લલિત રાવ (શ્રીમતી) (જ. 6 નવેમ્બર 1942, ચેન્નાઈ(મદ્રાસ)) : શાસ્ત્રીય સંગીતનાં જાણીતાં ખયાલ-ગાયિકા. મૂળ કાશ્મીરથી વર્ષો પહેલાં ગોવામાં સ્થાયી થયેલાં. ચિત્રપુર સારસ્વત કુળમાં જન્મ. પિતા ધારેશ્વર સંગીતના શોખીન અને ઘણી મહેફિલોમાં હાજરી આપતા. લલિત રાવે 1957માં સીનિયર કેમ્બ્રિજ કર્યા બાદ બી.એસસી. અને બી.ઈ.ની પરીક્ષાઓ ડિસ્ટિન્ક્શન સાથે પસાર કરી. તેમની જ્વલંત કારકિર્દીના ફળસ્વરૂપ ચાર વિદેશી યુનિવર્સિટીઓ તેમને સ્કૉલરશિપ આપવા તત્પર થઈ. તેથી કૅનેડાની ન્યૂ બ્રન્સવિક યુનિવર્સિટીમાંથી તેમણે 1967માં એમ.એસસી.ની પદવી મેળવી. પછી તેઓ ભારત પાછાં ફર્યાં અને જયવંત રાવ નામના કુશળ અને સંગીતપ્રિય યુવક સાથે લગ્ન કર્યાં.

જયવંત રાવ દિલ્હીમાં વિદેશી કંપનીમાં નોકરી કરતા હતા. તેમના પ્રોત્સાહન તથા આગ્રહથી લલિત રાવ ઇજનેરી છોડીને સંગીત તરફ વળ્યાં. તે ખેલકૂદમાં ખૂબ પાવરધાં હતાં. કૉલેજની ઍથલેટિક્સ ટીમનાં કૅપ્ટન હતાં. મૈસૂર રાજ્યની વ્યક્તિગત ચૅમ્પિયનશિપ તેમણે મેળવી હતી. જૅવલિન થ્રોનો તેમનો 14 વર્ષનો રેકૉર્ડ કોઈ તોડી શક્યું નહોતું. તેમની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી.

11 વર્ષની વયે તેમણે બૅંગ્લોરમાં રામરાવ નાઈક પાસેથી આગ્રા ઘરાનાના સંગીતની તાલીમ લીધી. તેમની પાસેથી 5૦ રાગ શીખ્યાં. 13 વર્ષની ઉંમરે 1957માં ‘કલ કે કલાકાર’ તરફથી યોજાતી હરીફાઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. તે જ વર્ષે તેમણે ‘સ્વામી હરિદાસ સંગીત સંમેલન’માં જ્વલંત કાર્યક્રમ આપ્યો, જે અપૂર્વ નીવડ્યો. ત્યારપછી દિલ્હીમાં એક વર્ષ સુધી દિનકર કૈકિણી પાસેથી તાલીમ લીધી. 197૦થી તેમણે મુંબઈમાં ઉસ્તાદ ખાદિમ હુસેન પાસેથી આગ્રા ઘરાનાની તાલીમ લીધી. 1972માં તેમણે ફરીથી ‘સ્વામી હરિદાસ સંગીત સંમેલન’માં શ્રીમતી સુધા દિવેકર સાથે જુગલબંદીનો કાર્યક્રમ આપ્યો. તે દરમિયાન તેમને ‘ભારત સંગીત સભા’ તરફથી ધ્રુપદ-ધમારની તાલીમ લેવા શિષ્યવૃત્તિ મળી. ઉસ્તાદ ખાદિમ હુસેન પાસેથી તેમણે ધ્રુપદ-ધમારની 15થી 2૦ ચીજો અને લગભગ 15૦ રાગોમાં પારંગતતા મેળવી. દૂરદર્શન પરથી નૅશનલ પ્રોગ્રામ આપ્યો. તે ઉપરાંત તેમણે મુંબઈ, કોલકાતા, દિલ્હી, ગ્વાલિયર, અમદાવાદ, હૈદરાબાદ, બનારસ અને લખનૌ જેવાં મોટાં શહેરોમાં સંગીતપરિષદો અને સંગીતમંડળોમાં 1૦૦થી વધુ કાર્યક્રમો આપ્યા. અમેરિકા, ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સમાં તેમણે 3૦ જેટલા કાર્યક્રમો આપ્યા.

આમ તેઓ સંગીતના પ્રત્યેક વિભાગમાં નિપુણ છે. ખાસ કરીને ખયાલ ગાયકી પર તેમનું પ્રભુત્વ રહ્યું છે. વળી આલાપ, ધ્રુપદ, ધમાર, તરાના, ઠૂમરી અને દાદરા પર તેઓ સારો એવો કાબૂ ધરાવે છે. તેમના રાગોના ભંડોળમાં લક્ષ્મી તોડી, લાચારી તોડી, બહાદુરી તોડી, મુદ્રીક કાનડી, માલતી વસંત, પરબિહાગ, બિરજુનો મલ્હાર, સારંગ મલ્હાર, સામંત સારંગ, લંકાદહન સારંગ, શુક્લ બિલાવલ વગેરે ઉલ્લેખનીય છે.

તેમનો અવાજ અત્યંત સૂરીલો છે. ‘ચીજ’ની સુંદર બાંધણી કર્યા પછી તેઓ બઢત, ઊપજ તથા બહેલાવાથી રાગને સજાવીને દ્રુત અને અતિદ્રુત તાન સાથે રાગની પૂર્ણાહુતિ કરે છે. તાલ અને લયકારી પર તેઓ સારો કાબૂ ધરાવે છે. એમનાં ઠૂમરી અને દાદરામાં સિદ્ધેશ્વરીદેવીની ઝાંખી થાય છે. સંગીતની આ વિશિષ્ટતાઓને લીધે તેઓ સંગીતક્ષેત્રે ઉચ્ચ સ્થાન ધરાવે છે. તેમને સ્વામી હરિદાસ સંગીત સંમેલન તરફથી હરિદાસ સંગીત ઍવૉર્ડ તથા મુંબઈની એક સંસ્થા સંગીત સંસદ દ્વારા સૂરમણિ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા