લાઇફ ઑવ્ એમિલ ઝોલા : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1937. નિર્માતા : હેન્રી બ્લૅન્ક. દિગ્દર્શક : વિલિયમ ડિયેટેર્લ (William Dieterle). પટકથા : નૉર્મન રેલી રેને, હેન્ઝ હેરાલ્ડ, ગેઝા હર્ઝેગ (Geza Herczeg). કથા : હેરાલ્ડ અને હર્ઝેગની વાર્તા પર આધારિત. સંગીત : લિયો એફ. ફૉર્બસ્ટિન. મુખ્ય કલાકારો : પૉલ મુનિ, ગેલ સૉન્ડરગાર્ડ, જોસેફ શિલ્ડક્રૉટ (Joseph Schildkraut), ગ્લોરિયા હોલ્ડન, ડૉનાલ્ડ ક્રિસ્પ, ઇરિન ઓબ્રાયન મૂર, રૉબર્ટ બેરેટ.

મહાન ફ્રેન્ચ સાહિત્યકાર એમિલ ઝોલાના જીવન પર આધારિત આ અત્યંત સફળ અને નોંધપાત્ર ચિત્રમાં એમિલ ઝોલાના જીવનને સુપેરે પડદા પર રજૂ કરાયું છે. એમિલ ઝોલાના પાત્રમાં અભિનેતા પૉલ મુનિએ જીવ રેડી દીધો છે. ઓગણીસમી સદીમાં થઈ ગયેલા આ મહાન સાહિત્યકાર તેમની કૃતિઓ અને અન્યાય સામેની તેમની લડતને કારણે હંમેશાં વિવાદમાં સપડાયેલા રહ્યા હતા અને ફ્રેન્ચ શાસને તેમની કૃતિઓ પર પ્રતિબંધ પણ લાદ્યો હતો; એટલું જ નહિ, એક તબક્કે તો તેમને કારાવાસની સજા પણ થઈ હતી; પણ આ સજા ભોગવવી ન પડે એ માટે તેઓ નાસીને ઇંગ્લૅન્ડ જતા રહ્યા હતા અને ત્યાં રહીને લેખન મારફત પોતાની લડત ચાલુ રાખી હતી. અંતે ફ્રેન્ચ પ્રજા પણ તેમનો પક્ષ લેવા માંડે છે અને એમિલ ઝોલાએ લશ્કરના એક કપ્તાનને ન્યાય અપાવવા માટે જે લડત ઉપાડી હતી તેમાં તેમને સફળતા મળે છે. આ મહાન લેખકે એક ગણિકા નાના સાથેના પોતાના અનુભવો આલેખતી એક નવલકથા ‘નાના’ લખીને વિવાદ સર્જ્યો હતો. આ નવલકથાને કારણે તેમણે ખાસ્સી ટીકાઓનો ભોગ બનવું પડ્યું હતું. જોકે નવલકથા ખૂબ લોકપ્રિય પણ થઈ હતી. સમય વીતવાની સાથે એમિલ ઝોલા લેખક તરીકે વધુ ને વધુ નામના મેળવવા માંડ્યા હતા અને તે સાથે અન્યાય સામેના લડવૈયા તરીકે પણ તેમની શાખ બંધાઈ ચૂકી હતી. એક દિવસ ઝોલાને મળવા એક સ્ત્રી લ્યુસી ડ્રેફુસ આવે છે. તેનો પતિ આલ્ફ્રેડ લશ્કરમાં કપ્તાન તરીકે ફરજ બજાવે છે. લશ્કરી ગુપ્ત માહિતીની હેરફેર કરવાનો તેના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય છે. ઝોલા મદદ કરવા તૈયાર થાય છે. તે કેસનો અભ્યાસ કરીને ફ્રાન્સના પ્રમુખને લખેલો તેમનો ખ્યાતનામ ખુલ્લો પત્ર ‘જ એક્યુઝ’ (J’Accuse) લખે છે. તેમાં આલ્ફ્રેડ નિર્દોષ હોવાની અને મેજર વૉલ્સિન-એસ્ટરહેઝી (Walsin-Esterhazy) ખરો દોષિત હોવાનું જણાવે છે; પણ સરકાર આલ્ફ્રેડને જ ગુનેગાર સાબિત કરી તેને નોકરીમાંથી કાઢી મૂકી ‘શેતાની ટાપુ’ પર જનમટીપની સજા માટે મોકલી આપે છે. ઝોલા પોતે લખેલો પત્ર ‘ઓરોર’ (Aurore) નામના એક અખબારમાં પ્રગટ કરાવે છે. તેને કારણે લશ્કરની બદનક્ષી કરવાના આરોપસર ઝોલા પર કેસ ચાલે છે અને તેમને એક વર્ષની કેદની સજા ફરમાવવામાં આવે છે. ઝોલા ઇંગ્લૅન્ડ નાસી જાય છે. અંતે લડતમાં ઝોલાનો વિજય થાય છે. આલ્ફ્રેડ સામેના આક્ષેપ પાછા ખેંચી લેવામાં આવે છે અને ઝોલાને પણ ફ્રાન્સ પરત આવવાની મંજૂરી આપવામાં આવે છે. આ તમામ ઘટનાઓનું ખૂબ જ સુંદર અને અસરકારક ચિત્રણ ચિત્રમાં કરાયું છે. આ ચિત્રને ઑસ્કારનાં કુલ દસ નામાંકન મળ્યાં હતાં; જે પૈકી શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ સહાયક અભિનેતા જોસેફ શિલ્ડક્રૉટ તથા શ્રેષ્ઠ પટકથા માટે ઑસ્કર ઍવૉર્ડ એનાયત કરાયા હતા.

હરસુખ થાનકી