લાતુર : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે આશરે 17° 50´ થી 18° 50´ ઉ. અ. અને 76° 10´ થી 77° 10´ પૂ. રે. વચ્ચેનો આશરે 7,157 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બીડ અને પરભણી જિલ્લા, ઈશાન અને પૂર્વમાં નાંદેડ, પૂર્વ અને અગ્નિકોણમાં કર્ણાટક રાજ્ય, દક્ષિણે અને નૈર્ઋત્યમાં કર્ણાટક રાજ્ય તેમજ ઓસ્માનાબાદ જિલ્લો તથા પશ્ચિમે ઓસ્માનાબાદ જિલ્લો આવેલાં છે. જિલ્લામથક લાતુર જિલ્લાના પશ્ચિમ ભાગમાં ઉત્તર તરફ આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ 600 મીટર ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશને આવરી લે છે. જિલ્લાની જમીન આછા રંગવાળી હલકા પ્રકારની છે, તે ભેજસંગ્રહની ક્ષમતા ધરાવતી નથી; તેથી તેમાં માત્ર ખરીફ પાકો જ લઈ શકાય છે. નિલંગા તાલુકાની જમીનો લૅટરાઇટજન્ય છે. લાતુર અને ઔસા તાલુકાઓની જમીનો કપાસની કાળી માટીની છે, તેમાં રવી પાકો ઓછા અને ખરીફ પાકો વિશેષ પ્રમાણમાં લઈ શકાય છે.
મંજરા, તરણા અને તવારજા આ જિલ્લાની મુખ્ય નદીઓ છે; તરણા (લંબાઈ 150 કિમી.) અને તવારજા (લંબાઈ 50 કિમી.) મંજરાની સહાયક નદીઓ છે. તરણા અહીંની લાંબી નદી ગણાય છે.
ખેતી–પશુપાલન : કપાસ, શેરડી, જુવાર, બાજરી અને ઘઉં અહીંના મુખ્ય કૃષિપાકો છે. જળાશયો અને તળાવોનાં પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. ગાયો, ભેંસો અને બકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે; ગ્રામીણ ભાગોમાં મરઘાં-બતકાંનો ઉછેર થાય છે. તરણા અને તવારજા નદીઓ તથા જળાશયો અને તળાવોમાં માછલીઓનો ઉછેર કરવામાં આવે છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં કોઈ મોટા પાયા પરના ઉદ્યોગો આવેલા નથી, નાના પાયા પરના ઉદ્યોગો પણ ઓછા છે. જિલ્લામાં એક સ્પિનિંગ મિલ અને એક ખાદ્ય તેલની મિલ આવેલી છે, તે ઉપરાંત એક નાની દૂધની ડેરી છે. ચૂનાખડકો, મૃદ, રેતી અને કેટલાક સ્થાનિક બાંધકામયોગ્ય ખડકો ખોદી કાઢવામાં આવે છે. જિલ્લાની ઉત્પાદકીય ચીજોમાં મીઠાઈ, ખાદ્યતેલ, ખોળ, પગરખાં, કમાવેલું ચામડું અને હાથે બનાવેલા કાગળનો સમાવેશ થાય છે.
સિંગતેલ, સૂર્યમુખીનું તેલ, રૂની ગાંસડીઓ, હાથે બનાવેલ કાગળ, પૉલિયેસ્ટર ખાદી, ચામડાં, સૂતર, સુતરાઉ કાપડ, દૂધ અને દૂધની પેદાશો, ગોળ, જુવાર, અડદ, દાળ જેવી પેદાશોની નિકાસ; રૂ, મગફળી, તેલીબિયાં, સ્ટેશનરી, કરિયાણું વગેરેની આયાત થાય છે. લાતુર મુખ્ય અને અહમદપુર, ઉદગિર, નિલંગા અહીંનાં સહાયક વેપારી કેન્દ્રો છે.
પરિવહન : બ્રૉડગેજ અને નૅરોગેજ રેલમાર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લાના પૂર્વભાગમાંથી પસાર થતો બ્રૉડગેજ માર્ગ ઉદગિરને મનમાડ અને હૈદરાબાદ સાથે જોડે છે. નૅરોગેજ માર્ગે લાતુર સોલાપુર અને હૈદરાબાદ સાથે સંકળાયેલું છે. રાજ્યમાર્ગો દ્વારા જિલ્લાનાં નગરો એકબીજાં સાથે જોડાયેલાં છે. જિલ્લામાર્ગો પર રાજ્ય પરિવહનની બસો અવરજવર કરતી રહે છે.
મુખ્ય મથકો : (1) લાતુર : જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 18° 24´ ઉ. અ. અને 76° 35´ પૂ. રે.. આ નગરમાં સિદ્ધેશ્વર, રામલિંગેશ્વર, પાપવિનાશ ભૂતેશ્વર, રામ, કેશવરાજ, દત્ત અને અંબેબાઈનાં મંદિરો આવેલાં છે. આ પૈકી સિદ્ધેશ્વરનું મંદિર ઘણા જૂના વખતમાં તામ્રધ્વજના શાસન વખતે બંધાયેલું હોવાનું કહેવાય છે. 1993ના સપ્ટેમ્બરની ત્રીસમી તારીખે પરોઢે ચાર વાગ્યે મહારાષ્ટ્ર-કર્ણાટક અને આંધ્ર રાજ્યોની સરહદ પર લાતુર ખાતે 6.3ની તીવ્રતાનો ભૂકંપ થયેલો. તેમાં લાતુર, કિલ્લારી અને ઉમરગા તારાજ થઈ ગયેલાં. 8,500 જેટલા લોકો મરણ પામેલા. 14,000 લોકો ઈજાગ્રસ્ત થયેલા અને આશરે 35,000 જેટલાં મકાનોને અસર પહોંચેલી.
