લતીફ ઘોંઘી (જ. 28 સપ્ટેમ્બર 1935, મહાસમુંદ, મધ્યપ્રદેશ) : હિંદી હાસ્ય અને વ્યંગ્ય લેખક. તેમણે બી.એ. અને એલએલ.બી.ની પદવી મેળવ્યા બાદ વકીલાત શરૂ કરી, અને સાથોસાથ લેખનકાર્ય પર હાથ અજમાવ્યો.
તેમની માતૃભાષા ગુજરાતી હોવા છતાં તેમણે હિંદીમાં 31 ગ્રંથો આપ્યા છે, તેમાં ‘તીસરે બંદર કી કથા’ (1977); ‘કિસ્સા દાઢી કા’ (198૦); ‘ચોરી ન હોને કા દુ:ખ’ (1984); ‘બધાઇયોં કે દેશ મેં’ (1986); ‘ક્ષમા કરના, હમ દુ:ખી હૈં’ (1987); ‘બુદ્ધિમાનોં સે બચિયે’ (1988); ‘ઈમાનદારી કી ગોલિયૉ’ (199૦), ‘નીર-ક્ષીર’ (1992); ‘વ્યંગ્ય ચરિતમ્’ (1993); ‘મંત્રી હો જાને કા સપના’ (1994); ‘યત્ર તત્ર’ (1997) આ તમામ તેમની લોકપ્રિય હાસ્ય અને વ્યંગ્ય કૃતિઓ છે.
તેમના હાસ્યરસ-વિષયક સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1981માં ગ્વાલિયર સાહિત્ય સભા તરફથી બિન-હિંદીભાષી લેખકોનો ઍવૉર્ડ; 198૦માં એનાડુ પુરસ્કાર (આંધ્રપ્રદેશ) તથા 1984માં જાસોરિયા પુરસ્કાર; 1994માં મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ તરફથી શરદ જોષી સન્માન અને 1997માં શ્રી શ્રીમાલ ફાઉન્ડેશન ઍવૉર્ડ પ્રાપ્ત થયાં છે. વળી તેઓ ‘સૃજન-શ્રી’ના ખિતાબથી પણ સન્માનિત થયા છે.
બળદેવભાઈ કનીજિયા