સાન્તી, જિયોવાની (જ. આશરે 1440; અ. 1494) : ઇટાલિયન રેનેસાંસ-વ્યક્તિચિત્રો ચીતરનાર ચિત્રકાર. એમનાં આરંભિક વર્ષો અને એ ક્યાં તાલીમ પામ્યા એ વિશે માહિતી નથી. ઉર્બિનો ખાતે મૉન્તેફૅલ્ત્રો દરબારમાં તેમણે ઘણો સમય વિતાવીને વ્યક્તિચિત્રો આલેખેલાં. 1495માં માન્તુઆની રાણી ઇસાબેલા દેસ્તીએ તેમની નિમણૂક માન્તુઆના દરબારમાં ચિત્રકાર તરીકે કરી. એમનાં મૌલિક ચિત્રો પર ચિત્રકારો મેલેત્ઝો દા ફૉર્લી, પેયોરો દેલન ફ્રાન્ચેસ્કા અને પેરુજિનોની અસર વરતાય છે.
જિયોવાની સાન્તીએ દોરેલું ચિત્ર
સાન્તીનું સૌથી વધુ જાણીતું ચિત્ર છે ‘ઑલિવા’ (1489). કૉન્વેન્ટ ઑવ્ મૉન્તેફિયોરેન્તિનો માટે ચિત્રિત આ ચિત્રમાં માનવઆકૃતિઓની અંગભંગિ વધુ પડતું ધ્યાન ખેંચનારી હોવાને કારણે તેની અભિવ્યક્તિ મુખર છે. આ ઉપરાંત ચિત્ર ‘વિઝિટેશન’ પણ જાણીતું છે. સમકાલીન અન્ય ચિત્રકારો વિશે ટીકા રૂપે તેમણે 1480થી 1485 સુધીમાં ઇટાલિયન ભાષામાં પુસ્તક ‘ક્રોનાચા’ (cronaca) લખ્યું અને ફેદેરિજો દા મૉન્તેફૅલ્ત્રોને અર્પણ કર્યું. સાન્તીના પુત્ર રફાયેલોએ એક મહાન ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર તરીકે મોટી નામના મેળવી હતી.
અમિતાભ મડિયા