લાટ્રોબ ખીણ : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલો કોલસાની સંપત્તિ ધરાવતો ખીણપ્રદેશ. અહીં લાટ્રોબ નદીની દક્ષિણે, કથ્થાઈ કોલસાનો વિપુલ જથ્થો રહેલો છે. લાટ્રોબે ખીણમાં રહેલા કોલસાનો કુલ અનામત જથ્થો 1,700 કરોડ મેટ્રિક ટન જેટલો હોવાનું અંદાજવામાં આવેલું છે. અહીંના કોલસાના થર ઓછામાં ઓછા 60 મીટરની જાડાઈના છે. વળી તે ભૂમિની સપાટીથી ઓછી ઊંડાઈએ રહેલા છે. વિક્ટોરિયા રાજ્યના વીજપુરવઠાનો તે મુખ્ય સ્રોત ગણાય છે. કોલસાની ઉપલબ્ધિને કારણે આ ખીણપ્રદેશમાં ઊર્જા-મથકો વિકસાવવામાં આવેલાં છે. રાજ્યને આશરે 90 % વીજપુરવઠો આ કાચા માલમાંથી મળી રહે છે. અહીંના કુદરતી સૌન્દર્યને તેમજ પર્યાવરણને બાધા ન આવે તે રીતે કોલસાની ખુલ્લી ખાણો (open cast mining) વિકસાવવામાં આવી છે.
મો, મૉરવેલ અને તરલગોન આ ખીણપ્રદેશમાં આવેલાં મુખ્ય નગરો છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં વીજ-ઊર્જામથકો, કોલસી દાબીને બનાવાયેલી ઈંટો (briquettes), કાગળ તેમજ કાગળનો માવો બનાવતા એકમોનો સમાવેશ થાય છે.
ગિરીશભાઈ પંડ્યા