાં મુખ્ય નિરૂપણ નેમિનાથના લગ્ન-પ્રસંગનું છે. વિવિધ માત્રામેળ છંદોમાં રચાયેલી આ કૃતિનું આકર્ષક તત્વ કવિનું છંદપ્રભુત્વ અને ભાષાપ્રભુત્વ છે.

‘વચ્છરાજ દેવરાજ રાસ/ચોપાઈ’ એ કવિની રાજકુમાર વચ્છરાજનાં અદભુત પરાક્રમોને નિરૂપતી પદ્યકથા છે. ‘ખિમઋષિ, બલિભદ્ર, યશોભદ્રાદિ રાસ’ (1533) ખિમઋષિ, બલિભદ્ર અને આ બંનેના ગુરુ યશોભદ્રનાં ચરિત્રોને આલેખતી રચના છે. ‘સુરપ્રિય કેવલી રાસ’(1511)માં સુરપ્રિય નામે જૈન કેવલીનું ચરિત્રાલેખન છે.

લાવણ્યસમયે કેટલીક નોંધપાત્ર સંવાદરચનાઓ કરી છે; જેમાં ‘રાવણ-મંદોદરી સંવાદ’ (1506), ‘કરસંવાદ’ (1519), ‘ચંપકચંદનવાદ/સુકડી-ચંપૂ સંવાદગીત’, ‘સૂર્ય-દીપવાદ છંદ’ તથા ‘ગોરી-સાંવલી ગીત/વિવાદ’ કૃતિઓનો સમાવેશ થાય છે.

‘નેમિનાથ હમચડી’ (1508) એ હમચી પ્રકારને અનુરૂપ વેગીલી ભાષાનો અનુભવ કરાવતી, નેમ-રાજુલના પ્રસંગોને આલેખતી 84 કડીની રચના છે. ‘સુમતિસાધુ વિવાહલો’ એ કવિની, દીક્ષાપ્રસંગને વિવાહપ્રસંગ જેવો ઉમંગનો અવસર ગણી રચાયેલી, વિવાહલો સ્વરૂપની કૃતિ છે. આ સિવાય એમણે સ્થૂલિભદ્ર-કોશાના જાણીતા પ્રસંગને નિરૂપતી ‘સ્થૂલિભદ્ર એકવીસો’(1497)ની રચના કરી છે.

કવિની તત્વદર્શનના પ્રયોજનવાળી કેટલીક રચનાઓમાં ‘સિદ્ધાન્ત ચોપાઈ/લુંકા વદનચપેટા ચોપાઈ’ મહત્વની છે. એમાં મૂર્તિનિષેધક લોંકાશાહના વિચારો(લુંકામત)નું ખંડન અને મૂર્તિપૂજાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ સિવાય ‘ગૌતમ-પૃચ્છા (કર્મવિપાક) ચોપાઈ’, ‘ગર્ભવેલિ’, ‘જીવશિખામણ વિધિઆદિ’ – એ કવિની સિદ્ધાન્ત-નિરૂપણની કૃતિઓ છે.

આ ઉપરાંત લાવણ્યસમયે સ્તવનો, સજ્ઝાયો જેવી લઘુ કાવ્યકૃતિઓ પણ રચી છે. એમાં વિવિધ તીર્થસ્થળોના પાર્શ્વનાથ પ્રભુને વિષય બનાવીને રચાયેલાં કેટલાંક પાર્શ્ર્વનાથ-સ્તવનોનો સમાવેશ થાય છે.

‘ચતુર્વિશતિ જિનસ્તવન’ એ પ્રત્યેક કડીમાં એક એક તીર્થંકરની પ્રશસ્તિ-સ્તુતિ કરતું 28 કડીનું છંદોબદ્ધ સ્તવન છે અને એની યમકપ્રાસની વિશિષ્ટ યોજનાને લીધે નોંધપાત્ર છે. ‘આલોયણ ગર્ભિત શ્રી સીમંધર જિન વીનતી’માં અંતસમયે કરવાની પાપદોષોની આલોચનાનું આલેખન છે.

આ રીતે લાવણ્યસમય એમની નાનીમોટી બહુસંખ્ય અને સ્વરૂપવૈવિધ્યવાળી રચનાઓને કારણે સોળમી સદીના પૂર્વાર્ધના એક નોંધપાત્ર કવિ ઠરે છે, તેથી તો મોહનલાલ દ. દેસાઈએ આ ગાળાને ‘લાવણ્યસમય યુગ’ તરીકે ઓળખાવ્યો છે.

કાન્તિલાલ શાહ