(2) ઔસા : લાતુરથી દક્ષિણે આવેલા ઔસા તાલુકાનું મુખ્ય મથક. આ નગરમાં આશરે પાંચ હેક્ટર જેટલી ભૂમિને આવરી લેતો અને જિલ્લાના આકર્ષણનું કેન્દ્ર બની રહેલો એક ઐતિહાસિક કિલ્લો આવેલો છે. આ કિલ્લો બધી બાજુએ ઊંચાણવાળા ભાગોથી ઘેરાયેલા એક ગર્તમાં આવેલો છે, જૂના વખતમાં આજુબાજુ ઘણે દૂરથી આવતાં લશ્કરી ધાડાંની માહિતી મેળવી શકાતી હતી. ચોરસ આકારવાળા આ કિલ્લાની આજુબાજુ 36.58 મીટર પહોળી ખાઈ પણ છે. પહેલાં તેમાં પાણી ભરાયેલું રહેતું, હવે તે લગભગ સૂકી રહે છે, તેના કેટલાક પાણીવાળા ભાગો ખેતી, નાહવાના તેમજ કપડાં ધોવાના ઉપયોગમાં લેવાય છે. અહીંનું બીજું આકર્ષણનું સ્થાન વીરનાથ મલ્કીનાથ મહારાજનું મંદિર છે, તેમાં આશરે 12 મીટર લંબાઈ–પહોળાઈનો ચોરસ મંડપ (ખંડ) આવેલો છે, તેની ચારેય બાજુ વ્યાસપીઠો પણ છે. આ મંડપમાં સુંદર, સૂક્ષ્મ કોતરણીવાળા અને સુશોભનોથી સજ્જ કમાનોથી જોડાયેલા 10 થાંભલા આવેલા છે.
(3) અહમદપુર : લાતુરથી ઈશાન તરફ અને જિલ્લામાં ઉત્તર તરફ આવેલો તાલુકો. અહીંનું માલેગાંવ તેના ખંડોબાના મંદિર માટે પ્રખ્યાત છે. માલેગાંવ ખાતે યોજાતી ખંડોબા યાત્રા ઘોડાના બજાર માટે જાણીતી બનેલી છે. આ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો ઉપરાંત અહીં 5મીથી 6ઠ્ઠી સદીની જૈન અને બ્રાહ્મણ ગુફાઓ પણ જોવા મળે છે.
(4) નિલંગા : જિલ્લામાં દક્ષિણ તરફ આવેલો તાલુકો અને તાલુકામથક. અહીં 12મીથી 13મી સદીમાં બંધાયેલું નીલકંઠેશ્વરનું મંદિર તથા 17મી સદીમાં ખૂબ જાણીતા બનેલા પીર કાદરીની એક દરગાહ છે. આ ઉપરાંત અહીં નિલંગા તાલુકાની જેમ ખરોસા ગામ ખાતે ગુફાઓ આવેલી છે.
(5) ઉદગિર : જિલ્લામાં પૂર્વ તરફ આવેલો તાલુકો અને તાલુકામથક. અહીં આવેલા એક કિલ્લામાં ઉદગિર બાવાની સમાધિ આવેલી છે.
આ જિલ્લાના વીરનાથ મલ્કીનાથ મહારાજના મંદિર ખાતે જેઠ સુદ બારશે સાત દિવસનો મેળો ભરાય છે, ઘણા લોકો આ મેળો માણવા આવે છે. લાતુર ખાતે પણ મહાશિવરાત્રિ ટાણે નવ દિવસ માટે મેળો ભરાય છે, તેમાં લગભગ 20,000 જેટલા લોકો ભેગા થાય છે. આ ઉપરાંત અહીં જે બીજા મેળા પણ ભરાય છે, તે પૈકી લાતુરનો સિદ્ધેશ્વરનો મેળો ખૂબ વખણાય છે.
આ જિલ્લામાં અષાઢી, દત્ત જયંતી, રામલિંગેશ્વર, હનુમાન જયંતી, ખંડોબા, કાંચેશ્વર, રામનવમી, નાગપંચમી, લક્ષ્મીદેવી, ગંગાદેવી, ચાંદપીર સાહેબ, બડા ઇમામ જેવા મેળાઓ પણ ભરાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 20,78,237 છે. આ પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ આશરે 52 % અને 48 % તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 80 % અને 20 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને બૌદ્ધોનું પ્રમાણ વિશેષ છે; જ્યારે જૈન, શીખ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ ઓછું છે. મરાઠી અહીંની મુખ્ય ભાષા છે. સાક્ષરતાનું પ્રમાણ 45 % છે. જિલ્લાનાં ઘણાંખરાં ગામડાંઓમાં શૈક્ષણિક અને તબીબી સુવિધા છે. અહીંનાં બધાં જ નગરોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે તથા જિલ્લામાં 26 કૉલેજો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 તાલુકાઓ અને 5 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 936 (22 વસ્તીવિહીન) ગામડાં છે.
ઇતિહાસ : ઓસ્માનાબાદ જિલ્લાનું વિભાજન કરીને તેના લાતુર, અહમદપુર, ઉદગિર, નિલંગા અને ઔસા તાલુકાઓનો સમાવેશ કરતો લાતુર જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, તે જ વખતે બીડ જિલ્લાના અંબેજોગી તાલુકાનાં 53 ગામોને પણ નવા લાતુર તાલુકામાં સમાવવામાં આવ્યાં છે.
ગિરીશભાઈ પંડ્યા